Shravan Maas 2026 Date in Gujarat: ભગવાન શિવના ભક્તો માટે આગામી 13 ઓગસ્ટ 2026નો દિવસ વિશેષ મહત્વનો રહેવાનો છે, કારણ કે આ દિવસથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થશે. શ્રાવણ શરૂ થતાં જ શિવ મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના, રુદ્રાભિષેક અને 'હર હર મહાદેવ'ના જયઘોષ ગુંજવા લાગશે. હિન્દુ ધર્મમાં શ્રાવણ માત્ર એક મહિનો નથી, પરંતુ ભગવાન શિવની ઉપાસનાનો અત્યંત પવિત્ર સમય માનવામાં આવે છે.
માન્યતા મુજબ શ્રાવણ માસ દરમિયાન ભક્તિભાવથી પૂજા, જળાભિષેક અને વ્રત કરવાથી મહાદેવ પ્રસન્ન થાય છે અને ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે. સમગ્ર શ્રાવણ માસમાં આવતા દરેક સોમવારનું વિશેષ મહત્વ હોય છે. આ દિવસે વ્રત અને વિધિપૂર્વકની પૂજા કરવાથી ભગવાન શિવની સાથે માતા પાર્વતીની પણ વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.
ગુજરાતમાં શ્રાવણ મહિનો ક્યારે બેસે 2026 (Shravan Maas 2026 Start Date in Gujarat)
ગુજરાતમાં અમાવસ્યાંત પંચાંગ અનુસરવામાં આવે છે. આ પંચાંગ અનુસાર, ગુજરાતમાં શ્રાવણ માસનો પ્રારંભ 13 ઓગસ્ટ 2026ના રોજ થશે અને તેની પૂર્ણાહુતિ 10 સપ્ટેમ્બર 2026ના રોજ થશે.
શ્રાવણ માસ 2026ના સોમવાર વ્રતની તારીખો (Shravan Somwar Dates 2026)
વર્ષ 2026માં પ્રથમ શ્રાવણ સોમવાર 17 ઓગસ્ટના રોજ છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે શ્રદ્ધા અને વિધિપૂર્વક ભગવાન શિવની આરાધના કરવાથી વૈવાહિક જીવનમાં સુખ-સમૃદ્ધિ મળે છે. આ વર્ષે શ્રાવણ માસમાં કુલ 4 સોમવાર આવશે.
- પ્રથમ શ્રાવણ સોમવાર: 17 ઓગસ્ટ 2026
- બીજો શ્રાવણ સોમવાર: 24 ઓગસ્ટ 2026
- ત્રીજો શ્રાવણ સોમવાર: 31 ઓગસ્ટ 2026
- ચોથો શ્રાવણ સોમવાર: 07 સપ્ટેમ્બર 2026
શ્રાવણ માસ 2026 પૂજા માટેના શુભ મુહૂર્ત (Shravan Maas 2026 Puja Muhurat)
ભગવાન શિવની પૂજા માટે દરરોજ બ્રહ્મ મુહૂર્ત અને અભિજિત મુહૂર્ત સૌથી શુભ માનવામાં આવે છે. 17 ઓગસ્ટ 2026ના રોજ પ્રથમ શ્રાવણ સોમવારે બ્રહ્મ મુહૂર્ત સવારે 04:48 થી 05:32 વાગ્યા સુધી અને અભિજિત મુહૂર્ત બપોરે 12:18 થી 01:09 વાગ્યા સુધી રહેશે.
શ્રાવણ માસમાં ભગવાન શિવની પૂજા વિધિ
- વહેલી સવારે ઉઠીને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો અને વ્રતનો સંકલ્પ લો.
- ઘર કે મંદિરના શિવલિંગ પર તાંબાના લોટાથી શુદ્ધ જળ, ગંગાજળ અને કાચું દૂધ અર્પણ કરો.
- શિવલિંગ પર બિલ્વપત્ર, ધતૂરો, ભાંગ, આંકડાના ફૂલ, શમીના પાન, સફેદ ચંદન, અક્ષત અને મધ અર્પિત કરો.
- ધૂપ-દીપ પ્રગટાવી શિવ ચાલીસા અને રુદ્રાષ્ટકમનો પાઠ કરો.
- 'ૐ નમઃ શિવાય' અથવા મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો.
- અંતે ભગવાન શિવને ફળ, મીઠાઈ અથવા પંચામૃતનો ભોગ ધરાવી આરતી કરીને પૂજા પૂર્ણ કરો.
શ્રાવણ માસમાં ભગવાન શિવની પૂજાનું ધાર્મિક મહત્વ
હિન્દુ પંચાંગ અનુસાર શ્રાવણ વર્ષનો પાંચમો મહિનો છે. પૌરાણિક કથાઓ મુજબ, શ્રાવણ માસ દરમિયાન જ દેવો અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું હતું. મંથન દરમિયાન નીકળેલા હળાહળ વિષથી સમગ્ર સૃષ્ટિ પર સંકટ ઊભું થયું ત્યારે ભગવાન શિવે વિશ્વની રક્ષા માટે તે વિષ પોતાના કંઠમાં ધારણ કર્યું હતું, જેનાથી તેઓ 'નીલકંઠ' તરીકે પ્રસિદ્ધ થયા.
મહાદેવના કંઠમાં થયેલી વિષની જ્વાળાને શાંત કરવા માટે દેવતાઓએ તેમના પર સતત જળ અને ગંગાજળનો અભિષેક કર્યો હતો. માન્યતા છે કે ત્યારથી જ શ્રાવણ માસ દરમિયાન શિવલિંગ પર જળાભિષેક કરવાની પરંપરા શરૂ થઈ, જે આજે પણ શ્રદ્ધાપૂર્વક નિભાવવામાં આવે છે.
