એશિયાના સૌથી અમીર વ્યક્તિ બન્યા ગૌતમ અદાણી: શેરોમાં ઉછાળાને કારણે સંપત્તિમાં થયો અધધ વધારો; અંબાણી બીજા ક્રમે સરક્યા

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણીને પાછળ છોડીને ફરી એકવાર એશિયાના સૌથી ધનિક વ્યક્તિનો ખિતાબ પોતાના નામે કર્યો છે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Fri 17 Apr 2026 12:08 PM (IST)Updated: Fri 17 Apr 2026 12:08 PM (IST)
gautam-adani-becomes-asias-richest-again-surpasses-mukesh-ambani-bloomberg-billionaires-index-report-729590

Gautam Adani, Bloomberg Billionaires Index: ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી ભારે વધઘટ વચ્ચે એશિયાના સૌથી ધનિક વ્યક્તિઓના રેન્કિંગમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ (Bloomberg Billionaires Index) ના તાજેતરના આંકડા મુજબ, અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણીને પાછળ છોડીને ફરી એકવાર એશિયાના સૌથી ધનિક વ્યક્તિનો ખિતાબ પોતાના નામે કર્યો છે.

અદાણીની સંપત્તિમાં તોતિંગ ઉછાળો

ગુરુવારનું ટ્રેડિંગ સત્ર ગૌતમ અદાણી માટે ‘લોટરી’ સમાન સાબિત થયું હતું. જોકે સેન્સેક્સ 123 પોઈન્ટ ઘટીને બંધ રહ્યો હતો, પરંતુ અદાણી ગ્રુપના વિવિધ શેરોમાં જોવા મળેલી તેજીએ ગૌતમ અદાણીની નેટવર્થમાં જબરદસ્ત વધારો કર્યો હતો. માત્ર 24 કલાકમાં તેમની સંપત્તિમાં $3.56 બિલિયન (આશરે ₹33,000 કરોડ) નો વધારો નોંધાયો હતો. આ ઉછાળા સાથે તેમની કુલ સંપત્તિ હવે $92.6 બિલિયન (આશરે ₹8.97 લાખ કરોડ) પર પહોંચી ગઈ છે. ગૌતમ અદાણી હવે વિશ્વના 19મા સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે.

મુકેશ અંબાણી બીજા ક્રમે સરક્યા

બીજી તરફ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર લગભગ ફ્લેટ બંધ રહેતા મુકેશ અંબાણીની સંપત્તિમાં ખાસ ફેરફાર થયો નહોતો. મુકેશ અંબાણીની સંપત્તિ હાલમાં $90.8 બિલિયન (આશરે ₹8.43 લાખ કરોડ) છે. તેઓ વિશ્વના અમીરોની યાદીમાં 20મા ક્રમે છે. હાલમાં બંને દિગ્ગજો વચ્ચે માત્ર ₹54,000 કરોડનો તફાવત છે, જે શેરબજારની આગામી ચાલ મુજબ ગમે ત્યારે બદલાઈ શકે છે.

વર્ષ 2026 ની શરૂઆતથી જ બંને ઉદ્યોગપતિઓ માટે સંપત્તિનો ગ્રાફ અલગ દિશામાં રહ્યો છે. જ્યાં અદાણી ગ્રુપના શેરના શાનદાર પ્રદર્શનને કારણે ગૌતમ અદાણીની નેટવર્થમાં આ વર્ષે $8.1 બિલિયનનો વધારો થયો છે, ત્યાં બીજી તરફ રિલાયન્સના શેરમાં નબળાઈને કારણે મુકેશ અંબાણીની નેટવર્થમાં $16.9 બિલિયનનો મોટો ઘટાડો જોવા મળ્યો છે. આ વિરોધાભાસી વલણ જ રેન્કિંગમાં થયેલા ફેરફારનું મુખ્ય કારણ છે.

રસપ્રદ વાત એ છે કે, બ્લૂમબર્ગ ઇન્ડેક્સ અદાણીને ટોચ પર દર્શાવે છે, પરંતુ ફોર્બ્સ (Forbes) ની યાદીમાં હજુ પણ મુકેશ અંબાણી આગળ છે. મુકેશ અંબાણી $93.9 બિલિયન સાથે આગળ છે, જ્યારે ગૌતમ અદાણી $71.3 બિલિયન સાથે પાછળ છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, બ્લૂમબર્ગ દૈનિક ધોરણે રિયલ-ટાઇમ ડેટા અપડેટ કરે છે, જ્યારે ફોર્બ્સ સમયાંતરે આંકડા જાહેર કરે છે, જેના કારણે આ તફાવત જોવા મળે છે.