GNFSU Halol: વિશ્વની એકમાત્ર પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી ગુજરાતમાં, હાલોલની GNFSU બની રહી છે કૃષિ શિક્ષણનું વૈશ્વિક કેન્દ્ર

8 હેક્ટરમાં માળખાકીય સુવિધાઓ અને 15 હેક્ટરમાં સંશોધન ફાર્મ, પંચસ્તરીય અને લક્ષ્યાધિપતી જેવા નવીન ખેતી મોડલ્સ, રીસર્ચ માટે આધુનિક સંશાધનોથી સજ્જ લેબોરેટરીની સુવિધા ઉપલબ્ધ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 26 Jul 2026 09:37 PM (IST)Updated: Sun, 26 Jul 2026 09:37 PM (IST)
gnfsu-halol-gujarat-natural-farming-science-university-leads-innovation-in-sustainable-agriculture
HIGHLIGHTS
  • 150થી વધારે વિદ્યાર્થીઓ BSC અને MSC એગ્રી નેચરલ ફાર્મિંગમાં અભ્યાસ કરી રહ્યા છે

GNFSU Halol: ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી (GNFSU)પ્રાકૃતિક કૃષિ માટેનું એક અનોખું અને વૈવિધ્યસભર શૈક્ષણિક, સંશોધન અને વિસ્તરણ કેન્દ્ર છે. આ યુનિવર્સિટી પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં કુલ 23 હેક્ટરમાં આવેલ છે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝ્ન હેઠળ ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2017માં સ્થાપિત આ યુનિવર્સિટી ભારત અને વિશ્વની આ પ્રકારની સર્વપ્રથમ યુનિવર્સિટી છે. આ યુનિવર્સિટી 'ગુજરાત ઓર્ગેનિક ફાર્મિંગ પોલિસી-2015' નું એક સ્વપ્નદ્રષ્ટા પરિણામ છે. યુનિવર્સિટી ગુજરાતના આઠ કૃષિ-આબોહવા ઝોનના ખેડૂતો અને વિદ્યાર્થીઓને સેવા પૂરી પાડે છે.

GNFSUનો હેતુ શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ દ્વારા ટકાઉ ખેતીને પ્રોત્સાહન આપવાનો છે. ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે ખાતમુહૂર્ત કરાયા બાદ વર્ષ 2023થી માત્ર ત્રણ વર્ષમા જ યુનિવર્સિટી શૈક્ષણિક, સંશોધન અને વિસ્તરણ ક્ષેત્રે આગળ વધી છે. 

અહિં આધુનિક માળખાકીય સુવિધાઓ જેવી કે, યુનિવર્સિટી ભવન, ખેડૂત ઘર, વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ, ઉચ્ચગુણવત્તાનું શિક્ષણ, ક્લાસરૂમ, કેંટીન, સેમિનાર હોલ, રીસર્ચ માટે લેબોરેટરી અને મોડલ સંશોધન ફાર્મ વિકસાવવામા આવ્યા છે. હાલ 150થી વધારે વિદ્યાર્થીઓ BSC અને MSC એગ્રી નેચરલ ફાર્મિંગમાં અભ્યાસ કરી રહ્યા છે.

naidunia_image

આ સાથે 60 થી વધુ કૃષિ વૈજ્ઞાનિકો પણ અહી સંશોધન ક્ષેત્રે કાર્ય કરી રહ્યા છે. આ યુનિવર્સિટી માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ક્લાસરૂમની સાથે ફિલ્ડમાં પ્રેક્ટીકલ અભ્યાસ કરાવવામાં આવે છે.

યુનિવર્સિટી હસ્તકની બે કૉલેજો દ્વારા પ્રાકૃતિક ખેતીમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે. જેમાં કૉલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, હાલોલ અને કૉલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, અમરેલીનો સમાવેશ થાય છે. આ યુનિવર્સિટીમાં BSC એગ્રી. (ઓનર્સ) નેચરલ ફાર્મિંગ અને MSC એગ્રી નેચરલ ફાર્મિંગના અભ્યાસક્રમો ઉપલબ્ધ છે. આ ઉપરાંત આવનાર વર્ષોમાં ડિપ્લોમા અને પીએચ.ડી. નેચરલ ફાર્મિંગના અભ્યાસક્રમો ઉપલબ્ધ થનાર છે.

naidunia_image

પ્રાકૃતિક કૃષિને વધુ અસરકારક અને નફાકારક બનાવવા માટે GNFSU સંશોધન ક્ષેત્રે કાર્યરત છે. યુનિવર્સિટી પાસે 8 હેક્ટરમાં માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવી છે, જ્યારે 15 હેક્ટરમાં સંશોધન ફાર્મ, પંચસ્તરીય અને લક્ષ્યાધિપતી જેવા નવીન ખેતી મોડલ્સ ઊભા કરવામાં આવ્યા છે. જે અહીંના વિદ્યાર્થીઓ અને ધરતીપુત્રો માટે માર્ગદર્શન રૂપ બની રહ્યા છે.

