Zariya Mahadev Temple History: હિંન્દુ ધર્મમાં ભગવાન શિવને દેવાધિદેવ મહાદેવ તરીકે પૂજવામાં આવે છે. ભગવાન શિવના સંપૂર્ણ ભારત વર્ષમાં ઘણા મંદિરો આવેલા છે. જ્યાં ભગવાનની પૂજા માત્રથી જ મનુષ્યના સઘળા પાપોનો અંત આવી જાય છે. ત્યારે આજે આપણે વાત કરવી છે. ભગવાન મહાદેવના એવા અલૌકિક શિવ મંદિરની, જેનો ઇતિહાસ મહાભારત સાથે જોડાયેલો છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં આવેલા ઐતિહાસિક પાંચાળ ભૂમિ પર આ મંદિર સ્થિત છે. માંડવ વનની કુદરતી ગુફાઓ વચ્ચે ‘ઝરિયા મહાદેવ'નું અત્યંત પવિત્ર અને અલૌકિક શિવ મંદિર આવેલું છે. આજે ગુજરાતી જાગરણની ભગવાન શિવના પ્રાચીન મંદિરોની સિરીઝમાં તમને પ્રસિદ્ધ ઝરિયા મહાદેવ મંદિર વિશે માહિતી આપશે.
ઝરિયા મહાદેવનો ઇતિહાસ (Zariya Mahadev History)
લોક વાયકા મુજબ, 12 વર્ષના અજ્ઞાતવાસ દરમિયાન પાંડવોએ પાંચાળ ભૂમિના માંડવ વનમાં વસવાટ કર્યો હતો અને ભગવાન શિવજીની પૂજા કરી હતી. અજ્ઞાતવાસ પૂર્ણ થતાં જ ભગવાન શિવે પાંડવો પર પ્રસન્ન થઈને વચન આપ્યુ હતું કે, આ શિવલિંગ પર બારેય માસ કુદરતી રીતે જલાભિષેક થતો રહેશે. ચોટીલા પંથકને પાંચાળ તરીકે ઓળખવામાં આવે છે. એક બીજી વાયકા પ્રમાણે દ્રોપદીનો સ્વયંવર પણ આ ધરતી પર થયો હતો.

પાંચાળ ધરાની પવિત્ર ભૂમિ પર સ્થિત ઝરિયા મહાદેવના દર્શન કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. શિવાલયની એક બીજી અંધારી ગુફામાં મહાકાળી માતાજીની મૂર્તિ સ્થિત છે. એવી માન્યતા છે કે, અહીં દર્શન કરવા આવતા ભક્તો પથ્થર પર પથ્થર ગોઠવીને પ્રાર્થના કરે તો, આમ કરવાથી તેમનું પોતાનું સપનાનું ઘર બને છે. શ્રાવણ માસ દરમિયાન અને ખાસ કરીને શ્રાવણી સોમવારે અહીં ભવ્ય મેળો ભરાય છે. પ્રકૃતિપ્રેમીઓ માટે માંડવ વનમાં વનભોજન અને એક દિવસીય પ્રવાસ (One-day Picnic) માટે આ સ્થાન સર્વશ્રેષ્ઠ છે.
ઝરિયા મહાદેવ મંદિરનું ધાર્મિક મહત્વ (Religious Significance of Zariya Mahadev)
ચોટીલા નજીક આવેલા માંડલ વનમાં ઝરીયા મહાદેવનું પૌરાણિક શિવાલય સ્થિત છે. આ શિવાલય એક ગુફામાં આવેલું છે. જ્યાં શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે, ત્યાં અવિરત ગુફાની ઉપરની દીવાલમાંથી ચોવીસ કલાક મીઠું પાણી ટપકે છે. કુદરતી રીતે ભગવાનના શિવલિંગ પર અવિરત જળાભિષેક થતો રહે છે. આ પાણી ક્યાંથી આવે છે અને કેવી રીતે આવે છે. તે અંગે કોઈને જાણકારી નથી. ગુફામાં પથ્થરની એક વિશાળ શીલા નીચે ભગવાન શિવ સ્વયંભૂ વિરાજમાન છે. શીલામાંથી ટપતું પાણી આગળના એક કુંડમાં ભેગું થાય છે. જેને ભક્તો પ્રસાદ તરીકે પીવે છે.
ગુફામાં પ્રવેશતા જ ઠંડુ વાતાવરણનો અનુભવ થાય છે. બળબળતા ઉનાળામાં પણ અહીં ઠંડક હોય છે.ગુફા પાસે એક જૂનો વડલો આવેલો છે. આ શિવલિંગનું પ્રાક્ટ્ય કેટલું પૌરાણિક છે. તે હજુ સુધી જાણી શકાયું નથી. વન વગડામાં સ્થિત આ મંદિરમાં ઝરિયા મહાદેવના દર્શન કરવા હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં આવે છે.

ઝરિયા મહાદેવ કેવી રીતે પહોંચવું? ( How To Reach Zariya Mahadev)
રોડ માર્ગ દ્વારા (By Road)
ચોટીલા અને સુરેન્દ્રનગરથી ઝરિયા મહાદેવ પહોંચવુ ખૂબ જ સરળ છે. આ મંદિરે પહોંચવા માટે ચોટીલાથી રીક્ષા, પ્રાઈવેટ ટેક્સી કે ગાડીની સુવિધા ઉપલબ્ધ છે. તેમજ એસટી બસોની સુવિધા પણ ઉપલબ્ધ છે.
- ચોટીલાથી અંતર 15 કિમી
- સુરેન્દ્રનગરથી અંતર: 68 કિમી
ટ્રેન માર્ગ દ્વારા (By Train)
ચોટીલામાં આવેલા ઝરિયા મહાદેવના દર્શન કરવા માટે ભક્તો ગાંધીનગર, અમદાવાદથી ટ્રેન મારફતે સુરેન્દ્રનગર જંકશન પહોંચી શકે છે. અથવા ચોટીલા જંકશન સુધી પહોંચીને આરામથી તેઓ ટેક્સી કે રીક્ષા કરીને સરળતાથી ઝરિયા મહાદેવ પહોંચી શકે છે.
હવાઈ માર્ગ દ્વારા (By Flight)
ઝરિયા મહાદેવ સુધી પહોંચવા માટે સૌથી નજીકનું હવાઈ મથક રાજકોટનું હીરાસર એરપોર્ટ છે. દૂર દૂરથી દર્શન કરવા ઇચ્છતા ભક્તો રાજકોટ એરપોર્ટ પરથી પહોંચીને ટેક્સી કરીને ચોટીલા સુધી પહોંચી શકે છે.

ઝરિયા મહાદેવ આસપાસ ફરવાલાયક અને દર્શનીય સ્થળો (Place to Visit Near Zariya Mahadev)
- ચોટીલા ડુંગર અને ચામુંડા માતાજી મંદિર
- માંડવ વન
- સૂરજદેવળ ધામ
