Feng Shui Money Plant Rules: ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવવા માટે 'ગોલ્ડન પોથોસ'ના 3 ખાસ નિયમો ધ્યાનમાં રાખજો, નહીંતર બરબાદ થઈ જશો

ફેંગશૂઈ અનુસાર, ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવવા માટે 'ગોલ્ડન પોથોસ' મની પ્લાન્ટનું વિશેષ મહત્વ છે. તેને યોગ્ય દિશામાં, ઉપરની તરફ વધે તે રીતે અને સ્વચ્છ રાખીને આર્થિક સ્થિતિ સુધારી શકાય છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 30 Jul 2026 04:55 PM (IST)Updated: Thu, 30 Jul 2026 04:55 PM (IST)
feng-shui-money-plant-rules-for-golden-pothos-to-boost-wealth-and-prosperity-at-home

Feng Shui Tips: વાસ્તુશાસ્ત્રમાં ઘર સાથે સંકળાયેલી તમામ વસ્તુઓ ઉપરાંત છોડ માટે કેટલાક નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેનું પાલન કરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. વાસ્તુમાં મની પ્લાન્ટનું પણ વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે, જેનાથી ઘરમાં પોઝિટિવ વાતાવરણ જળવાઈ રહે છે.

જો તમે પણ ઘરમાં મની પ્લાન્ટનો છોડ રાખ્યો હોય, પરંતુ ઘરમાં કાયમ પૈસાની તંગી વર્તાય અને પરિવારના સભ્યો વચ્ચે ઝઘડા થતા રહેતા હોય તો તેનું મુખ્ય કારણ મની પ્લાન્ટ હોઈ શકે છે. તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ આ હકીકત છે કારણ કે ચીની વાસ્તુ ફેંગશૂઈ પ્રમાણે દરેક મની પ્લાન્ટ ધનને પોતાની તરફ આકર્ષિત નથી કરતા.

ગોલ્ડન પોથોસ મની પ્લાન્ટ જ શુભ ગણાય

'ગોલ્ડન પોથોસ' સૌથી લોકપ્રિય મની પ્લાન્ટ છે. જો તમે જીવનમાં ઝળહળતી સફળતા અને ધન મેળવવા માંગતા હોવ, તો તમારે ઘરમાં 'ગોલ્ડન પોથોસ' મની પ્લાન્ટનો છોડ વાવવો જોઈએ. ગોલ્ડન પોથોસ મની પ્લાન્ટને ઓળખવા એકદમ સરળ છે. આવા મની પ્લાન્ટના પાંદડા હ્રદયના આકારના હોય છે, તેમજ તેના પર સોનેરી અને પીળા રંગના નિશાન જોવા મળે છે.

ફેંગશૂઈમાં પાંદડાનો આ સોનેરી રંગ ભૌતિક સુખ-સુવિધા અને ધનનું પ્રતિક માનવામાં આવે છે. આથી અન્ય જાતના મની પ્લાન્ટની સરખામણીમાં ગોલ્ડન પોથોસની મની મેગ્નેટ ક્ષમતા ખૂબ જ વધારે માનવામાં આવે છે.


ગોલ્ડન પોથોસ મની પ્લાન્ટ રાખતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું

દિશાઃ ફેંગશૂઈ પ્રમાણે ઘરની દક્ષિણ-પૂર્વ દિશા ધનનું ક્ષેત્ર ગણાય છે. આથી ગોલ્ડન પોથોસ મની પ્લાન્ટના છોડને આ ખુણામાં રાખવો જોઈએ. આ દિશા ભગવાન ગણપતિ અને ભૌતિક સુખ-સુવિધાના કારક શુક્ર ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે. આથી આ દિશામાં છોડ રાખવાથી ઘરના તમામ વાસ્તુ દોષ દૂર થવા સાથે આર્થિક સ્થિતિ પણ મજબૂત બને છે.

છોડની સ્થિતિઃ ક્યારેય પણ ગોલ્ડન પોથોસ મની પ્લાન્ટની વેલને નીચે લટકતી ના રાખવી જોઈએ. નીચે તરફ નમતી વેલ પરિવારની નબળી આર્થિક સ્થિતિ અને ઘરમાં નકારાત્મક ઉર્જાના પ્રવાહનો સંકેત હોઈ શકે છે. આથી છોડને એક લાકડીના ટેકાથી અથવા દોરીથી બાંધીને ઉપર તરફ વધે તેવી વ્યવસ્થા કરો. જેમ-જેમ છોડ ઉપરની તરફ વધતો જશે, તેમ-તેમ તમારી આવક અને સફળતાના યોગ મજબૂત બનતા જશે.

કાળજીઃ આ છોડ તમારા ધન ક્ષેત્ર સાથે સંકળાયેલો હોવાથી તેની કાળજી લેવી ખૂબ જ જરૂરી છે. આથી ગોલ્ડન પોથોસ પર ક્યારેય ધૂળ ના જામે અને તેના પાંદડા હંમેશા ચમકતા રહે તેનું ધ્યાન રાખો. સૂકાઈ ગયેલા કે એકદમ પીળા પડી ગયેલા પાંદડાને તાત્કાલિક કાપીને દૂર કરો, કારણ કે તે બિનજરૂરી ખર્ચા વધારીને આર્થિક પ્રગતિમાં અવરોધ ઉભા કરે છે. આથી નિયમિત પાંદડા પર પાણી છાંટીને તેને ચોખ્ખા રાખવા જોઈએ, જેથી તે તાજા દેખાય અને સકારાત્મક ઉર્જાનો સંચાર કરતા રહે.

કાંચ કે માટીનું કુંડુઃ ફેંગશૂઈમાં છોડ માટેના કુંડાનું પણ આગવું મહત્ત્વ માનવામાં આવ્યું છે. કાંચની બોટલ કે બરણીમાં ગોલ્ડન પોથોસનો છોડ રાખવો અત્યંત શુભ માનવામાં આવે છે, કારણ કે કાંચનો સબંધ 'જળ' તત્વ સાથે છે અને જળનો સબંધ ધનના પ્રવાહ સાથે સંકળાયેલો છે. જો તમે માટીના કુંડામાં છોડ રાખતા હોય, તો પણ ધ્યાન રાખો કે તે સ્વચ્છ અને આકર્ષક હોય. ખરાબ અને તૂટેલા કુંડામાં છોડ રાખવાથી બચો, કારણ કે તે ઘરમાં નકારાત્મક્તા લાવે છે.

જગ્યાઃ ફેંગશૂઈ મુજબ, ગોલ્ડન પોથોસને ઘરની વચ્ચોવચ્ચ, બાથરૂમની અંદર કે એકદમ અંધારી જગ્યાએ ક્યારેય ના રાખવા જોઈએ. આવી જગ્યાએ છોડ રાખવાથી તેના વિકાસ પર વિપરિત અસર થાય છે. જે સકારાત્મક ઉર્જાના સંચારને પ્રભાવિત કરે છે. સ્વસ્થ અને લીલોછમ છોડ જ સકારાત્મક ઉર્જાનું પ્રતિક છે.