Entertainment News: પ્રયાગરાજના મહાકુંભમાં માળા વેચીને રાતોરાત સોશિયલ મીડિયામાં સ્ટાર બની ગયેલી મોનાલિસા (Mahakumbh Viral Girl) હવે બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. મંગળવારે પ્રયાગરાજની ધરતી પરથી જ તેની ડેબ્યુ ફિલ્મ ‘ધ ડાયરી ઓફ મણિપુર’નું (The Diary of Manipur) ટ્રેલર અને ટીઝર ભવ્ય રીતે રિલીઝ કરવામાં આવ્યું હતું.
માળા વેચવાથી લઈને એક્ટ્રેસ બનવા સુધીની સફર
એક સમયે પ્રયાગરાજના મેળામાં માળા વેચનારી અને મોનાલિસા ભોસલે હવે અભિનેતા રાજકુમાર રાવના ભાઈ અમિત રાવ અને અભિષેક તિવારી સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ માટે મોનાલિસાને ઇન્દોર અને મુંબઈ મોકલીને ખાસ એક્ટિંગ ટ્રેનિંગ આપવામાં આવી હતી.
આ અંગે ફિલ્મના ડિરેક્ટર સનોજ મિશ્રાના જણાવ્યા મુજબ, શરૂઆતમાં મોનાલિસાને માત્ર પોતાનું નામ લખતા જ આવડતું હતું, પરંતુ તેની સખત મહેનત અને નિર્દોષતાએ તેને એક શ્રેષ્ઠ કલાકાર બનાવી છે. ઉચ્ચારણની સમસ્યા હોવાને કારણે ફિલ્મમાં ડબિંગનો સહારો લેવામાં આવ્યો છે.
ફિલ્મની વિગતો અને શૂટિંગ
ડિરેક્ટર સનોજ મિશ્રાએ જણાવ્યું હતું કે ‘ધ ડાયરી ઓફ મણિપુર’ અંદાજે 10 કરોડના બજેટમાં એક વર્ષના સમયગાળામાં તૈયાર થઈ છે. આ એક લવ સ્ટોરી છે જે દેશની રાજધાની દિલ્હીને નોર્થ ઈસ્ટના મણિપુર સાથે જોડે છે.
આ ફિલ્મમાં પ્રેમની સાથે મણિપુરના અનામત અને ધર્માંતરણ જેવા ગંભીર મુદ્દાઓને પણ વણી લેવામાં આવ્યા છે. આ ફિલ્મનું 80 ટકા શૂટિંગ ઉત્તરાખંડમાં, 5 ટકા નેપાળમાં અને બાકીનું મણિપુરમાં થયું છે.
રિલીઝ ડેટ અને સામાજિક ઉદ્દેશ્ય
આ ફિલ્મ એપ્રિલ 2026ના પ્રથમ સપ્તાહમાં સિનેમાઘરોમાં રિલીઝ થવાની પૂરેપૂરી સંભાવના છે. આ પ્રસંગે ભાવુક થયેલી મોનાલિસાએ જણાવ્યું કે, તે તેની પહેલી ફિલ્મની કમાણીથી મધ્ય પ્રદેશના ખરગોન જેવા વિસ્તારોમાં છોકરીઓ માટે સ્કૂલ ખોલવા માંગે છે. તે ઈચ્છે છે કે, દરેક છોકરી શિક્ષિત બને અને તેની નાની બહેન કલેક્ટર બને. મોનાલિસાની એક તેલુગુ ફિલ્મ ‘લાઇફ’ પણ ટૂંક સમયમાં રિલીઝ થવાની તૈયારીમાં છે.
