Monsoon Vastu Tips: ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચોમાસું તેના ચરમ પર છે અને અનેક ભાગોને મેઘરાજા રીતસરના ઘમરોળી રહ્યા છે. વરસાદી માહોલ એકતરફ આહલાદક વાતાવરણ લઈને આવે છે, તો બીજી તરફ રોગચાળાને પણ આમંત્રણ આપે છે. આ ઉપરાંત ચોમાસામાં ઘરની દીવાલોમાં ભેજ આવવો અને પાણી ટપકવું જેવી સમસ્યાઓ પણ વધી જતી હોય છે.
વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે, ઘરમાં વધતો ભેજ માત્ર પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય પર જ નહીં, પરંતુ ઘરની આર્થિક સ્થિતિ અને સકારાત્મક ઉર્જા પર પણ વિપરિત અસર કરે છે. એવામાં વરસાદની સિઝનમાં તમે કેટલાક સરળ વાસ્તુ ઉપાયો અપનાવીને ઘરની નકારાત્મક ઉર્જાને સકારાત્મક ઉર્જામાં પરિવર્તિત કરીને આર્થિક સ્થિતિ વધારે મજબૂત બનાવી શકો છો.
જળ સંગ્રહ અને પાણીના નિકાલની યોગ્ય દિશાઃ
વાસ્તુ શાસ્ત્રમાં ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશા (ઈશાન ખૂણા)ને જળ તત્વની દિશા માનવામાં આવે છે. આથી જો ઘરમાં પાણીની ટાંકી, ફૂવારો કે વરસાદી જળ સંગ્રહની વ્યવસ્થા આ દિશામાં હોય તો તેને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આવી જ રીતે વરસાદના પાણીનો નિકાલ પણ આજ દિશામાં હોવો જોઈએ. એટલે કે પાણીના વહેવાનો કુદરતી ઢાળ ઉત્તર કે ઉત્તર-પૂર્વની દિશા તરફ રહેવો જોઈએ.
દીવાલો પર ભેજઃ
ખાસ કરીને ચોમાસાની સિઝનમાં ઘરની દીવાલોમાં તિરાડ, ભેજ અને છત ઉપરથી પાણી ટપકતું હોય તેવી સમસ્યા ખૂબ જ સામાન્ય થઈ જાય છે. જો કે વાસ્તુ શાસ્ત્રમાં તેને શુભ સંકેત નથી માનવામાં આવતી. એવું કહેવાય છે કે, ઘરની દીવાલો પર ભેજ અને છત પરથી પાણી ટપકતુ રહેવાથી ઘરનું વાતાવરણ નકારાત્મક થઈ શકે છે અને આર્થિક સમસ્યા વધવા માંડે છે.
આથી ચોમાસું શરૂ થયા પહેલા જ દીવાલોને રિપેર કરાવવી, છતને વોટરપ્રૂફિંગ તેમજ ડ્રેનેડ સિસ્ટમની સફાઈ કરાવી દેવી જોઈએ. આમ ના કરવાથી પેદા થતો વાસ્તુ દોષ તમારી આર્થિક પરિસ્થિતિને ડામાડોળ કરી શકે છે.
મુખ્ય પ્રવેશ દ્વારની સામે જ જળભરાવો
વાસ્તુ અનુસાર, ઘરના મુખ્ય પ્રવેશ દ્વારની સામે પાણી જમા થાય, તો તેને શુભ સંકેત નથી માનવામાં આવતો. આથી વરસાદ શરૂ થાય, તે પહેલા જ મુખ્ય પ્રવેશદ્વારની આસપાસ ગંદું પાણી ભેગુ ના થાય અને તેનો નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવી જોઈએ. આમ કરવાથી ઘરનું પ્રવેશદ્વાર પણ સ્વચ્છ રહે છે અને ઘરમાં પણ સકારાત્મક વાતાવરણ બની રહે છે.
અગ્નિ ખૂણામાં જળ ભરાવો
દક્ષિણ-પૂર્વ દિશા અગ્નિ ખૂણાને વાસ્તુ શાસ્ત્રમાં અગ્નિ તત્વનું સ્થાન માનવામાં આવે છે. આથી આ ખૂણામાં વરસાદનું પાણી જમા થાય કે અહીંથી પાણીનો નિકાલ થાય, તો તેને શુભ નથી માનવામાં આવતું. ચોમાસા પહેલા આ દિશાને ધ્યાનમાં રાખીને એવી વ્યવસ્થા કરો કે અહીં વરસાદનું પાણી જમા ના થાય.
સૂર્ય પ્રકાશ અને તાજી હવા
વરસાદની સિઝનમાં વાતાવરણમાં ભેજ વધવાના કારણે ઘરની અંદર બફારાનો અહેસાસ થતો હોય છે. જો કે વાસ્તુમાં ઘરની અંદર તાજી હવા અને કુદરતી પ્રકાશ નિયમિત આવે તેને જરૂરી માનવામાં આવે છે. આથી સમયાંતરે ઘરની બારીઓ ખોલતા રહો, જેથી બહારની ખુલ્લી હવા ઘરમાં પ્રવેશી શકે. આ સાથે જ જાડા અને ડાર્ક રંગના પડદાની જગ્યાએ હલકા અને આછા રંગના પડદાનો ઉપયોગ કરો. જેથી ઘરમાં તાજગી જળવાઈ રહે અને બફારાની અસર ઓછી કરવામાં સહાયતા મળે.
