Ranbir Kapoor: બિગ સ્ક્રીન પર ભગવાન શ્રી રામની ભૂમિકા ભજવવા જઈ રહેલા સુપરસ્ટાર રણબીર કપૂર હાલમાં પોતાની મોસ્ટ અવેટેડ પૌરાણિક ફિલ્મ 'રામાયણ' ને લઈને ભારે ચર્ચામાં છે. જ્યારથી આ ડ્રીમ પ્રોજેક્ટની જાહેરાત થઈ છે ત્યારથી ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ફિલ્મના રિલીઝ પહેલાં રણબીર કપૂરે એક એવું નિવેદન આપ્યું છે, જેણે બોલિવૂડથી લઈને દર્શકો સુધી તમામનું ધ્યાન ખેંચ્યું છે. રણબીરનું માનવું છે કે રામાયણની મહાગાથા એટલી વિશાળ છે કે તેને માત્ર બે ભાગોમાં સમેટી શકાય તેમ નથી.
રામાયણ પર 10 ભાગની સિરીઝ બની શકી હોત
અમેરિકામાં ફિલ્મના એક પ્રમોશનલ ઈવેન્ટ દરમિયાન રણબીરે આ પૌરાણિક મિશનનો હિસ્સો બનવાના પડકારો અને વાર્તાના વિસ્તાર વિશે ખુલીને વાત કરી હતી. રણબીરે જણાવ્યું હતું કે, "જો તમે મને વ્યક્તિગત રીતે પૂછો, તો મને લાગે છે કે રામાયણની દુનિયા અને તેની મહાન વાર્તા પર 10 ભાગની આખી ફિલ્મ સિરીઝ બની શકી હોત. બે ભાગની ફિલ્મમાં તો આ વિશાળ કથાનો માત્ર એક નાનો હિસ્સો જ બતાવી શકાય છે." તેણે વધુમાં ઉમેર્યું કે, દિગ્દર્શક નિતેશ તિવારી અને આખી ક્રિએટિવ ટીમે મૂળ કથાની પવિત્રતા જાળવી રાખીને કયા પ્રસંગોને ફિલ્મમાં રાખવા અને કયા છોડવા, તે નક્કી કરવામાં ખૂબ સાવચેતી અને સખત મહેનત કરી છે.
ભગવાન શ્રી રામના પાત્રમાં રણબીરનો ખાસ લુક
ડાયરેક્ટર નિતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન શ્રી રામના અવતારમાં જોવા મળશે. તેના લુક અને તૈયારીઓએ અત્યારથી જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. રણબીરે આ પાત્રને આત્મસાત કરવા માટે સખત શારીરિક અને માનસિક તાલીમ લીધી છે.
'રામાયણઃ પાર્ટ 2' પર લેટેસ્ટ અપડેટ
ફિલ્મના બંને ભાગોના શૂટિંગ અંગે મહત્ત્વની વિગતો આપતાં રણબીરે જણાવ્યું કે, 'રામાયણઃ પાર્ટ 1' ના પોસ્ટ-પ્રોડક્શન વર્કની સાથે સાથે 'પાર્ટ 2' નું શૂટિંગ પણ ઝડપથી ચાલી રહ્યું છે. બીજા ભાગનું પણ લગભગ 50 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. બંને ભાગો પર એકસાથે કામ થવાને કારણે પ્રોજેક્ટ નિર્ધારિત સમયે જ રિલીઝ થશે.
ઉલ્લેખનીય છે કે, 'રામાયણઃ ભાગ 1' આ દિવાળીએ સિનેમાઘરોમાં ધમાકેદાર એન્ટ્રી કરશે, જ્યારે તેનો બીજો ભાગ આવતા વર્ષે દિવાળીના શુભ અવસરે રિલીઝ કરવામાં આવશે.
