CBSE Board 10th Result 2026: જો તમે 2026માં સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ની ધોરણ 10 બોર્ડ પરીક્ષા આપી છે અને રિઝલ્ટ બાદ મળેલા ગુણથી અસંતુષ્ટ છો, તો તમારા માટે આ મહત્વના સમાચાર છે. CBSE એ પરિણામ જાહેર થયા બાદ માર્ક્સ ચકાસણી અને રી-ઈવેલ્યુએશનની પ્રક્રિયામાં મોટો ફેરફાર કર્યો છે.
હવેથી વિદ્યાર્થીઓ સીધા જ માર્ક્સ વેરિફિકેશન કે રી-ઈવેલ્યુએશન માટે અરજી કરી શકશે નહીં. બોર્ડના નવા નિયમ મુજબ, સૌથી પહેલા વિદ્યાર્થીઓએ પોતાની ઉત્તરવહી (Answer Sheet)ની સ્કેન કોપી ઓનલાઇન મંગાવવી પડશે. આન્સર શીટ જોયા પછી જ નક્કી કરી શકાશે કે માર્ક્સની ફરી તપાસ કરાવવી છે કે પછી ચોક્કસ પ્રશ્નનું રી-ઈવેલ્યુએશન કરાવવું છે.
માત્ર ઓનલાઇન જ કરી શકાશે અરજી
આ નવી વ્યવસ્થા મુખ્ય બોર્ડ પરીક્ષા તેમજ પૂરક બોર્ડ પરીક્ષા 2026 બંને માટે લાગુ કરવામાં આવી છે. 10મીની મુખ્ય પરીક્ષાનું પરિણામ 15 એપ્રિલ અને બીજી બોર્ડ પરીક્ષાનું પરિણામ 18 જુલાઈએ જાહેર કરવામાં આવ્યું હતું. આ તમામ પ્રક્રિયા માટે બોર્ડ દ્વારા માત્ર ઓનલાઇન અરજીઓ જ સ્વીકારવામાં આવશે.
ત્રણ તબક્કામાં પૂર્ણ થશે પ્રક્રિયા
CBSE એ આ સમગ્ર પ્રક્રિયાને સરળતા માટે ત્રણ તબક્કામાં વહેંચી છે.
પ્રથમ તબક્કો: વિદ્યાર્થીઓએ પોતાની ચેક થયેલી ઉત્તરવહીની સ્કેન કોપી મેળવવા માટે અરજી કરવાની રહેશે.
બીજો તબક્કો: સ્કેન કોપી જોયા બાદ જો ગુણ ગણવામાં કે કોઈ ભૂલ દેખાય, તો માર્ક્સ વેરિફિકેશન માટે અરજી કરી શકાશે.
ત્રીજો તબક્કો: વેરિફિકેશન બાદ પણ જો કોઈ ચોક્કસ પ્રશ્નના મૂલ્યાંકન સામે વાંધો હોય, તો માત્ર તે જ પ્રશ્નોના રી-ઈવેલ્યુએશન માટે એપ્લાય કરી શકાશે.
બોર્ડે સ્પષ્ટતા કરી છે કે આન્સર શીટની સ્કેન કોપી લીધા વિના સબમિટ કરાયેલી વેરિફિકેશન કે રી-ઈવેલ્યુએશનની અરજીઓ સીધી રદ કરવામાં આવશે.
અરજી કરવાની તારીખ અને ફીનું માળખું
સ્કેન કોપી માટે: ઉત્તરવહીની સ્કેન કોપી માટે 9 ઓગસ્ટ સુધી અરજી કરી શકાશે, જેના માટે વિષય દીઠ ₹300 ફી ચૂકવવાની રહેશે.
અંક વેરિફિકેશન: સ્કેન કોપી મેળવ્યા બાદ 16 થી 19 ઓગસ્ટ વચ્ચે માર્ક્સ વેરિફિકેશન માટે અરજી કરી શકાશે, જેની ફી ઉત્તરવહી દીઠ ₹300 નક્કી કરાઈ છે.
રી-ઈવેલ્યુએશન માટે પ્રશ્ન દીઠ ₹100 ફી રહેશે.
જો વિદ્યાર્થી બંને સેવાઓ લેવા માગે છે, તો બંને માટે અલગ-અલગ નિર્ધારિત ફી ચૂકવવાની રહેશે.
માર્ક્સ વેરિફિકેશનમાં શું ચકાસાશે?
વેરિફિકેશન દરમિયાન બોર્ડ મુખ્યત્વે ત્રણ બાબતો તપાસશે, જે અંતર્ગત કોઈ ઉત્તરનું મૂલ્યાંકન કરવાનું રહી તો નથી ગયું? ગુણનો સરવાળો સાચો થયો છે કે નહીં? અને માર્ક્સ શીટમાં ફાઇનલ અંક નોંધવામાં કોઈ ભૂલ થઈ છે કે કેમ?
રી-ઈવેલ્યુએશન બાદ શું થશે?
CBSEની સ્પષ્ટતા મુજબ, રી-ઈવેલ્યુએશન કરાવ્યા બાદ ગુણમાં વધારો થઈ શકે છે, ઘટાડો થઈ શકે છે અથવા ગુણ યથાવત પણ રહી શકે છે. સુધારેલા ગુણ જ આખરી ગણવામાં આવશે. જો વિદ્યાર્થીના પરિણામમાં ફેરફાર થશે, તો તેમણે પોતાની જૂની માર્કશીટ અને સર્ટિફિકેટ બોર્ડમાં જમા કરાવવાનું રહેશે, ત્યારબાદ બોર્ડ દ્વારા નવી માર્કશીટ ઇશ્યૂ કરવામાં આવશે.
