Gujarat Degree Engineering Admission: ધોરણ-12 સાયન્સ પછી ગુજરાત રાજ્યની વિવિધ ખાનગી અને સરકારી કોલેજોમાં ડિગ્રી એન્જિનિયરિંગ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે સરકારની ઓનલાઈન કેન્દ્રીય પ્રક્રિયા (ACPC) અંતર્ગત પ્રથમ રાઉન્ડનું સીટ એલોટમેન્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
આ વર્ષે ડિગ્રી એન્જિનિયરિંગ અભ્યાસક્રમોમાં પ્રવેશ અંગેના આંકડા ખૂબ જ ચોંકાવનારા અને ખાનગી કોલેજો માટે ચિંતાજનક છે. પ્રથમવાર સરકારી-ગ્રાન્ટેડ કોલેજોની તમામ 100 ટકા બેઠકોમાં એલોટમેન્ટ પૂરું થઈ ગયું છે, જ્યારે ખાનગી કોલેજોની માત્ર 40 ટકા બેઠકો જ ભરાઈ શકી છે.
કુલ કેટલી બેઠકો અને કેટલાને મળ્યો પ્રવેશ?
પ્રવેશ સમિતિ ACPC દ્વારા મેનેજમેન્ટ ક્વોટા બાદ કરતા કુલ 61,316 બેઠકો માટે પ્રથમ રાઉન્ડ યોજ્યો હતો, જેમાંથી 33,993 બેઠકોમાં પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. આ વર્ષના મેરીટ અને ચોઈસ ફીલિંગના આંકડા પણ આશ્ચર્યજનક છે. આ વર્ષે ફાઈનલ મેરિટમાં 45,503 વિદ્યાર્થીઓનો સમાવેશ થયો હતો.
પ્રથમ રાઉન્ડમાં 41,688 વિદ્યાર્થીઓએ 12.54 લાખથી વધુ ચોઈસ આપીનેઓનલાઈન પ્રક્રિયામાં ભાગ લીધો હતો. તેમાંથી 33,993 વિદ્યાર્થીઓને પ્રવેશ મળી ગયો છે, પરંતુ કુલ 7,687 વિદ્યાર્થીઓને પૂરતી ચોઈસ ન આપવાને કારણે પ્રવેશ મળી શક્યો નથી.
ખાનગી કોલેજોની કફોડી સ્થિતિ, જુઓ આંકડા
ગુજરાતમાં હાલ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સહિત કુલ ૧૪૧ ડિગ્રી ઈજનેરી કોલેજો છે.
- પ્રથમવાર સરકારી-ગ્રાન્ટેડ કોલેજોની તમામ 10,969 બેઠકોમાં પ્રવેશ ફાળવ્યો.
- ખાનગી કોલેજોની 48,140 બેઠકોમાંથી માત્ર 20,817 બેઠકોમાં જ પ્રવેશ.
