NSE New Rules:નેશનલ સ્ટોક એક્સચેન્જ દ્વારા પોતાના પ્લેટફોર્મ પર એલ્ગોરિધમિક ટ્રેડિંગ એટલે કે અલ્ગો ટ્રેડિંગને લગતા નિયમોને વધારે કડક બનાવી દીધા છે. નાના રોકાણકારોની અલ્ગોરિધમિક ટ્રેડિંગને લગતા કમ્પ્લાયન્સનું હવે વધુ કડકપણે પાલન કરવામાં આવશે. NSE દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે સ્ટેટિક IP મારફતે અલ્ગો ટ્રેડિંગને લગતી ફેસિલિટી ફક્ત એવા રોકાણકારોને જ આપવામાં આવશે કે જેઓ પ્રોગ્રામિંગને લગતી માહિતી ધરાવે છે અને પોતાના ટ્રેડિંગને લગતા અલ્ગોરિધમ જાતે જ તૈયાર કરે છે. એટલે કે થર્ડ-પાર્ટી દ્વારા તૈયાર કરવામાં આવેલા અલ્ગોરિધમનો ઉપયોગ કરવા માટે નેશનલ સ્ટોક એક્સચેન્જ કોઈ જ સવલત પૂરી પાડશે નહીં.
20મી નવેમ્બરના રોજ પરિપત્ર ઈશ્યુ કરાયેલો
આ અંગે નેશનલ સ્ટોક એક્સચેન્જ દ્વારા 20મી નવેમ્બરના રોજ એક પરિપત્ર પણ ઈશ્યુ કરવામાં આવ્યો હતો અને તેમાં ટ્રેડિંગ મેમ્બર્સ તથા અલ્ગો સર્વિસ પૂરી પાડનારને સ્પષ્ટપણે આદેશ આપ્યા હતા કે તેઓ ટેક સેવી રિટેલ ઈન્વેસ્ટરની કેટેગરીમાં ન આવતા હોય તેવા ક્લાઈન્ટ્સને કોઈ પણ પ્રકારના સંજોગોમાં સ્ટેટિક IP એક્સેસ આપવામાં ન આવે, આ આદેશને તાત્કાલિક ધોરણે લાગુ કરવામાં આવ્યો છે.
SEBIના નિયમોનું પાલન કરવામાં આવ્યું
અત્રે ઉલ્લેખનીય છે કે સિક્યુરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા(SEBI) દ્વારા વર્ષ 2025માં ઈશ્યુ કરેલા નિયમો તેમ જ તે જ વર્ષે જુલાઈમાં એક્સચેન્જોને આપવામાં આવેલા દિશા-સૂચનને પગલા NSE દ્વારા આ અત્યંત મહત્વના પગલાં ભરવામાં આવ્યા છે. હવે આ નિયમ હેઠળ એવા રિટેલ ઈન્વેસ્ટર બ્રોકરના APIનો ઉપયોગ કરી શકશે કે જેઓ પોતાના ટ્રેડિંગ સ્ટ્રેટેજી કોડ જાતે જ તૈયાર કરે છે.
દંડની જોગવાઈ કરવામાં આવી
આ સાથે એક્સચેન્જે નિયમોનું ઉલ્લંઘન કરનાર બ્રોકરને દરેક કસ્ટમર દીઠ રૂપિયા પાંચ હજાર દંડની પણ જોગવાઈ કરી છે. પ્રથમ વખત નિયમનું ઉલ્લંઘન થવાના સંજોગોમાં દંડની રકમ મહત્તમ રૂપિયા એક લાખ જેટલું કરવામાં આવેલ છે.
