ITR Filing 2026: નાણાકીય વર્ષ 2025-2026 એટલે કે એસેસમેન્ટ યર 2026-2027 (Assessment Year 2026-2027) માટે ઈનકમ ટેક્સ રિટર્ન (ITR) ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આવક વેરા વિભાગે ITR-1 (સહજ) તથા ITR-4 (સુગમ) ફોર્મની ઓનલાઈન યુટીલિટી જાહેર કરી લીધી છે.
આ સંજોગોમાં હવે કયાં દસ્તાવેજોની જરૂર પડી શકે છે તે માહિતી જાણવી પણ ખૂબ જ જરૂરી છે. જેથી રિટર્ન ફાઈલિંગ સમયે કોઈ ભૂલ ન થાય અને બિનજરૂરી નોટિસ અથવા રિફંડમાં વિલંબ જેવી સમસ્યાનો સામનો કરવો ન પડે.
ITR ફાઈલિંગ માટે જરૂરી દસ્તાવેજની માહિતી
પાન કાર્ડ (PAN Card) અને આધાર (Adhaar Card): ITR દાખલ કરવા માટે પાન કાર્ડ અને આધાર કાર્ડ એ સૌથી મહત્વના દસ્તાવેજ છે. અલબત આ બન્ને એક-બીજા સાથે લિંક થયેલા હોવા પણ એટલા જ જરૂરી છે. જો આ દસ્તાવેજ લિંક નહીં હોય તો રિટર્ન પ્રોસેસિંગમાં મુશ્કેલી સર્જાઈ શકે છે.
ફોર્મ 16 (Form 16) અને સેલરી સ્લીપઃ પગારદાર કર્મચારીઓ માટે ફોર્મ 16 સૌથી મહત્વનો દસ્તાવેજ છે. તેમાં તમારા પગાર, TDS અને ટેક્સમાં કપાત સંબંધિત તમામ માહિતી આપવામાં આવી હોય છે. આ સાથે જ પગારની સ્લીપ પણ કાળજીપૂર્વક સાથે રાખો.
બેંક સ્ટેટમેન્ટ અને વ્યાજ પ્રમાણપત્રઃ બેંક ખાતાનું સ્ટેટમેન્ટ ખૂબ જ જરૂરી હોય છે, વિશેષ કરીને બચત ખાતા (Saving Account) તથા ફિક્સ્ડ ડિપોઝીટ (Fixed Deposits) પર મળતા વ્યાજની માહિતી માટે આ જરૂરી છે. પોસ્ટ ઓફિસ અથવા અન્ય નાણાકીય સંસ્થા પાસેથી કોઈ વ્યાજ સંબંધિત પ્રમાણપત્ર મળેલ હોય તો તે સાથે રાખવું જરૂરી છે.
ટેક્સ સેવિંગ ઈન્વેસ્ટમેન્ટને લગતા ડોક્યુમેન્ટઃ જો તમે ટેક્સની બચત કરવા ઈચ્છતા હોય તો તેને લગતા પૂરાવા જરૂરી છે. તેમાં ELSS મ્યુચ્યુઅલ ફંડ, PPF પાસબુક, જીવન વિમા પ્રીમિયમની રસીદ, ટેક્સ સેવિંગ FD, NPSમાં યોગદાનની રસીદનો સમાવેશ થાય છે.
અન્ય ટેક્સ છૂટ સંબંધિત ડોક્યુમેન્ટ્સઃ સેક્શન 80 D માટે હેલ્થ ઈન્શ્યોરન્સ પ્રીમિયમની રસીદ તથા સેક્શન 80G માટે દાનન રસીદ સાથે રાખી લો. આ ઉપરાંત બાળકોની ટ્યુશન ફીની રસીદ હોય તો તે જરૂરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ફક્ત રોકાણ કરવું તે પર્યાપ્ત નથી. ચુકવણી તથા રોકાણનું પ્રમાણ પણ સુરક્ષિત રીતે રાખવું જરૂરી છે.
Form 26AS અને AIS શા માટે જરૂરી છે
ફોર્મ 26AS તમારી ટેક્સ પાસબુકની માફક કામ કરે છે. તેમાં TDS કપાત, એડવાન્સ ટેક્સ અને ટેક્સ રિફંડની માહિતી આપવામાં આવેલી હોય છે. જ્યારે AISમાં તમારા મોટા આર્થિક વ્યવહારનો સંપૂર્ણ રેકોર્ડ હોય છે. જેમ કે શેરબજારમાં રોકાણ, મ્યુચ્યુઅલ ફંડને લગતા વ્યવહાર, બેંકમાં જમા, વિદેશી આર્થિક વ્યવહારો હોય છે.
ITR દાખલ કરવાની અંતિમ તારીખ ક્યારે છે
મોટાભાગના વ્યક્તિગત કરદાતા માટે ITR દાખલ કરવાન અંતિમ તારીખ 31 જુલાઈ 2026 છે. અત્યારે સરકાર તરફથી તારીખને લંબાવવાની કોઈ જાહેરાત કરવામાં આવી નથી. જો નિયત સમય સીમા બાદ રિટર્ન ફાઈલ કરવામાં આવે છે તો લેટ ફી લગાવી શકાય છે, વ્યાજ ચુકવવું પડે છે અને રિફંડમાં વિલંબ થઈ શકે છે.
