8th Pay Commission Implementation Update: 8મા પગાર પંચની કાગડોળે રાહ જોઈ રહેલા લાખો કેન્દ્રીય કર્મચારીઓ માટે નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. ઘણા સમયથી એવી અટકળો ચાલી રહી હતી કે નવું પગાર પંચ 1 જાન્યુઆરી, 2026 થી અમલમાં આવશે, પરંતુ સરકારે સંસદમાં આપેલી માહિતીએ કર્મચારીઓની આશાઓ પર પાણી ફેરવી દીધું છે.
સંસદમાં નાણા રાજ્યમંત્રીનો જવાબ
કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સંસદમાં 8મા પગાર પંચ સંબંધિત પ્રશ્નોના લેખિત જવાબ આપ્યા હતા. તેમણે સ્પષ્ટતા કરી હતી કે 8મું પગાર પંચ 1 જાન્યુઆરી, 2026 થી લાગુ થશે કે નહીં તે અંગે હાલ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. મંત્રીના આ નિવેદનથી દેશભરના લાખો સરકારી કર્મચારીઓને મોટો ઝટકો લાગ્યો છે, જેઓ સોશિયલ મીડિયા અને અન્ય અહેવાલોના આધારે 2026 માં પગાર વધારાની અપેક્ષા રાખી રહ્યા હતા.
નાણા રાજ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, પગાર પંચને પોતાનો અહેવાલ રજૂ કરવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. આ અહેવાલ આવ્યા બાદ જ સરકાર તેના અમલીકરણ અંગે કોઈ આખરી નિર્ણય લેશે. ત્યાં સુધી કોઈ ચોક્કસ તારીખની પુષ્ટિ કરવી શક્ય નથી.
કેટલા લોકોને થશે અસર?
સંસદમાં અપાયેલી માહિતી મુજબ, હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓની સંખ્યા 50.14 લાખ છે, જ્યારે પેન્શનરોની સંખ્યા 69 લાખ છે. 8મા પગાર પંચના અમલીકરણથી આ તમામ વર્ગને સીધો લાભ થવાનો છે. જોકે, સરકારનું કહેવું છે કે પંચની ભલામણોના અમલીકરણ અને તેના માટે જરૂરી ભંડોળ અંગેનો નિર્ણય યોગ્ય સમયે લેવામાં આવશે.
પગાર પંચની કામગીરી અને અપેક્ષાઓ
નોંધનીય છે કે, કેન્દ્ર સરકારે તાજેતરમાં જ 8મા પગાર પંચ માટે 'ટર્મ્સ ઓફ રેફરન્સ' (શરતો) ને મંજૂરી આપી હતી. હવે આ પંચ કર્મચારીઓના મૂળભૂત પગાર માળખા (Basic Pay Structure), પેન્શન, ભથ્થાં અને અન્ય લાભોની સમીક્ષા કરશે અને તેના આધારે ભલામણો તૈયાર કરશે. આ ઉપરાંત, પંચ 'ફિટમેન્ટ ફેક્ટર' માં પણ સુધારો સૂચવશે, જે કર્મચારીઓના પગાર વધારામાં મહત્વની ભૂમિકા ભજવશે.
