RBI Plastic Money: ભારતીય રિઝર્વ બેંક (RBI) ટૂંક સમયમાં દેશના કરન્સી સર્ક્યુલેશનમાં એક મોટો અને મહત્વપૂર્ણ ફેરફાર કરવા જઈ રહી છે. બેંકિંગ ક્ષેત્રમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન પ્રોત્સાહિત કરવાની સાથે આરબીઆઈ હવે પોલીમર એટલે કે પ્લાસ્ટિક નોટોનું (Polymer/Plastic Notes) ટ્રાયલ શરૂ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
પરંતુ, આ નવી પ્લાસ્ટિક મનીની એન્ટ્રી સાથે જ લોકોના મનમાં સૌથી મોટો સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે બજારમાં અત્યારે ફરતી અબજો રૂપિયાની જૂની કાગળની નોટોનું શું થશે? શું તેને સળગાવી દેવામાં આવશે કે ફેંકી દેવાશે?
જૂની નોટોનું શું કરે છે RBI?
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પોતાની 'ક્લીન નોટ પોલિસી' (Clean Note Policy) હેઠળ જૂની, ફાટેલી કે મેલી થઈ ગયેલી નોટોને નષ્ટ કરે છે.
અગાઉના સમયમાં જૂની નોટોને સળગાવી દેવામાં આવતી હતી. પરંતુ તેનાથી પર્યાવરણને ભારે નુકસાન થતું હોવાથી અને મોટું પ્રદૂષણ ફેલાતું હોવાથી આરબીઆઈએ આ પદ્ધતિ પર સંપૂર્ણપણે રોક લગાવી દીધી છે. ત્યારે હવે જૂની કાગળની નોટોને અત્યંત સુરક્ષિત અને પર્યાવરણને નુકસાન ન પહોંચે તે રીતે રીસાઇકલ (Recycle) અથવા નષ્ટ કરવામાં આવે છે, જેથી તેનો ફરીથી કોઈ ગેરઉપયોગ ન થઈ શકે.
નોટોનો નિકાલ કેવી રીતે થાય છે?
જે ક્ષણે લોકો પોતાની ફાટેલી, ગંદી કે જૂની નોટો બેંકોમાં જમા કરાવે છે, ત્યાંથી આ કરન્સી બેંક મારફતે આરબીઆઈના 'કરન્સી ચેસ્ટ' (Currency Chest)માં મોકલવામાં આવે છે.
કરન્સી ચેસ્ટમાં પહોંચ્યા બાદ આ નોટોને CVPS (Currency Verification and Processing System) મશીનમાંથી પસાર કરવામાં આવે છે.આ એક અત્યાધુનિક ઓટોમેટેડ મશીન છે, જે પ્રતિ સેકન્ડે લગભગ 50 થી 60 નોટોની તપાસ કરે છે.
આ મશીન નોટના કાગળની ક્વોલિટી, વોટરમાર્ક, સિક્યુરિટી થ્રેડ અને અન્ય સુરક્ષા ફીચર્સ ચકાસે છે. જો કોઈ નોટ નકલી જણાય તો તેને અલગ કરી દેવાય છે. જ્યારે ચલણમાંથી બહાર ફેંકી દેવા જેવી (બિલકુલ ખરાબ) નોટોને સેગ્રીગેટ (અલગ) કરવામાં આવે છે.
નોટોને નષ્ટ કરવાની 'માઇક્રો શેડિંગ' પદ્ધતિ
ચકાસણી બાદ જે નોટો ઉપયોગ કરવા યોગ્ય નથી રહેતી, તેને ખાસ ટેકનોલોજી દ્વારા નષ્ટ કરવામાં આવે છે:
માઇક્રો શેડિંગ
ખરાબ થયેલી નોટોને 'માઇક્રો શેડિંગ મશીન'માં નાખવામાં આવે છે. આ મશીન કાગળની નોટોના એટલા બારીક અને નાના ટુકડા કરી દે છે કે તેને ફરીથી જોડીને નોટ બનાવવાની કોઈ શક્યતા જ રહેતી નથી.
બ્રિકેટ્સ (Briquettes) બનાવવું
કાગળના આ નાના-નાના ટુકડાઓને ભારે દબાણ (Pressure) આપીને નાના-નાના બ્લોક્સ અથવા 'બ્રિકેટ્સ' (ઇંટો જેવા ટુકડા) માં ફેરવવામાં આવે છે.
અન્ય ઉપયોગ
આ તૈયાર થયેલા કાગળના બ્રિકેટ્સનો ઉપયોગ કેલેન્ડર, પેપરવેઇટ, ડાયરીઓ અથવા કાર્ડબોર્ડ બનાવવા માટે ફેક્ટરીઓમાં કરવામાં આવે છે.
પ્લાસ્ટિક મની શા માટે લાવવામાં આવી રહી છે?
- પોલીમર કે પ્લાસ્ટિક નોટો કાગળની નોટો કરતાં વધુ મજબૂત અને ટકાઉ હોય છે.
- પ્લાસ્ટિક નોટો પાણીમાં પલળવાથી ખરાબ થતી નથી અને ઝડપથી ફાટતી પણ નથી.
- તેની આયુષ્ય કાગળની નોટ કરતાં બમણી કે ત્રણ ગણી વધારે હોય છે.
- પ્લાસ્ટિક નોટોનું નકલી વેપાર (Counterfeiting) કરવું પણ અત્યંત મુશ્કેલ માનવામાં આવે છે.
આરબીઆઈ તબક્કાવાર રીતે કાગળની નોટોને બજારમાંથી પાછી ખેંચીને નવી પોલીમર નોટો લાવવાનું આયોજન કરી રહી છે, જેથી દેશમાં નાણાકીય વ્યવહાર વધુ સુરક્ષિત અને ટકાઉ બની શકે.
