Commonwealth Games 2026: ગ્લાસગો 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ અવિસ્મરણીય પ્રદર્શન કરીને દેશનું નામ વૈશ્વિક સ્તરે રોશન કર્યું છે. ભારતે આ સ્પર્ધામાં શાનદાર રમતનું પ્રદર્શન કરતા 13 ગોલ્ડ મેડલ સહિત કુલ 39 મેડલ પોતાના નામે કર્યા છે. આ શાનદાર દેખાવ સાથે ભારતે મેડલ ટેલીમાં ગૌરવપૂર્ણ ચોથું સ્થાન હાંસલ કર્યું છે, જે ભારતીય રમતગમત ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ગણાય છે.
મહિલા ખેલાડીઓ અને બોક્સરોનો દબદબો
આ વખતના કોમનવેલ્થ ગેમ્સમાં ભારતની મહિલા ખેલાડીઓએ મેદાન માર્યું છે. ભારતે જીતેલા કુલ ગોલ્ડ મેડલમાંથી મોટાભાગના મેડલ મહિલા ખેલાડીઓએ અંકે કર્યા છે, જે સાબિત કરે છે કે વિશ્વના સૌથી મોટા મંચ પર ભારતીય મહિલાઓ જીત હાંસલ કરવા માટે સક્ષમ છે. આ ઉપરાંત, ભારતીય બોક્સરોએ પણ રેકોર્ડબ્રેક મેડલ જીતીને નવો ઇતિહાસ રચ્યો છે. પેરા-એથ્લીટ્સે પણ અત્યાર સુધીનું તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને દરેક ભારતીયને પોતાની હિંમત અને અતૂટ વિશ્વાસથી પ્રેરિત કર્યા છે.
નીતા અંબાણીએ ટીમ ઇન્ડિયાને પાઠવ્યા અભિનંદન
રિલાયન્સ ફાઉન્ડેશનના ફાઉન્ડર-ચેરપર્સન શ્રીમતી નીતા એમ. અંબાણીએ ટીમ ઈન્ડિયાને આ ઐતિહાસિક સફળતા બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, "દરેક મેડલ પાછળ અસાધારણ સમર્પણભાવ, ત્યાગ, બલિદાન અને રાષ્ટ્રનું ગૌરવ વધારવાની અદમ્ય ભાવનાનું ઝનૂન રહેલું છે." તેમણે સવિશેષ આનંદ વ્યક્ત કર્યો હતો કે રિલાયન્સ ફાઉન્ડેશનના એથ્લીટ્સ લવલીના બોર્ગોહેન, મુરલી શ્રીશંકર અને તેજસ્વિન શંકરે નોંધપાત્ર પ્રદર્શન કરીને દેશને ગૌરવ અપાવ્યું છે. રિલાયન્સ ફાઉન્ડેશન પાયાના સ્તરથી રમતગમતની પ્રતિભાઓને માવજત કરવામાં માને છે જેથી દરેક ખેલાડી તેમની ક્ષમતા મુજબ પ્રદર્શન કરી શકે.
2030 માં યજમાની તરફ ભારતની નજર
ગ્લાસગોમાં ભારતીય ખેલાડીઓની આ સફળતાએ નવી પેઢીના સપનાંઓને પ્રજ્વલિત કર્યા છે. ભારત હવે વર્ષ 2030 માં ઐતિહાસિક શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા માટે થનગની રહ્યું છે. આ ચેમ્પિયનોની સિદ્ધિઓ યાદ અપાવે છે કે ભારતની રમતગમત સફરની આ તો માત્ર શરૂઆત છે અને શ્રેષ્ઠ પ્રદર્શન હજુ બાકી છે. આ સફળતા દરેક યુવા ભારતીયને નિર્ભયતાથી સપના જોવાની અને તેને સાકાર કરવા માટે અથાગ મહેનત કરવાની પ્રેરણા પૂરી પાડશે.
