Gujarat Education News: ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે એક અત્યંત મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. GTU એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણના ભાગરૂપે ડિગ્રી ઈજનેરીની તમામ બ્રાન્ચના વિદ્યાર્થીઓ માટે 'સોસાઈટલ ઈન્ટર્નશિપ' ફરજીયાત બનાવવામાં આવી છે.
ક્યાં અને ક્યારે કરવી પડશે ઈન્ટર્નશિપ?
આ નિયમ રાજ્યની 75 ડિગ્રી ઇજનેરી કોલેજમાં અભ્યાસ કરતા આશરે 18,000 વિદ્યાર્થીઓને સીધો લાગુ પડશે. નવા નિયમ અનુસાર, હવે ડિગ્રી ઈજનેરીના વિદ્યાર્થીઓએ ફરજિયાત પણે માન્યતા પ્રાપ્ત એનજીઓ (NGO), સરકારી કચેરીઓ કે કોઈપણ સેવાકીય પ્રોજેક્ટમાં સેવાના કામ માટે જોડાવું પડશે.
આ નિયમ શૈક્ષણિક વર્ષ 2024-25 થી GTU સાથે સંકળાયેલી ડિગ્રી ઈજનેરી કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ માટે છે. GTU રજિસ્ટ્રાર ડૉ. કે એન ખેરના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીઓએ ચોથા સેમેસ્ટરની પરીક્ષા પૂર્ણ કર્યા બાદ અને પાંચમા સેમેસ્ટરનો પ્રારંભ થાય તે પહેલાંના વેકેશન દરમિયાન બે અઠવાડિયાની ઈન્ટર્નશીપ કરવાની રહેશે.
પરિણામમાં 2 ક્રેડિટ પૉઇન્ટ્સનો સીધો લાભ
વિદ્યાર્થીઓ વહેલી તકે સામાજિક પ્રવૃત્તિમાં જોડાઈ શકે તે માટે GTU સંકળાયેલી કોલેજોને આ ગાઈડલાઈનનો તાત્કાલિક અમલ કરવા આદેશ આપ્યો છે. આ અંગેની ઓવરઓલ સ્કીમ, ફોર્મેટ અને સર્ટિફિકેટના નમૂના સત્તાવાર વેબસાઈટ syllabus. gu.ac.in પર મૂકવામાં આવ્યા છે. જે વિદ્યાર્થીઓ આ ફરજિયાત ઈન્ટર્નશિપ પૂર્ણ કરશે, તેમના પરિણામમાં 2 ક્રેડિટ પૉઇન્ટ્સનો સીધો ઉમેરો થશે.
વિદ્યાર્થીઓમાં વધશે સામાજિક સંવેદના
આ નિર્ણયનો અમલ શરૂ થઈ ચૂક્યો છે. એલ ડી એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સીપાલ ડૉ. વિનય પુરાણીએ જણાવ્યું છે કે, "અમારી કોલેજમાં 10થી વધુ બ્રાન્ચમાં ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા 900થી વધુ વિદ્યાર્થીઓને કોઈ પણ સેવાભાવી સંસ્થામાં જોડાવા માટેની સૂચના આપી દેવાઈ છે, અને વિદ્યાર્થીઓએ ઇન્ટર્નશિપ માટેનાં ચક્રો પણ ગતિમાન કર્યાં છે".
આ 'સોશિયલ ઈન્ટર્નશિપ' વિશે વાત કરતા NCC-NSS ઓફિસર ડૉ. ચૈતન્ય સંઘવીએ જણાવ્યું હતું કે, આનાથી વિદ્યાર્થીઓમાં સમાજ અને લોકો પ્રત્યેની સંવેદના વધશે. તેમણે વધુમાં ઉમેર્યું કે, વિદ્યાર્થીઓમાં ટેકનિકલ શિક્ષણના જ્ઞાનની સાથે બીજાની સમસ્યાઓ પ્રત્યે કરુણાનો ભાવ જાગશે અને તેઓ સમાજના વધુ જવાબદાર નાગરિક બની શકશે.
