GPSC Exam Update, Rescheduled Date: ગત સપ્તાહે રાજ્યમાં ભારે વરસાદના કારણે ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષાની નવી તારીખ જાહેર કરી દેવામાં આવી છે. આ સાથે જ તૈયારી કરી રહેલા ઉમેદવારોને મોટી હાશ થઈ છે.
26 જુલાઈના રોજ જુદા-જુદા 34 વર્ગોની પરીક્ષા લેવાની હતી
હકીકતમાં 26 જુલાઈના રોજ GPSC દ્વારા જુદા-જુદા 34 વર્ગોની ભરતી માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જો કે આ સમયે ગુજરાતમાં તોફાની વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો હતો. ભારે વરસાદના કારણે અનેક ઠેકાણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. પાણી ભરાઈ જવાના કારણે અનેક માર્ગો પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો હતો. તેમજ અનેક રૂટો પર એસટી બસ સર્વિસ પણ બંધ કરી દેવામાં આવી હતી.
આખરે GPSC દ્વારા ઉમેદવારોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને 26 જુલાઈની પરીક્ષાને મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સાથે જ પરીક્ષાની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર થશે તેમ જણાવવામાં આવ્યું હતુ.
1 ઓગસ્ટે પરીક્ષાનું આયોજન થતાં ઉમેદવારોને તૈયારી માટે સમય મળ્યો
GPSC દ્વારા હવે 26 જુલાઈએ લેવાનારી જુદા-જુદા 34 વર્ગોની પરીક્ષા 1 ઓગસ્ટના રોજ લેવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આમ પરીક્ષા પાછી ઠેલાવાના કારણે સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારોને તૈયારી માટે વધારે સમય મળ્યો છે. તમામ ઉમેદવારોએ GPSC દ્વારા જારી કરવામાં આવેલી તમામ સૂચનાઓનું પાલન કરવા સાથે આવશ્યક દસ્તાવેજો સાથે સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચી જવું પડશે.
