Laalo Krishna Sada Sahayate: 'લાલો - કૃષ્ણ સદા સહાયતે', ગુજરાતી ફિલ્મ પાછળની આ અનટોલ્ડ કહાની સાંભળી તમે પણ શોક થઈ જશો

આ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે 'તુલસી'નું પાત્ર ભજવનાર રીવા રાચ્છે (Reeva Rachh) શૂટિંગ સમયનો એક હૃદયસ્પર્શી કિસ્સો શેર કર્યો છે, જે સાંભળીને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Mon 17 Nov 2025 12:38 PM (IST)Updated: Mon 17 Nov 2025 12:43 PM (IST)
untold-story-of-gujarati-film-laalo-krishna-sada-sahayate-that-will-leave-you-surprised-639585

Laalo Krishna Sada Sahayate Story: હાલમાં ગુજરાતી ફિલ્મ જગતમાં 'લાલો - કૃષ્ણ સદા સહાયતે' (Laalo - Krishna Sada Sahayate) ફિલ્મે ભારે ચર્ચા જગાવી છે. અત્યંત મર્યાદિત બજેટમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કરોડોની કમાણી કરીને એક નવો ઈતિહાસ રચ્યો છે. જોકે, પડદા પર દેખાતી આ સફળતા પાછળ ફિલ્મની ટીમનો અથાગ સંઘર્ષ અને ડિરેક્ટરની ઉમદા ભાવના છુપાયેલી છે. ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે 'તુલસી'નું પાત્ર ભજવનાર રીવા રાચ્છે (Reeva Rachh) શૂટિંગ સમયનો એક હૃદયસ્પર્શી કિસ્સો શેર કર્યો છે, જે સાંભળીને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

ડિરેક્ટરની ઉમદા ભાવના

ફિલ્મના મેકિંગ વિશે વાત કરતા રીવા રાચ્છે જણાવ્યું હતું કે, જ્યારે તેઓ મુંબઈમાં હતા ત્યારે શૂટિંગ માટે તેમને રાજકોટની ફ્લાઈટ ટિકિટ મોકલવામાં આવી હતી અને ત્યાંથી કાર દ્વારા જૂનાગઢ લાવવામાં આવ્યા હતા. જૂનાગઢમાં તેમને એક સારી હોટલમાં ઉતારો આપવામાં આવ્યો હતો. જ્યારે રિહર્સલ માટે જવાનો સમય થયો ત્યારે તેમણે ડિરેક્ટર અંકિત સખિયાને અન્ય કલાકારો વિશે પૂછપરછ કરી. જેના જવાબમાં ડિરેક્ટરે કહ્યું હતું કે, 'બીજા લોકો અન્ય જગ્યાએ રોકાયા છે.'

શરૂઆતમાં રીવાને લાગ્યું કે, એક મુખ્ય કલાકાર તરીકે તેમને આ સુવિધાઓ સામાન્ય ધોરણે આપવામાં આવી રહી છે. જોકે, ફિલ્મનું બજેટ ઓછું હોવા છતાં પેપરવર્ક કે કોન્ટ્રાક્ટ થયા ન હોવાથી તેમને થોડી અસલામતી (Insecurity) પણ અનુભવાઈ હતી.

ધર્મશાળામાં રોકાઈ હતી આખી ટીમ

જ્યારે રીવા તૈયાર થઈને ટીમ પાસે પહોંચ્યા, ત્યારે તેમને વાસ્તવિકતાનો ખ્યાલ આવ્યો. તેમણે જોયું કે બજેટના અભાવે ફિલ્મના ડિરેક્ટર સહિતની આખી ટીમ હોટલના બદલે એક ધર્મશાળામાં રોકાઈ હતી. આ જોઈને રીવાને આંચકો લાગ્યો હતો. ડિરેક્ટરની આ નિષ્ઠા જોઈને રીવાએ હોટલની સુવિધા છોડીને ટીમ સાથે ધર્મશાળામાં જ રહેવાનો નિર્ણય લીધો અને અલગ રૂમની વ્યવસ્થા સાથે ત્યાં શિફ્ટ થઈ ગયા. આ ઘટના બાદ અભિનેત્રીએ બીજા જ દિવસથી કોન્ટ્રાક્ટ કે પેપરવર્કની ચિંતા છોડી દીધી હતી.

ફિલ્મની વાર્તા

સામાન્ય માનવી અને ઈશ્વર સાથેનો સંવાદ ફિલ્મની પટકથાની વાત કરીએ તો, તે એક સામાન્ય રિક્ષાચાલક 'લાલો' (કરણ જોશી) ની આસપાસ ફરે છે. લાલો પોતાના ભૂતકાળના કર્મો, વ્યસન અને આર્થિક સંકડામણથી ઘેરાયેલો છે. તેની પત્ની તુલસી (રીવા રાચ્છ) દરેક મુશ્કેલીમાં તેની પડખે ઊભી રહે છે.

વાર્તામાં નવો વળાંક ત્યારે આવે છે જ્યારે લાલો એક અવાવરુ ફાર્મહાઉસમાં ફસાઈ જાય છે. આ એકલતામાં તેને પોતાના અંતરાત્માનો અવાજ સંભળાય છે અને તેને ભગવાન શ્રીકૃષ્ણનો સાક્ષાત્કાર થાય છે. અહીં શ્રીકૃષ્ણ કોઈ ચમત્કારી દેવ તરીકે નહીં, પરંતુ એક મિત્ર અને માર્ગદર્શક તરીકે લાલાને જીવન જીવવાની સાચી રાહ બતાવે છે.

આ ફિલ્મ દર્શાવે છે કે વ્યક્તિ ખરાબ નથી હોતો, પરંતુ સમય અને સંજોગો તેને મજબૂર કરે છે. 'લાલો શ્રીકૃષ્ણ સદા સહાયતે' માત્ર એક ફિલ્મ નથી, પરંતુ આધુનિક સમયમાં શ્રદ્ધા, પ્રેમ અને આત્મખોજની એક સુંદર યાત્રા છે.