RBI New Rules 2026: ડિજિટલ પેમેન્ટના વધતા વ્યાપની સાથે ઓનલાઈન છેતરપિંડીના કેસોમાં પણ ચિંતાજનક વધારો થયો છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ગ્રાહકોની સુરક્ષા માટે કેટલાક ક્રાંતિકારી ફેરફારોનો પ્રસ્તાવ મૂક્યો છે. RBI હવે ડિજિટલ ટ્રાન્ઝેક્શનને વધુ સુરક્ષિત બનાવવા માટે 'કિલ સ્વિચ' અને 'ડીલે ક્રેડિટ સિસ્ટમ' જેવા નવા ફીચર્સ લાવવાની તૈયારી કરી રહ્યું છે.
શું છે આ 'કિલ સ્વિચ'?
RBIના સૌથી મોટા પ્રસ્તાવોમાંનો એક 'કિલ સ્વિચ' છે. આ તમારા મોબાઈલમાં એક એવું બટન હશે જે દબાવતાની સાથે જ તમારા બેંક ખાતા સાથે જોડાયેલા તમામ ડિજિટલ પેમેન્ટ મોડ્સ (જેમ કે UPI, નેટ બેંકિંગ, કાર્ડ) તરત જ બંધ થઈ જશે. જો તમને ક્યારેય એવું લાગે કે તમારો ફોન હેક થઈ ગયો છે અથવા તમે કોઈ છેતરપિંડીનો શિકાર બની રહ્યા છો, તો તમે એક જ ઝાટકે તમારી બધી ડિજિટલ સેવાઓને ફ્રીઝ કરી શકશો. એકવાર આ સ્વિચ ઓન થયા પછી, સેવાઓ ફરી શરૂ કરવા માટે તમારે કડક સુરક્ષા પ્રક્રિયામાંથી પસાર થવું પડશે અથવા બેંકની શાખામાં જવું પડશે.
10,000 રૂપિયાથી વધુના પેમેન્ટમાં 'ટાઇમ ગેપ'
ઠગાઈ રોકવા માટે RBIએ 'લેગ્ડ ક્રેડિટ' એટલે કે પેમેન્ટમાં વિલંબનો સુઝાવ આપ્યો છે. આ નિયમ હેઠળ, જો તમે 10,000 રૂપિયાથી વધુનું પેમેન્ટ કરો છો, તો તે તરત જ સામેની વ્યક્તિના ખાતામાં જમા થશે નહીં. ટ્રાન્ઝેક્શન શરૂ કર્યા પછી 1 કલાકનો 'હોલ્ડ પીરિયડ' હોઈ શકે છે. આ એક કલાક દરમિયાન તમારા ખાતામાંથી પૈસા તો કપાશે, પરંતુ તે બીજાના ખાતામાં પહોંચે તે પહેલા તમારી પાસે તે પેમેન્ટ રદ કરવાનો વિકલ્પ રહેશે. આંકડા દર્શાવે છે કે 10,000 રૂપિયાથી મોટા વ્યવહારો કુલ છેતરપિંડીની કિંમતના લગભગ 98.5% હિસ્સો ધરાવે છે.
વૃદ્ધો અને દિવ્યાંગો માટે વિશેષ સુરક્ષા
RBI એ 70 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગો માટે 'ટ્રસ્ટેડ પર્સન' (ભરોસાપાત્ર વ્યક્તિ) નો કોન્સેપ્ટ રજૂ કર્યો છે. મોટા વ્યવહારો (50,000 રૂપિયાથી વધુ) ના સમયે આ ગ્રાહકો તેમની પસંદગીની કોઈ ભરોસાપાત્ર વ્યક્તિ દ્વારા વ્યવહારને ઓથેન્ટિકેટ અથવા ચકાસણી કરાવી શકશે. આનાથી વૃદ્ધોને નિશાન બનાવતા ઠગો પર લગામ લાગશે. જોકે, ગ્રાહકો પાસે આ સુવિધામાંથી બહાર નીકળવાનો વિકલ્પ પણ રહેશે.
નવા નિયમોની જરૂરિયાત કેમ પડી?
નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCRP) ના આંકડા મુજબ, ભારતમાં ડિજિટલ ફ્રોડના કેસ ચોંકાવનારા છે. વર્ષ 2021 થી 2025 ની વચ્ચે છેતરપિંડીના કેસ 10 ગણા વધીને 28 લાખ સુધી પહોંચી ગયા છે. માત્ર વર્ષ 2025 માં જ લોકોએ ઓનલાઈન છેતરપિંડીમાં આશરે 22,931 કરોડ રૂપિયા ગુમાવ્યા છે. સાયબર ઠગો હવે ફેક કોલ સેન્ટર અને ડીપફેક જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે.
RBI એ આ નવા પ્રસ્તાવો પર સામાન્ય જનતા પાસેથી 8 મે 2026 સુધી સૂચનો માંગ્યા છે, ત્યારબાદ આ નિયમોના અમલીકરણ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. આ નવા પગલાંથી સામાન્ય ગ્રાહકોને તેમના પૈસા પર વધુ બહેતર નિયંત્રણ મળશે અને સાયબર અપરાધીઓ સામે રક્ષણ મળશે.
