Gold Price Rise: ભારતીય સંસ્કૃતિમાં સોનાને માત્ર ઘરેણું જ નહીં, પણ મુશ્કેલીના સમયનો સાચો સાથી માનવામાં આવે છે. આપણા પૂર્વજોની સોનામાં રોકાણ કરવાની પરંપરા આજે પણ એટલી જ પ્રાસંગિક છે. વર્તમાન આંકડાઓ સાબિત કરે છે કે સોનું એક એવું રોકાણ છે જેનું મૂલ્ય ચલણની સરખામણીએ ક્યારેય ઘટતું નથી, પણ સમય જતાં અનેકગણું વધે છે. આજે આપણે એ ગણતરી સમજીશું કે જો 10 વર્ષ પહેલાં કોઈએ 20 ગ્રામ સોનામાં રોકાણ કર્યું હોત, તો આજે તે વ્યક્તિ કેટલી માલદાર હોત.
10 વર્ષમાં ભાવમાં પાંચ ગણો ઉછાળો: MCX ના આંકડા
કેડિયા એડવાઇઝરી અને MCX ના ડેટા મુજબ, એપ્રિલ 2016માં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ માત્ર ₹30,266 હતો. જો આપણે આજની (એપ્રિલ ૨૦૨૬) સ્થિતિ જોઈએ તો, સોનાનો ભાવ ₹1.51 લાખ પ્રતિ 10 ગ્રામને વટાવી ગયો છે.
જો કોઈ રોકાણકારે 10 વર્ષ પહેલાં 20 ગ્રામ સોનાનું બિસ્કિટ ખરીદ્યું હોત, તો તેની ગણતરી કંઈક આ પ્રકારે હોત:
- 2016 માં 20 ગ્રામની કિંમત: આશરે ₹60,532
- 2026 માં 20 ગ્રામની કિંમત: આશરે ₹3,02,000
- કુલ નફો: અંદાજે ₹2.41 લાખ
આનો અર્થ એ થયો કે રોકાણકારે પ્રતિ 10 ગ્રામ ₹1,20,734 નો ચોખ્ખો નફો મેળવ્યો છે.
દાગીના (22 કેરેટ) ના ભાવમાં પણ જંગી વધારો
સામાન્ય રીતે આપણે દાગીના બનાવવા માટે 22 કેરેટ સોનાનો ઉપયોગ કરીએ છીએ. 2016 માં 22 કેરેટ સોનાનો ભાવ આશરે ₹27,743 પ્રતિ 10 ગ્રામ હતો, જે આજે વધીને ₹1,38,416 સુધી પહોંચી ગયો છે. આમ, દાગીનાના સોનામાં પણ પ્રતિ 10 ગ્રામ ₹1,10,673 નો તોતિંગ વધારો જોવા મળ્યો છે.
ટૂંકા ગાળામાં પણ સોનાની તેજી
માત્ર 10 વર્ષ જ નહીં, પણ જો તમે 5 વર્ષ પહેલાં એટલે કે 2021 માં પણ સોનું ખરીદ્યું હોત, તો તે સમયે 24 કેરેટ સોનાનો ભાવ આશરે ₹51,754 હતો. જે આજના ભાવ કરતાં અડધાથી પણ ઓછો છે. આ સાબિત કરે છે કે સોનું લાંબા ગાળે સુરક્ષિત અને ઉચ્ચ વળતર આપતું સાધન છે.
