Dabur Challenges FSSAI Order:કન્ઝ્યુમર ગુડ્સ સેક્ટરની અગ્રણી કંપની ડાબરે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)ના તે આદેશને પડકાર્યો છે કે જેમાં કંપનીના 100 ટકા શુદ્ધ, 100 ટકા કુદરતી, 100 ટકા શુદ્ધતાની ગેરન્ટી તથા 100 ટકા ઓર્ગેનિક જેવા દાવા ધરાવતા ફૂડ પ્રોડક્ટ્સના વેચાણ પર તાત્કાલિક અસરથી અટકાવવાના આદેશ આપવામાં આવ્યા હતા.
સીનિયર એડવોકેટ સંદીપ સેઠીએ મુખ્ય ન્યાયમૂર્તિ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને ન્યાયમૂર્તિ તેજસ કરિયાની ખંડપીઠ સમક્ષ આ અરજીને તાત્કાલિક સુનાવણી માટે ધ્યાનમાં લેવા રજૂ કરી હતી. ખંડપીઠે આ વિનંતીને સ્વીકારી છે અને કેસને તાત્કાલિક ધોરણે સુનાવણી કરવા સહમતિ દર્શાવી છે. આ કેસમાં સુનાવણી હવે શુક્રવારે હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.
આ પડકાર FSSAI ના તે પ્રતિબંધના આદેશથી સર્જયો છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે 100 ટકા જેવા સંપૂર્ણ દાવા કરનાર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ (એડવર્ટાઈઝીંગ એન્ડ ક્લેમ્સ) રેગ્યુલેશન્સ 2018નું ઉલ્લંઘન છે.
સોમવારે સાંજે, FSSAI એ ડાબર ઇન્ડિયા સામે મધ, સફરજન સીડર સરકો, કોકોનટ ઓઈલ, તલનું તેલ, ગાયનું ઘી, નારિયેળ પાણી, નારિયેળનું દૂધ અને અન્ય ઉત્પાદનો સહિત 100 ટકા દાવા ધરાવતા ખાદ્ય ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધનો આદેશ જારી કર્યો હતો. નિયમનકારે કંપનીને 15 દિવસની અંદર એક્શન ટેકન રિપોર્ટ (ATR) સબમિટ કરવા પણ કહ્યું હતું.
ડાબર ઈન્ડિયાને પણ 8 એપ્રિલના રોજ FSSAI તરફથી એક નોટિસ મળી હતી, જેમાં તેની પ્રોડક્ટ્સને ગેરમાર્ગે દોરનાર 100 ટકાના દાવાનો ઉલ્લેખ હતો. નિયમનકારીએ પોતાના નિવેદનમાં કહ્યું કે ફૂડ બિઝનેસ ઓપરેટર તરફથી કોઈ સંતોષજનક સુધારાત્મક કાર્યવાહી કરવામાં આવી ન હતી.
