ગુજરાતમાં MBBS અને BDS પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ, ઓનલાઈન રજિસ્ટ્રેશન અને PIN ખરીદીની સંપૂર્ણ માહિતી

પ્રવેશ પ્રક્રિયા હેઠળ 12 ઓગસ્ટ સુધી ઓનલાઈન PIN ખરીદી તેમજ સમિતિના પોર્ટલ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકાશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 01 Aug 2026 09:51 AM (IST)Updated: Sat, 01 Aug 2026 09:51 AM (IST)
gujarat-mbbs-bds-admission-2026-27-pin-online-registration-details
AI Generated Image

MBBS and BDS Admission: રાજ્યમાં ધોરણ-12 સાયન્સ પછી શૈક્ષણિક વર્ષ 2026-27 માટે મેડિકલ (MBBS) અને ડેન્ટલ (BDS) કોર્સીસની પ્રથમ વર્ષની બેઠકો પર પ્રવેશ પ્રક્રિયાનો સત્તાવાર પ્રારંભ થઈ ગયો છે. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ અંડરગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશનલ કોર્સીસ (ACPUGMEC) દ્વારા આ અંગેની પ્રવેશ જાહેરાત કરવામાં આવી છે.

ઓનલાઈન PIN અને રજિસ્ટ્રેશનની તારીખો

પ્રવેશ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓ 12 ઓગસ્ટ સુધી ઓનલાઈન PIN ખરીદી શકશે તેમજ સમિતિના પોર્ટલ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરીને જરૂરી દસ્તાવેજો અપલોડ કરી શકશે. રજિસ્ટ્રેશન બાદ 3 ઓગસ્ટથી 13 ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં નિયત કરાયેલા હેલ્પ સેન્ટરો પર દસ્તાવેજોની ચકાસણી (Document Verification) અને પ્રમાણિત નકલ જમા કરાવવાની રહેશે. પ્રવેશ સમિતિએ તમામ ઉમેદવારોને સમયમર્યાદામાં પ્રક્રિયા પૂર્ણ કરવા સૂચના આપી છે.

કુલ 54 કોલેજોની 8,755 બેઠકો પર પ્રવેશ

આ વર્ષે રાજ્યની કુલ 54 કોલેજોની 8,755 બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે:

  • MBBS: 41 મેડિકલ કોલેજોમાં કુલ 7,500 બેઠકો
  • BDS: 13 ડેન્ટલ કોલેજોમાં કુલ 1,255 બેઠકો

ફીનું માળખું અને હેલ્પ સેન્ટરો

  • PIN ખરીદી: ઓનલાઈન PIN મેળવવા માટે વિદ્યાર્થીઓએ 1,000 નોન-રિફંડેબલ અને 10,000 રૂપિયા રિફંડેબલ સિક્યુરિટી ડિપોઝિટ એમ મળીને કુલ 11,000 રૂપિયા ચૂકવવાના રહેશે.
  • ઓનલાઈન એપોઈન્ટમેન્ટ: રજિસ્ટ્રેશન બાદ હેલ્પ સેન્ટર પર દસ્તાવેજ ચકાસણી માટે જતાં પહેલાં વિદ્યાર્થીઓએ ઓનલાઈન એપોઈન્ટમેન્ટ લેવી ફરજિયાત છે.
  • હેલ્પ સેન્ટર્સ: અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગર સહિત રાજ્યભરમાં કુલ 28 હેલ્પ સેન્ટરો કાર્યરત કરવામાં આવ્યા છે.

લોકલ ક્વોટા અને PwD ઉમેદવારો માટે નિયમો

  • લોકલ ક્વોટા: અમદાવાદની 'શ્રીમતી એન.એચ.એલ. મ્યુનિસિપલ મેડિકલ કોલેજ' અથવા સુરતની 'સ્મીમેર (SMIMER)' કોલેજના લોકલ ક્વોટામાં અરજી કરવા માગતા ઉમેદવારોએ સ્થાનિક રહેવાસી હોવાનું પ્રમાણપત્ર સંબંધિત કોલેજના ડીન પાસેથી મેળવવું પડશે.
  • દિવ્યાંગ (PwD) કેટેગરી: દિવ્યાંગ કેટેગરીના ઉમેદવારોએ નિર્ધારિત સિવિલ હોસ્પિટલના મેડિકલ બોર્ડ સમક્ષ ઉપસ્થિત રહીને પોતાના પ્રમાણપત્રની ચકાસણી કરાવવાની રહેશે.