New Rules From 1st April, 2026: નાણાકીય વર્ષ 2025-26 પૂર્ણ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે. 31 માર્ચ, 2026ની સમયમર્યાદા નજીક આવી રહી છે ત્યારે કરદાતાઓ અને સામાન્ય જનતા માટે સાવધ થવાનો સમય છે. 1 એપ્રિલ, 2026થી શરૂ થતા નવા નાણાકીય વર્ષ સાથે PAN કાર્ડ, HRA ક્લેમ, ક્રેડિટ કાર્ડ અને પેટ્રોલના નિયમોમાં ધરખમ ફેરફાર થવા જઈ રહ્યા છે. જો તમે 31 માર્ચ સુધીમાં તમારા નાણાકીય કાર્યો પૂર્ણ નહીં કરો, તો તમારે દંડની સાથે કર મુક્તિ ગુમાવવાનો વારો આવી શકે છે.
PAN કાર્ડના નિયમોમાં ચુસ્તતા
નવા નિયમો મુજબ, 1 એપ્રિલથી નવું PAN કાર્ડ કઢાવવા માટે માત્ર આધાર કાર્ડ પૂરતું રહેશે નહીં. હવે અરજદારે વધારાના સહાયક દસ્તાવેજો સબમિટ કરવા ફરજિયાત બનશે. આ પગલાનો ઉદ્દેશ્ય PAN પ્રક્રિયાને વધુ સુરક્ષિત બનાવવાનો છે. આ ઉપરાંત, જો તમારું PAN-આધાર લિંકિંગ કે KYC બાકી હોય, તો 31 માર્ચ સુધીમાં તે પૂર્ણ કરવું અનિવાર્ય છે.
HRA ક્લેમ માટે નવા નિયમો
પગારદાર કર્મચારીઓ માટે ઘરભાડા ભથ્થા (HRA)ના નિયમો કડક કરાયા છે. જો તમારું વાર્ષિક ભાડું 1 લાખથી વધુ હોય, તો મકાનમાલિકનો PAN આપવાની સાથે તે તમારા પરિવારના સભ્ય છે કે નહીં તેની સ્પષ્ટતા નવા 'ફોર્મ 124' માં કરવી પડશે. બનાવટી HRA ક્લેમ્સ રોકવા માટે આ નિર્ણય લેવાયો છે.
ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન પર ઇન્કમ ટેક્સની નજર
1 એપ્રિલથી ક્રેડિટ કાર્ડ દ્વારા કરવામાં આવતા મોટા ટ્રાન્ઝેક્શન્સ સીધા આવકવેરા વિભાગની તપાસ હેઠળ આવશે. જો કોઈ વ્યક્તિ ડિજિટલ માધ્યમથી વર્ષે 10 લાખથી વધુ અથવા રોકડમાં 1 લાખથી વધુનું બિલ ચૂકવે છે, તો તેની જાણ વિભાગને કરવી ફરજિયાત રહેશે. જોકે, રાહતની વાત એ છે કે હવે કરદાતાઓ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને પણ ટેક્સ ભરી શકશે.
નવો ઇન્કમ ટેક્સ એક્ટ 2025
આગામી 1 એપ્રિલથી 1961ના જૂના કાયદાના સ્થાને 'ઇન્કમ ટેક્સ એક્ટ 2025' અમલમાં આવશે. આ નવો કાયદો કર પ્રણાલીને વધુ સરળ અને પારદર્શક બનાવશે તેવી અપેક્ષા છે.
પેટ્રોલમાં 20% ઇથેનોલનું મિશ્રણ
પર્યાવરણ સુરક્ષા અને ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા માટે હવે દેશભરમાં પેટ્રોલમાં 20% ઇથેનોલ ભેળવવું ફરજિયાત બનશે. આ સાથે પેટ્રોલના ગુણવત્તાના ધોરણોમાં પણ ફેરફાર કરવામાં આવશે.
31 માર્ચ પહેલા પૂર્ણ કરો આ 5 મહત્વના કાર્યો
PPF અને સુકન્યા સમૃદ્ધિ યોજના: ખાતું સક્રિય રાખવા માટે PPFમાં લઘુત્તમ 500 અને સુકન્યા સમૃદ્ધિમાં 250 જમા કરાવવા જરૂરી છે.
NPS યોગદાન: કલમ 80CCD (1B) હેઠળ વધારાની 50,000 ની કર મુક્તિ મેળવવા અને ખાતું સક્રિય રાખવા માટે ઓછામાં ઓછા 1,000 જમા કરાવો.
ટેક્સ સેવિંગ ઇન્વેસ્ટમેન્ટ: જૂની ટેક્સ વ્યવસ્થામાં રહેલા લોકો માટે કલમ 80C હેઠળ 1.5 લાખ સુધીના રોકાણ (LIC, ELSS, FD વગેરે) માટે આ છેલ્લી તક છે.
હેલ્થ ઇન્શ્યોરન્સ: કલમ 80D હેઠળ પ્રીમિયમ ભરીને કર બચતનો લાભ લો.
હોમ લોન પેમેન્ટ: હોમ લોનના પ્રિન્સિપલ એમાઉન્ટ પર ટેક્સ બેનિફિટ લેવા માટે બાકી રહેલા હપ્તા કે પ્રી-પેમેન્ટ 31 માર્ચ પહેલા પૂર્ણ કરી લો.
