બિરલા સ્ટુડિયોઝ અને નીલમ સ્ટુડિયોઝે તેમની આગામી ફિલ્મ 'મક્કલ કાવલન'ની જાહેરાત કરી; જાણો શું છે વાર્તા અને સ્ટાર કાસ્ટ

બિરલા અને નીલમ સ્ટુડિયોઝે નવી ફિલ્મ 'મક્કલ કાવલન'ની જાહેરાત કરી. કે. મણિકંદન મુખ્ય ભૂમિકામાં ભ્રષ્ટ સિસ્ટમ સામે લડતા સામાન્ય માણસના દમદાર રોલમાં દેખાશે.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Thu, 06 Aug 2026 02:44 PM (IST)Updated: Thu, 06 Aug 2026 02:44 PM (IST)
birla-studios-and-neelam-studios-announce-their-upcoming-film-makkal-kavalan

Makkal Kavalan Movie: બિરલા સ્ટુડિયોઝ અને નીલમ સ્ટુડિયોઝે તેમની સફળ ફિલ્મ બાઇસન કાલામાદન થિયેટરોમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ નવી ફિલ્મ 'મક્કલ કાવલન'ની જાહેરાત કરી છે. આ ફિલ્મ બિરલા સ્ટુડિયોઝની મોટા પડદાની ભવ્ય મહત્ત્વાકાંક્ષા અને સામાજિક મુદ્દાઓ સાથે જોડાયેલી ભાવનાત્મક વાર્તાઓ આપવાની નીલમ સ્ટુડિયોઝની સર્જનાત્મક દૃષ્ટિનો એક સુંદર સંગમ છે.

આ ફિલ્મ તમિલ સિનેમાના જાણીતા અને લોકપ્રિય અભિનેતા કે. મણિકંદનની આગામી મુખ્ય ફિલ્મ છે. ગુડ નાઇટ, લવર અને કુડુંબસ્થાન જેવી હિટ ફિલ્મો આપ્યા બાદ મણિકંદન પહેલીવાર આ ફિલ્મ દ્વારા એક શક્તિશાળી એક્શન-ડ્રામા રોલમાં જોવા મળશે.

સંતોષ કુમાર દ્વારા લિખિત અને દિગ્દર્શિત 'મક્કલ કાવલન' એક સામાન્ય માણસની વાર્તા છે, જે માત્ર સન્માનપૂર્વક જીવવા માંગે છે. પરંતુ જ્યારે ભ્રષ્ટ સિસ્ટમ તેની સામે માત્ર બે જ રસ્તા રાખે છે નમવું કે લડવું ત્યારે તેનું સામાન્ય જીવન બદલાઈ જાય છે. પોતાના અસ્તિત્વ માટે શરૂ થયેલી તેની વ્યક્તિગત લડાઈ ધીમે-ધીમે એક મોટા જનઆંદોલનનું રૂપ ધારણ કરે છે અને તે એક એવા નેતા તરીકે ઉભરી આવે છે, જેણે ક્યારેય નેતા બનવાનું વિચાર્યું ન હતું. જેમ જેમ આ સંઘર્ષ વધુ તીવ્ર બને છે, તેમ તેમ તેની કિંમત ચુકવવી પડે છે અને એક સામાન્ય નાગરિક તથા લોકોના રક્ષક ('મક્કલ કાવલન') વચ્ચેનો ભેદ ભૂંસાતો જાય છે.

ફિલ્મમાં કે. મણિકંદન સાથે વાગઈ ચંદ્રશેખર, એ. વેંકટેશ, આર.કે. વિજયમુરુગન, શણ્મુગમ મુથુસામી, સાબુમોન, ઉન્ની માયા, દિવ્યા શ્રીપદા, જેનસન ધિવાકર, લલ્લૂ, જેમિની મણિ અને રઘુ જેવા કુશળ કલાકારો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

તકનીકી ટીમની વાત કરીએ તો, ફિલ્મનું સંગીત નિવાસ કે. પ્રસન્નાએ આપ્યું છે. સિનેમેટોગ્રાફી પ્રદીપન સેલ્વરત્નમ, એડિટિંગ અરુલ મોસેસ, પ્રોડક્શન ડિઝાઇન પપ્પાનાડુ સી. ઉથાયકુમાર, સ્ટન્ટ ડોન અશોક, સાઉન્ડ ડિઝાઇન એન્થની જયરુબન, કોસ્ટ્યુમ સુરેશ કુમાર અને મેકઅપ રામચંદ્રને સંભાળ્યું છે.

બિરલા સ્ટુડિયોઝના સહ-નિર્માતા સુનીલ ચૈનાણીએ આ ભાગીદારી અંગે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "બાઇસન કાલામાદનની સફળતા પછી નીલમ સ્ટુડિયોઝ સાથે મક્કલ કાવલન દ્વારા નવા અધ્યાયની શરૂઆત કરતા અમે ખૂબ ઉત્સાહિત છીએ. અમે હંમેશાં મજબૂત અને અલગ વિચારસરણી ધરાવતા ફિલ્મ નિર્માતાઓને પ્રોત્સાહન આપવા માટે કટિબદ્ધ રહ્યા છીએ. દિગ્દર્શક સંતોષ કુમાર પોતાની પ્રથમ ફીચર ફિલ્મમાં આવી જ સશક્ત દૃષ્ટિ લઈને આવ્યા છે. મણિકંદન આજે તમિલ સિનેમાના સૌથી પ્રભાવશાળી અભિનેતાઓમાંથી એક છે અને તેઓ આ ફિલ્મનું નેતૃત્વ કરી રહ્યા છે તેનો અમને આનંદ છે. મક્કલ કાવલન એક અત્યંત શક્તિશાળી, મનોરંજક અને ભાવનાત્મક ફિલ્મ સાબિત થશે."