CMA Exam Results: ઈન્સ્ટીટ્યૂટ ઑફ કૉસ્ટ એકાઉન્ટન્ટ ઑફ ઈન્ડિયા (ICMA) દ્વારા ગત જૂન મહિનામાં લેવામાં આવેલી ઈન્ટર મીડિયેટ અને ફાઈનલ પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે.
જેમાં CMA ફાઈનલના પરિણામની વાત કરીએ તો, ટોપ-50માં અમદાવાદના રાજ ધામેલિયાએ 540 માર્ક્સ સાથે ઑલ ઈન્ડિયા 41મો રેન્ક હાંસલ કર્યો છે. જ્યારે ઈન્ટર મીડિયેટમાં આદિત્ય ખૈરનારે 563 માર્ક્સ સાથે 31મો તેમજ 547 માર્ક્સ સાથે શેફાલી પંચાલે 48મો રેન્ક મેળવ્યો છે.
આ પરિણામોની ખાસ વાત એ છે કે, શેફાલી પંચાલના પિતા રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. જ્યારે CMA ફાઈનલ અમદાવાદ ચેપ્ટરમાં બીજો રેન્ક હાંસલ કરનાર રાજકુમાર ગૌતમના પિતા પણ અમદાવાદની પ્રતિષ્ઠિત હોટલમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. આ બન્ને વિદ્યાર્થીઓએ સાબિત કર્યું કે, સંજોગો ગમે તેવા કપરા કેમ ના હોય, પરંતુ જો તમારા ઈરાદા નેક અને બુલંદ હશે તે સફળતા જરૂર તમારા કદમ ચુમશે.
નવરાત્રી-દિવાળી જેવા તહેવારો ઉજવવા સાથે તૈયારી ચાલુ રાખીઃ શેફાલી પંચાલ
શિફાલીએ પોતાની સફળતા અંગે જણાવ્યું કે, મારા પિતા રિક્ષા ચલાવતા હોવા છતા તેમણે ક્યારેય અમને તકલીફ નથી પડવા દીધી. સફળતા મેળવવા માટે વાંચન એકમાત્ર વિકલ્પ છે. નવરાત્રી અને દિવાળી જેવા તહેવારો ઉજવવા સાથે હું પરીક્ષાની તૈયારીઓ કરતી હતી. એકવાર તમારો કન્સેપ્ટ ક્લીયર હોવો જોઈએ. આ સિવાય ભાઈ-બહેનના સપોર્ટના કારણે મારે વધારે સંઘર્ષ નથી કરવો પડ્યો.
હવે મારી કોર્પોરેટ કંપનીમાં જૉબ કરવાની ઈચ્છાઃ રાજકુમાર ગૌતમ
CMA ફાઈનલમાં અમદાવાદ ચેપ્ટરમાં બીજો રેન્ક હાંસલ કરનાર રાજકુમાર ગૌતમે જણાવ્યું કે, મારા ડ્રાઈવર પિતાની મહેતનથી જ હું આજે સફળ થઈ શક્યો છું. માત્ર CMA જ નહીં, કોઈપણ પરીક્ષામાં પહેલાથી જ તૈયારી કરીએ તો જ સારું પરિણામે મેળવી શકાય છે. હવે મારી કોઈ કોર્પોરેટ કંપનીમાં જોબ કરવાની ઈચ્છા છે.
ઈન્ટર મીડિયેટમાં સુરતનો રોનક જૈન પ્રથમ ક્રમે
આજે પરિણામ જાહેર થતાંની સાથે જ ICMA દ્વારા ટૉપર્સનું લિસ્ટ પણ જારી કરી દેવામાં આવ્યું છે. જેમાં CMA ઈન્ટરમીડિયેટમાં સુરતના રોનક જૈનએ ફર્સ્ટ રેન્ક હાંસલ કર્યો છે. જ્યારે ફાઈનલમાં ગંટુરના મોક્ષિત વામશી કૃષ્ણ ઉપલ્લીએ પ્રથમ રેન્ક હાંસલ કર્યો છે. જ્યારે અમદાવાદ ચેપ્ટરનું 32.38 ટકા પરિણામ નોંધાયું છે, જે 5 ટકા ઘટ્યું છે. જો કે CMA ફાઈનલમાં અમદાવાદ ચેપ્ટરનું પરિણામ 44.39 ટકા સાથે 7 ટકા વધ્યું છે.
