Gyan Sahayak Recruitment 2026, English Subject: રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધારવા અને શિક્ષકોની ઘટને પૂરવા માટે રાજ્ય સરકારે મહત્વની કવાયત હાથ ધરી છે. ખાસ કરીને ધોરણ 6 થી 8 માં અંગ્રેજી વિષયના શિક્ષકોની મોટી અછત હોવાથી, મંજૂર થયેલા મહેકમ ઉપરાંત વધારાની 9,700 અલાયદી જગ્યા પર જ્ઞાન સહાયકોની નિમણૂક કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.
જ્ઞાન સહાયક ભરતી પ્રક્રિયાનું શેડ્યૂલ
લાયક ઉમેદવાર 4 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધી ઓનલાઈન અરજી કરી શકશે. અરજી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વહીવટી તંત્ર દ્વારા ઝડપી કામગીરી હાથ ધરવામાં આવશે:
12 ઓગસ્ટ: ઉમેદવારોના ગુણાંકના આધારે મેરીટ લિસ્ટ જાહેર કરવામાં આવશે.
17 ઓગસ્ટ:મેરીટમાં સ્થાન મેળવનાર ઉમેદવારોના ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવશે.
ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ ઉમેદવાર માટે શાળા પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જે બાદ યોગ્ય ઉમેદવારની નિમણૂક કરી અને રિપોર્ટિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
અરજી માટેની લાયકાત અને વેતન
અંગ્રેજી વિષયમાં નિષ્ણાત અને શિક્ષક બનવા ઈચ્છતા ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે, જેના દ્વારા રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અછત દૂર કરવામાં મોટી મદદ મળશે. રાજ્ય સરકાર દ્વારા આ જગ્યાઓ માટે ચોક્કસ ધોરણો નક્કી કરવામાં આવ્યા છે:
વય મર્યાદા: ઉમેદવારો માટે મહત્તમ વય મર્યાદા 48 વર્ષ નક્કી કરવામાં આવી છે.
માસિક વેતન: જ્ઞાન સહાયકોને પ્રતિ માસ 21 હજાર રૂપિયા ફિક્સ વેતન આપવામાં આવશે.
11 માસના કરાર આધારિત ભરતી
આ ભરતી પ્રક્રિયા અંતર્ગત પસંદગી પામેલા ઉમેદવારોને 11 માસના કરાર આધારિત જ્ઞાન સહાયક તરીકે મુકવામાં આવશે. પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા આ માટેની સત્તાવાર પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે, જેનો મુખ્ય હેતુ સરકારી શાળાઓમાં અંગ્રેજી શિક્ષણને વધુ સુદ્રઢ બનાવવાનો છે.
