Surya Grahan 2026 Date and Time in India: 12 ઓગસ્ટ 2026ના રોજ એક અનોખી અને દુર્લભ ખગોળીય ઘટના બનવા જઈ રહી છે. આ દિવસે પૂર્ણ સૂર્યગ્રહણ (Total Solar Eclipse) જોવા મળશે, જેના કારણે પૃથ્વીના કેટલાક ભાગોમાં દિવસ દરમિયાન થોડી મિનિટો માટે અંધકાર છવાઈ જશે. યુરોપમાં વર્ષ 2006 પછી પ્રથમ વખત પૂર્ણ સૂર્યગ્રહણ જોવા મળી રહ્યું હોવાથી વૈજ્ઞાનિકો અને ખગોળપ્રેમીઓમાં ભારે ઉત્સાહ છે. ભારતમાં સૂર્યગ્રહણ સાથે અનેક ધાર્મિક માન્યતાઓ જોડાયેલી છે, ત્યારે આ દિવસ વૈજ્ઞાનિક તેમજ ધાર્મિક એમ બંને દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
પૂર્ણ સૂર્યગ્રહણ શું છે?
જ્યારે ચંદ્ર પરિભ્રમણ કરતો પૃથ્વી અને સૂર્યની બરાબર વચ્ચે આવી જાય છે અને સૂર્યના પ્રકાશને સંપૂર્ણપણે ઢાંકી દે છે, ત્યારે તેને પૂર્ણ સૂર્યગ્રહણ કહેવામાં આવે છે. આ ઘટના દરમિયાન દિવસના સમયે પણ થોડી મિનિટો માટે રાત્રિ કે સાંજ જેવો અંધકાર અનુભવાય છે. કેટલીક જગ્યાએ તાપમાનમાં અચાનક ઘટાડો થાય છે અને વાતાવરણમાં પણ બદલાવ જોવા મળે છે.
સૂર્યગ્રહણ ક્યાં જોવા મળશે?
આ દુર્લભ પૂર્ણ સૂર્યગ્રહણ સૌથી પહેલાં ઉત્તર રશિયામાં જોવા મળશે. ત્યારબાદ તે ગ્રીનલેન્ડ, આઇસલેન્ડ, સ્પેન અને પોર્ટુગલના ઉત્તર-પૂર્વીય વિસ્તારોમાંથી પસાર થશે. સ્પેનમાં આ ગ્રહણ ઓવિએડો શહેરથી શરૂ થઈને મેલોર્કા ટાપુ સુધી દેખાશે. ઉપરાંત, યુરોપના મોટાભાગના દેશો, કેનેડા, અમેરિકાના ઉત્તર ભાગ અને ઉત્તર-પશ્ચિમ આફ્રિકાના વિસ્તારોમાં આંશિક સૂર્યગ્રહણ જોવા મળશે.
શું ભારતમાં સૂર્યગ્રહણ દેખાશે અને સૂતક કાળ લાગુ પડશે?
ભારતમાં આ સૂર્યગ્રહણ દૃશ્યમાન નહીં હોવાથી અહીં ધાર્મિક દૃષ્ટિએ સૂતક કાળ માન્ય રહેશે નહીં. જોકે હિન્દુ ધર્મમાં સૂર્યગ્રહણનું વિશેષ મહત્વ હોવાથી ઘણા લોકો આ સમય દરમિયાન મંત્રજાપ, ભગવાનનું સ્મરણ અને ગ્રહણ પૂર્ણ થયા બાદ સ્નાન તથા દાન-પુણ્ય કરવાની પરંપરાનું પાલન કરે છે.
આ સૂર્યગ્રહણ વૈજ્ઞાનિક દૃષ્ટિએ એટલું ખાસ કેમ છે?
દર વર્ષે સામાન્ય રીતે 1 અથવા 2 સૂર્યગ્રહણ થાય છે, પરંતુ પૂર્ણ સૂર્યગ્રહણ ખૂબ જ દુર્લભ માનવામાં આવે છે. તે માત્ર પૃથ્વી પરની એક સાંકડી પટ્ટીમાંથી જ પસાર થાય છે અને કોઈ એક ચોક્કસ સ્થળે ફરી આવું દૃશ્ય જોવા માટે ક્યારેક સદીઓ સુધી રાહ જોવી પડે છે.
આ ગ્રહણ બાદ 2 ઓગસ્ટ 2027ના રોજ દક્ષિણ સ્પેન, ઉત્તર આફ્રિકા અને અરબી દ્વીપકલ્પમાં વધુ એક પૂર્ણ સૂર્યગ્રહણ જોવા મળશે, જેની અવધિ 6 મિનિટ 23 સેકન્ડ રહેશે. ત્યારબાદ 26 જાન્યુઆરી 2028ના રોજ સ્પેનમાં 'રિંગ ઑફ ફાયર' એટલે કે વલયાકાર સૂર્યગ્રહણ પણ જોવા મળશે.
