Income Tax ITR Forms 2026-27 Announced: નાણાકીય વર્ષ 2025-26 (આકારણી વર્ષ 2026-27) માટે આવકવેરા વિભાગે નવા ઇન્કમટેક્સ રિટર્ન (ITR) ફોર્મ જાહેર કરીને ટેક્સ ફાઈલિંગ સીઝનનો વિધિવત પ્રારંભ કર્યો છે. આ વખતે વિભાગે કરદાતાઓની સુવિધા માટે ફોર્મમાં ક્રાંતિકારી ફેરફારો કર્યા છે, જેમાં સૌથી વધુ રાહત મધ્યમ વર્ગના રોકાણકારોને મળી છે. હવે શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડમાંથી થતા મર્યાદિત નફા માટે જટિલ ફોર્મ ભરવાની જરૂર રહેશે નહીં.
ITR-1 (સહજ) માં મોટો સુધારો: રોકાણકારોને મોટી રાહત
અત્યાર સુધીના નિયમ મુજબ, જો કોઈ કરદાતાને શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડમાંથી લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન (LTCG) થતો હોય, તો ભલે તે રકમ ગમે તેટલી નાની હોય, તેમણે ફરજિયાતપણે ITR-2 ફોર્મ ભરવું પડતું હતું. ITR-2 ફોર્મ ઘણું લાંબુ અને જટિલ હોય છે. પરંતુ, નવા ફેરફાર મુજબ હવે જો તમારો LTCG નફો ₹1.25 લાખ સુધીનો હોય, તો તમે તેની વિગતો સીધી ITR-1 (સહજ) માં જ દર્શાવી શકશો. આનાથી લાખો નાના રોકાણકારોને સીએ (CA) ના ચક્કરમાંથી મુક્તિ મળશે અને તેઓ જાતે જ સરળતાથી રિટર્ન ફાઈલ કરી શકશે.
ડેટા ચોકસાઈ માટે બે મોબાઈલ નંબર અને ઇમેલની સુવિધા
કરદાતા અને વિભાગ વચ્ચેના સંવાદને વધુ મજબૂત બનાવવા માટે, નવા ફોર્મમાં હવે બે મોબાઈલ નંબર અને બે ઇમેલ આઈડી આપવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. ઘણીવાર ટેક્સપેયર્સનો જૂનો નંબર બંધ થઈ જવાને કારણે મહત્વની નોટિસ કે ઓટીપી (OTP) મળી શકતા નહોતા. હવે પ્રાઈમરી અને સેકન્ડરી સંપર્ક વિગતો આપવાથી ડેટા વેરિફિકેશન વધુ સુરક્ષિત અને પારદર્શક બનશે.
રાજકીય દાન અને વિદેશી આવક પર કડક નિયમો
રાજકીય પક્ષોને દાન (સેક્શન 80GGC): જો તમે કોઈ રાજકીય પક્ષને દાન આપ્યું હોય અને તેના પર ટેક્સમાં છૂટ મેળવવા માંગતા હોવ, તો હવે માત્ર રસીદ પૂરતી નથી. નવા ફોર્મમાં જે-તે રાજકીય પક્ષનું નામ અને તેમનો PAN (પરમેનન્ટ એકાઉન્ટ નંબર) આપવો ફરજિયાત રહેશે. આ સુધારો નકલી દાન દ્વારા ટેક્સ ચોરી રોકવા માટે કરવામાં આવ્યો છે.
વિદેશી રિટાયરમેન્ટ એકાઉન્ટ: જે કરદાતાઓ વિદેશમાં નોકરી કરીને ભારત પરત ફર્યા છે અને ત્યાંના રિટાયરમેન્ટ ફંડમાંથી આવક મેળવે છે, તેમણે હવે ફરજિયાત ITR-2 અથવા ITR-3 ફોર્મ ભરવું પડશે.
મહત્વની તારીખો અને નિષ્ણાતોનો મત
સીએ આશિષ ખંધારના જણાવ્યા મુજબ, નવા ફોર્મમાં કરાયેલા ફેરફારો ડિજિટલ ઇન્ડિયા અને પારદર્શિતા તરફનું એક મહત્વનું ડગલું છે. LTCG ની વિગતો ITR-1 માં આપવાની છૂટ આપવી એ ટેક્સપેયર્સ માટે વર્ષનો સૌથી મોટો ન્યૂઝ છે.
નોંધનીય છે કે, ઇન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2026 નક્કી કરવામાં આવી છે. કરદાતાઓને છેલ્લી ઘડીની ભીડથી બચવા વહેલા રિટર્ન ફાઈલ કરવા સલાહ અપાઈ છે.