આ યુનિવર્સિટી કેમ્પસમાં પ્રાકૃતિક કૃષિના આધારસ્તંભ એવા બીજામૃત, જીવામૃત, ઘનજીવામૃત અને દશપર્ણી અર્ક વગેરે જેવા બાયો-ઈનપુટ્સ તૈયાર કરવાની સાથે વિવિધ જમીનના પરીક્ષણ કરવા માટે એક અત્યાધુનિક લેબોરેટરી પણ કાર્યરત છે. એના દ્વારા GNFSUના કૃષિ વૈજ્ઞાનિકો જમીનની તંદુરસ્તી, પાકનો વિકાસ, તેમજ કુદરતી જંતુ અને નીંદણ નિયંત્રણ જેવી બાબતોનો અભ્યાસ-સંશોધન કરી ખેડૂતોને અવગત કરે છે, જેના કારણે ખેડૂતો વાસ્તવિક પરિસ્થિતિઓમાં અસરકારક એવી પર્યાવરણ-અનુકૂળ તકનીકો વિશે ચોક્કસ માહીતી મેળવી તેના અનુરૂપ બદલાવો કરી શકે છે.

naidunia_image

આ ઉપરાંત GNFSU ગુજરાતના 18,000 ગામડાઓમાંથી 12,000 કૃષિ સખીઓને પ્રાકૃતિક ખેતીમાં સ્થાનિક અગ્રણી બનાવવા માટે તાલીમ આપવાના એક વિશેષ પ્રોજેક્ટનું નેતૃત્વ પણ કરે છે. તાલીમ કાર્યક્રમો, 34થી વધુ સંસ્થાઓ સાથેની ભાગીદારી અને નિયમિત વર્કશોપ, સેમિનાર તેમજ આયોજિત તાલીમો દ્વારા GNFSU દર વર્ષે 36,000 થી વધુ ખેડૂતો સુધી પ્રાકૃતિક કૃષિની વાતને અસરકારક રીતે પહોંચાડે છે.

યુનિવર્સિટીના કુલપતિ પ્રોફ. (ડૉ.) સી. કે. ટિમ્બડીયાએ જણાવ્યું કે, ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી એ 'कृषि: एव प्राणोऽस्ति॥' - 'માત્ર ખેતી જ જીવનનો પ્રાણ અને કૃષિ થકી જ રાષ્ટ્રનો વિકાસ' મંત્ર ને ચરિતાર્થ કરવા પ્રાકૃતિક કૃષિના વ્યાપ વધારવાના દ્રષ્ટિકોણથી કાર્યરત છે.

naidunia_image

આજે વિશ્વ એ પર્યાવરણીય અસમતુલા, જમીનની બિન-ફળદ્રુપતાની સાથે માનવ અને પશુ સ્વાસ્થ્ય સામે ઉભા થયેલા ગંભીર પ્રશ્નો સહિતના અનેક ચિંતાજનક સંકટોનો સામનો કરી રહ્યું છે, ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવર્તજીના માર્ગદર્શન હેઠળ GNFSU પ્રાકૃતિક ખેતીના સંદર્ભમાં, શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ ક્ષેત્રે અસાધારણ સિદ્ધિઓ પ્રાપ્ત કરી રહ્યુ છે.

યુનિવર્સિટી ખાતે કુદરતી સંસાધનોના સંચાલન, જૈવ વિવિધતાના સંરક્ષણ, જમીન અને જળ પ્રબંધન, પોષક તત્વોના પુનઃચક્રણ, દેશી બિયારણો અને સ્થાનિક પાક ઉત્પાદનને પ્રોત્સાહન, તેમજ પાયાના સ્તરે બજાર જોડાણો પર ધ્યાન કેન્દ્રિત કરીને GNFSU એક પરિવર્તનકારી સફર માટે ઝડપભેર આગળ વધી રહ્યું છે.