NSE IPO News: નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE IPO)ના બોર્ડે IPO રજૂ કરવાની મંદૂરી આપી દીધી છે. 6 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી બોર્ડ મીટિંગમાં આ અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મંજૂરી બાદ NSEને શેરબજારમાં આવવાનો માર્ગ મોકળો થઈ ગયો છે.
કંપની હવે પ્રારંભિક જાહેર ભરણા(IPO) સાથે સંકળાયેલ મહત્વની બાબતો અંગે ચર્ચા કરશે. આજે કંપનીએ તેના ત્રિમાસિક પરિણામો પણ જાહેર કર્યાં હતા. વાર્ષિક ધોરણે નફામાં 37 ટકાનો ઘટાડો થયો છે.
કંપનીના બોર્ડે હાલના શેરધારકો દ્વારા વેચાણ માટે ઓફર દ્વારા કંપનીના પ્રારંભિક જાહેર ઓફરને મંજૂરી આપી છે. ગયા શુક્રવારે સેબીએ NSEને IPO લોન્ચ કરવા માટે નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ(NOC)આપ્યું હતું.
આ પણ વાંચો
દેશનો સૌથી મોટો IPO હોઈ શકે છે
સૂચિત NSE IPO ભારતના મૂડી બજારોમાં સૌથી મોટા IPO પૈકી એક હોવાની અપેક્ષા છે. વિશ્લેષકોનો અંદાજ છે કે NSE કે જેમાં આશરે 1.77 લાખ શેરધારકો છે તેનું મૂલ્ય ગ્રે માર્કેટમાં રૂપિયા 5 લાખ કરોડથી વધુ છે.
દેશના સૌથી મોટા સ્ટોક એક્સચેન્જ NSEના લિસ્ટિંગ યોજના વર્ષ 2016 થી હોલ્ડ પર હતી જ્યારે એક્સચેન્જે સૌપ્રથમ વર્તમાન શેરધારકો દ્વારા ઓફર ફોર સેલ દ્વારા લગભગ રૂપિયા 10,000 કરોડ એકત્ર કરવા માટે ડ્રાફ્ટ ઓફર દસ્તાવેજો ફાઇલ કર્યા હતા.
જોકે કો-લોકેશન મુદ્દાથી ઉદ્ભવતા ગવર્નન્સ સંબંધિત ખામીઓ અને નિયમનકારી ચિંતાને કારણે SEBIએ મંજૂરી અટકાવી દીધી હતી. ત્યારથી NSE એ મંજૂરી માટે ઘણી વખત નિયમનકારનો સંપર્ક કર્યો છે.
ગયા મહિને SEBIના ચેરમેન તુહિન કાંતા પાંડેએ જણાવ્યું હતું કે નિયમનકારે અયોગ્ય બજાર ઍક્સેસ કેસમાં NSEની સેટલમેન્ટ એપ્લીકેશનને 'સૈદ્ધાંતિક' મંજૂરી આપી દીધી છે.
માર્ચ 2025માં SEBIએ NSEના લિસ્ટિંગ પ્રસ્તાવની તપાસ કરવા માટે એક આંતરિક સમિતિની રચના કરી.
