Laalo Krishna Sada Sahaayate: ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં 'લાલો કૃષ્ણ સદા સહાયતે'એ જાણે ચમત્કાર સર્જી દીધો છે. ફિલ્મ રિલીઝ થયાને 40 દિવસથી પણ વધારે સમય પસાર થઈ ગયો છે, પણ તેને મળી રહેલા પ્રતિસાદમાં કોઈ જ ઓટ આવી નથી.
કમાણીની દ્રષ્ટિએ કહીએ કે લોકો તરફથી મળી રહેલા પ્રતિભાવની દ્રષ્ટિએ…આ ફિલ્મ નવો વિક્રમ સ્થાપિત કરવા જઈ રહી છે. ટૂંક સમયમાં આ ફિલ્મ હિન્દી ભાષામાં દેશના સિનેમા ઘરોમાં આવશે.
આ ફિલ્મમાં કેરેક્ટર એક્ટર તરીકે અને પોતાની ભૂમિકાથી ખૂબ જ લોકપ્રિયતા મેળવનાર અંશુ જોશીએ આ ફિલ્મ અંગે ગુજરાતી જાગરણને ખાસ મુલાકાતમાં કેટલીક રસપ્રદ માહિતી આપી હતી.
ગુજરાતી ફિલ્મોને લઈ છેલ્લા એક દાયકામાં આવેલા પરિવર્તન અંગે આપ શું વિચારો
ગુજરાતી ફિલ્મમાં ખાસ કરીને વર્ષ 2012 બાદ તદ્દન અલગ સ્વરૂપ અને ટેકનોલોજીથી ફિલ્મો બનવા લાગી છે. હવે આપણી ગુજરાતી ફિલ્મો સ્ટોરી, અભિનય અને ક્વોલિટીની દ્વષ્ટિએ બોલીવૂડ તથા હોલિવૂડ કક્ષાની બનવા લાગી છે. નવી પેઢીના વિચારો અને ટ્રેન્ડને અનુકૂળ તે બની રહી છે. ટૂંકમાં જમાના પ્રમાણે ફિલ્મો બનવા લાગી છે.
સૌથી સારી અને ખુશીની વાત એ છે કે હવે લોકો ધીમે-ધીમે ગુજરાતી ફિલ્મો તરફ વળી રહ્યા છે. આગામી સમયમાં સારી ફિલ્મો લોકોને અચૂકપણે થિયેટર સુધી લઈ જશે.

'લાલો કૃષ્ણ સદા સહાયતે'ની સ્ટોરી અંગે તમે શું વિચારો છો
'લાલો કૃષ્ણ સદા સહાયતે' એક એવી સામાજીક ફિલ્મ છે કે જે અનેક પાસાને આવરી લઈ સંદેશ આપે છે અને લોકોને પસંદ પડી રહી છે. જેમ કે વ્યસન મુક્તિ, વ્યસનની પરિવાર તથા જીવન પર અસર, મહિલા સશક્તિકરણ, ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધ સાથે મહેનત કરવામાં વિશ્વાસ, કોઈ જ શોર્ટ કટ નહીં. સારા મિત્રોની સોબત, પારિવારીક જીવનનું શું મહત્વ છે તે સહિતની બાબતોને તેમાં ઉત્તમ રીતે આવરવામાં આવી છે.
તમારી ગુજરાતી ફિલ્મમાં કરિયર અંગે માહિતી આપો
હું કેરેક્ટર એક્ટર તરીકે કામ કરું છું. મારે કોઈ મેઇન પાત્ર તો ભજવવાનું આવે નહીં સિવાય કે એવી કોઈ સ્ક્રિપ્ટ લખાય. કેટલાક પ્રોજેક્ટ છે જે પાઇપલાઇનમાં છે. એના માટે કામ ચાલી રહ્યું છે. હું ગો વિથ ધ ફ્લોમાં માનું છું. મેં મારી જિંદગીમાં કશું બનવાનો પ્રયત્ન નથી કર્યો.
મારી જિંદગીએ જે મને બનાવ્યો છે એ બની ગયો છું. એટલે મારા હાથમાં જે ફિલ્મો આવે તો એ હું સ્વીકારી લેતો હોઉં છું. અને સરસ રીતે એને પરફોર્મ કરવાનો ટ્રાય કરું છું.

'લાલો- કૃષ્ણ સદા સહાયતે' તમને કેવી રીતે ભૂમિકા મળી, કોઈ ખાસ અનુભવ
હકીકતમાં મને સ્ક્રિપ્ટ આપવામાં આવી હતી, પણ ચોક્કસ સ્ટોરી વિશે ખ્યાલ ન હતો. આ ફિલ્મના ડિરેક્ટ અંકિતે મને તેમની કાઠિયાવાડી શૈલીમાં એક જ વાતમાં સમજાવ્યું કે તમારો છોકરો છે, રિક્ષા ચલાવે છે અને મિસિંગ છે.
કેટલાક દિવસથી દેખાયો નથી, બસ આટલું સમજીને તમે કરો,બાકીનું બધું ભેગું થઈ જાશે. આજે લોકોને આ ફિલ્મમાં મજા આવે છે અને લોકો આનંદ લઈ રહ્યા છે.
ફિલ્મ ધારણા કરતાં ખૂબ સફળ રહી, તમારી ટીમ કેવો અનુભવ કરી રહી છે
આ ફિલ્મને ખરેખર કલ્પના બહારની સફળતા મળી છે અને એના કારણે ટીમમાં પણ બહુ જ આનંદ છે. લોકોને બહુ મજા પડી રહી છે. બધા બહુ ખુશ છીએ અને બહુ આનંદ થયો છે. આ સફળતા તો ધાર્યા કરતાં પણ અનેક ગણી છે, જે બદલ ભગવાનનો આભાર.
આ ફિલ્મના નિર્માણ અંગે તમારા અનુભવો
આ ફિલ્મ 'લાલો- કૃષ્ણ સદા સહાયતે'ની વાત કરું તો અજય પાદરિયાવન ઓફ ધ પ્રોડ્યુસર છે, તેમની સાથે મારે બહુ જૂનો સંબંધ છે. તેમણે મને કહેલું કે હું નાનકડા બજેટમાં આવી રીતે એક ગુજરાતી ફિલ્મ બનાવી રહ્યો છું, તમે એમાં કામ કરશો? મેં કીધું હા હું કરીશ, મને કોઈ વાંધો નથી. તો બસ એ રીતે મારું કાસ્ટિંગ થયું.
પણ મજાની વાત એ છે કે મને 'લાલો- કૃષ્ણ સદા સહાયતે' ફિલ્મની કોઈ જ પ્રકારની સ્ટોરી કહેવામાં આવી ન હતી અને હું તો ત્યાં એમને એમ જ પહોંચી ગયો હતો અને મને જે રીતે કેરેક્ટર સમજાવવામાં આવ્યું એ રીતે મેં પરફોર્મ કર્યું. જ્યારે મેં પ્રીમિયરમાં પૂરી ફિલ્મ જોઈ ત્યારે મને ખ્યાલ આવ્યો કે અચ્છા આ રીતની સ્ટોરી છે. અને એ વખતે મારી સાથે ફ્લોર ઉપર ખાલી કરણ અને રીવા અમે આ લોકો જ હતા. સૌથી રસપ્રદ વાત તો એ છે કે હું શ્રુહદ ગોસ્વામીને ક્યારે મળ્યો જ ન હતો. આ ફિલ્મમાં દરેકની ભૂમિકા ખૂબ જ શાનદાર રહી છે અને લોકો તરફથી ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે.
