‘લાલો’ની તુલસીએ ફિલ્મની સફળતા પછી અનુભવો શેર કર્યા, કહ્યું- “મને ખબર નહોતી કે આટલું બધું બદલાઈ જશે!”

‘લાલો: શ્રીકૃષ્ણ સદા સહાયતે’ ગુજરાતી ફિલ્મમાં રીવાએ તુલસીનું પાત્ર કર્યું છે. કરણ જોશી લાલો બન્યો છે. ફિલ્મએ 100 કરોડ કમાઈ લીધા છે.

By: Jagran GujaratiEdited By: Jagran Gujarati Publish Date: Mon 08 Dec 2025 02:38 PM (IST)Updated: Mon 08 Dec 2025 02:38 PM (IST)
laalo-krishna-sada-sahaayate-reeva-rachh-tulshi-shared-her-experiences-after-the-film-success-651675

Gujarati Film Laalo: ‘લાલો: શ્રીકૃષ્ણ સદા સહાયતે’ ગુજરાતી ફિલ્મમાં તુલસીનું પાત્ર ભજવનાર અભિનેત્રી રીવા રચ્છ (Reeva Rachh) માટે આ ફિલ્મની સફળતા સંપૂર્ણપણે અનપેક્ષિત હતી. 100 કરોડ ક્લબમાં પહોંચેલી પહેલી ગુજરાતી ફિલ્મે રીવાના જીવનમાં એકસાથે ઘણા મોટા બદલાવ લાવી દીધા છે. લાલો ફિલ્મને મળેલી સફળતા પછી પોતાના જીવનમાં શું શું પરિવર્તનો આવ્યા તેના અનુભવો રિવાએ શેર કર્યા હતા.

અચાનક મળેલી ઓળખ

“ફિલ્મ પહેલાં હું જે મોલમાં મારી ફ્રેન્ડ્સ સાથે નિયમિત જતી તે જ મોલમાં હવે લોકો મને ‘તુલસી… તુલસી’ કહીને ઓળખે છે. મારી ફ્રેન્ડ્સને તો ખૂબ મજા આવે છે! એ લોકો એવા હોય છે જેમણે ફિલ્મ જોઈ લીધી છે અને અચાનક ક્યાંક મળી જાય તો તરત ઓળખી લે છે. આ સૌથી મોટો બદલાવ છે મારા જીવનમાં.”

100 કરોડનું સ્વપ્ન પૂરું થયું

“મારું એક જ ડ્રીમ હતું કે ગુજરાતી ફિલ્મ 100 કરોડ કરે. જ્યારે લાલોએ આ આંકડો પાર કર્યો ત્યારે મારા પપ્પા અમેરિકામાં હતા. અંકિતભાઈએ તેમને ફોન કરીને કહ્યું ત્યારે પપ્પાએ સીધું જ કહ્યું, ‘રીવાનું તો આ જ ડ્રીમ હતું!’ એ સાંભળીને મને સૌથી મોટું સરપ્રાઇઝ થયું. પણ 100 કરોડ થયા પછી મારો મોહ ઊતરી ગયો. હવે સમજાયું કે પૈસા કરતાં વધારે મહત્ત્વનું છે કે ફિલ્મ લોકોના દિલ સુધી પહોંચી રહી છે.”

લોકો સાથે ગાઢ જોડાણ

“આણંદના વૃદ્ધાશ્રમના દાદા-દાદીએ મને પકડીને વાત કરી, અમદાવાદના અંધજન મંડળના બાળકોએ ફિલ્મ માત્ર સાંભળીને જ આખી વાર્તા કહી સંભળાવી, મેતા ખંભાડિયાના ગામના લોકોએ પહેલીવાર મોટી સ્ક્રીન પ ફિલ્મ જોઈ. એ બધું જોઈને લાગ્યું કે કલાકારનું સાચું કામ શું છે – લોકોને પોતાની કળાથી હલાવી નાખવાનું. ડાન્સ સિક્વન્સ જોઈને લોકોને ગૂઝબમ્પ્સ આવે, આંસુ આવે – એનાથી મોટી સફળતા શું હોઈ શકે?”

હજુ પણ સાદું જીવન

“હું હજુ પણ એ જ રીવા છું. ઘરેથી કોલેજ, કોલેજથી ઘર, મિત્રો સાથે ફરવા જવું – બધું એમનું એમ છે. બસ એટલું જ થયું છે કે હવે લોકો મને ઓળખે છે. ખરેખર ‘સડક સે ઉઠા કે સ્ટાર બનાવી દીધો’ જેવું લાગે છે!”