Gold Investment: જો રૂપિયા 25,000નું રોકાણ કરવું હોય તો Gen Z અને Millennials શું પસંદ કરશે? જવાબ છે સોનું. હકીકતમાં કન્ઝ્યુમર રિસર્ચ ફર્મ Smytten PulseAI દ્વારા કરવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી સર્વેક્ષણમાં 62 ટકા યુવાનોએ સોનાને સૌથી સુરક્ષિત રોકાણ તરીકે ઓળખાવ્યું છે જ્યારે મ્યુચ્યુઅલ ફંડ, શેરબજાર અને ક્રિપ્ટો ઘણા પાછળ રહી ગયા છે.
આ સર્વેમાં 18 થી 39 વર્ષની વયના 5000 લોકોના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. રિપોર્ટ દર્શાવે છે કે સોનામાં વિશ્વાસ મજબૂત રહ્યો છે. પરંતુ ખરીદી પ્રક્રિયા બદલાઈ રહી છે. યુવાનો હવે પરંપરાગત પારિવારીક નિર્ણયો પર આધાર રાખવાને બદલે પોતે ઓછી માત્રામાં સોનું ખરીદી રહ્યા છે.
5 ગ્રામથી ઓછું સોનું ખરીદવું
લગભગ 66.7% ઉત્તરદાતાએ જણાવ્યું હતું કે તેઓ હવે સોનામાં રોકાણના નિર્ણયો જાતે લે છે. 61.9% લોકોએ જણાવ્યું હતું કે તેમની તાજેતરની ખરીદી 5 ગ્રામથી ઓછી હતી. તેનો અર્થ એ છે કે સોનું હવે લગ્ન પૂરતું મર્યાદિત નથી પરંતુ પ્રથમ પગાર અને પ્રારંભિક કમાણી માટે એક લવચીક બચત સાધન બની ગયું છે.
61% લોકોએ સોનું પસંદ કર્યું
જો તમારે આજે રૂપિયા 25,000નું રોકાણ કરવું હોય તો 61.90% લોકો સોનું પસંદ કરશે. તેની સરખામણીમાં 16.6% લોકોએ મ્યુચ્યુઅલ ફંડ, 13% લોકોએ ફિક્સ્ડ ડિપોઝિટ, 6.6% લોકોએ શેરબજાર અને માત્ર 1.9% લોકોએ ક્રિપ્ટો પસંદ કર્યાં હતા. આર્થિક અનિશ્ચિતતાના સમયમાં 65.7% યુવાનો માનતા હતા કે સોનું સૌથી સલામત વિકલ્પ છે.
તમારા પહેલા પગારથી સોનામાં રોકાણ
ખરીદીની પેટર્નમાં પણ સ્પષ્ટપણે ફેરફાર જોવા મળ્યો છે. 27.5% લોકોએ 2 ગ્રામથી ઓછું સોનું ખરીદ્યું, જ્યારે 34.4% લોકોએ 2 થી 5 ગ્રામની વચ્ચે ખરીદ્યું. લગભગ 42% ઘરો હવે સામાન્ય અને ક્યારેક ક્યારેક ખરીદીને પ્રાથમિકતા આપે છે. નોંધપાત્ર રીતે 24.3% લોકોની પહેલી સોનાની ખરીદી તેમના પહેલા પગાર સાથે જોડાયેલી હતી જ્યારે 23.9% લોકોએ તેને રોકાણના નિર્ણય તરીકે ટાંક્યું હતું. તેનો અર્થ એ છે કે લગ્ન હવે એકમાત્ર એન્ટ્રી પોઇન્ટ નથી.
સ્થાનિક ઝવેરીઓ સૌથી વધુ વિશ્વસનીય
ખરીદી ચેનલમાં વિશ્વાસ સૌથી મોટું પરિબળ છે. 38.3% લોકો મોટા બ્રાન્ડેડ જ્વેલરી સ્ટોર્સ પસંદ કરે છે, 34.7% લોકો સ્થાનિક જ્વેલર્સ પર વિશ્વાસ કરે છે જ્યારે ઓનલાઈન પ્લેટફોર્મ ફક્ત 5.2% સુધી મર્યાદિત છે. શુદ્ધતા અને છુપાયેલા ચાર્જીસ અંગે ચિંતા રહે છે.
જોકે રસપ્રદ વાત એ છે કે 67% થી વધુ લોકોએ સોનું ખરીદ્યા પછી પસ્તાવો અનુભવ્યો હતો. મુખ્ય કારણો કિંમત, ફોર્મેટ વિશે મૂંઝવણ અને માહિતીનો અભાવ હતો.
અલબત 84% લોકો આગામી 12-24 મહિનામાં ફરીથી સોનું ખરીદવાની યોજના ધરાવે છે. સ્પષ્ટપણે પેટર્ન બદલાઈ રહી છે પરંતુ સોનામાં વિશ્વાસ ગોલ્ડ સ્ટાન્ડર્ડ રહે છે.
