Asha Bhosle Passes Away: સુર સામ્રાજ્ઞી અને દિગ્ગજ ગાયિકા આશા ભોસલેનું આજે 12 એપ્રિલના રોજ અવસાન થયું છે. જે બાદ તેમની અંતિમ પોસ્ટ વાયરલ થઈ રહી છે, જે તેમણે ઈન્સ્ટાગ્રામ પર 18 માર્ચના રોજ પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં આશા ભોસલેએ પોતાના ગીત 'ધી શેડૉઈ લાઈટ'ની સાથે-સાથે જીવન અને મોક્ષ વિશે લખ્યું હતુ.
પોતાની અંતિમ પોસ્ટમાં આશા ભોસલે ઈન્ટરનેશનલ બેન્ડ 'ગોરિલ્લાજ' સાથે જોવા મળ્યા હતી. જેની તસવીરના બેક ગ્રાઉન્ડમાં ભારતની શેરીઓ અને હાથી જોવા મળે છે. તેમજ કેપ્શનમાં લખ્યું હતું કે, ગીત 'ધી શેડોઈ લાઈટ' મારા માટે ખૂબ જ મહત્ત્વનું છે. વારાણસી જઈને ત્યાં સૌથી પવિત્ર ગંગા નદીના કિનારે યાત્રા કરતા, મેં જે કઈ જોયું તેનાથી મને જીવનનો અર્થ ખૂબ જ નજીકથી સમજાયો છે. હું કોણ છું અને આ ધરતી પર મારે શું કરવાનું છે?
'ધી શેડોઈ લાઈટ'માં આ ઊંડી નદીને પાર કરવી મારા જીવનની જર્નીનું એક પ્રતિક છે. મારો જન્મ, મારા સબંધ, સંગીત પ્રત્યે મારી સાધના, મારી સિદ્ધિઓ અને એક દીકરી, માતા, બહેન, પત્ની અને એક હિન્દુ ભારતીય મહિલા તરીકે મારું કર્તવ્ય. આ જર્નીમાં નાવિક મારું સંગીત છે, જે મને જિંદગીની આ નદીને પાર કરાવનાર મારો માર્ગદર્શક છે.
જ્યારે હું બીજા કિનારે પહોંચીશ, ત્યારે મારી યાત્રા પુરી થઈ જશે. હું મોક્ષ પ્રાપ્ત કરીશ, જ્યાં હું એવા હજારો ધ્વનિઓમાં એક થઈ જઈશ, જે આપણી ચોતરફ કાયમ તરતી રહે છે.
પોસ્ટના અંતમાં આશા ભોસલેએ લખ્યું હતું કે, જ્યારે આ ધ્વનિઓમાંથી કેટલીકને એકસાથે જોડવામાં આવે, ત્યારે એક સુંદર ધૂન બનાવે છે. આવી જ રીતે હું પણ આવી ધ્વનિઓ પૈકી એક બની જઈશ, જે આખરે એક સુંદર ગીતમાં એક સંગીત-સ્વરનું સ્વરૂપ ધારણ કરશે.
એક એવું ગીત જેને હજારો વર્ષો સુધી અનેક પેઢીઓ સાંભળતી રહેશે. પ્રકૃતિની સાથે એકાકાર થઈ જવાની આજ સ્વતંત્રતા નદીના બીજા કિનારે મારી રાહ જોઈ રહી છે. હવે આશા ભોસલેની આ પોસ્ટને ફેન્સ તેમના પૂર્વાભાસ તરીકે જોઈ રહ્યા છે.
જણાવી દઈએ કે, મલ્ટીપલ ઑર્ગન ફેઈલ્યોરના કારણે આશા ભોસલેએ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ગાયિકાના પુત્ર આનંદે પત્રકારોને વાત કરતાં જણાવ્યું કે, સોમવારે સાંજે 4 કલાકે મુંબઈ સ્થિત શિવાજી પાર્કમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
