UpdatedIST

'કાયદો કોઈને છોડતો નથી…', જેલમાંથી બહાર આવતા જ રાજપાલ યાદવે કેમ કહી આવી વાત?

રાજપાલ યાદવ પર આશરે ₹9 કરોડનું દેવું છે, જે 16 વર્ષ જૂના એક નાણાકીય વ્યવહારને લગતો મામલો છે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Thu 19 Feb 2026 02:45 PM (IST)Updated: Thu 19 Feb 2026 02:45 PM (IST)
why-did-rajpal-yadav-say-such-a-thing-as-soon-as-he-came-out-of-jail-695059

Rajpal Yadav: જાણીતા અભિનેતા રાજપાલ યાદવને ચેક બાઉન્સના જૂના કેસમાં દિલ્હીની તિહાર જેલમાંથી વચગાળાના જામીન મળ્યા છે. જેલના સળિયા પાછળ 10 દિવસ રહ્યા બાદ રાજપાલ યાદવે તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં જેલની અંદરની સ્થિતિ અને કેદીઓ પ્રત્યેના સામાજિક અભિગમ વિશે ગંભીર ચર્ચાઓ કરી છે. તેમણે સિસ્ટમમાં સુધારો લાવવાની અપીલ કરી છે.

શું હતો સમગ્ર મામલો?

રાજપાલ યાદવ પર આશરે ₹9 કરોડનું દેવું છે, જે 16 વર્ષ જૂના એક નાણાકીય વ્યવહારને લગતો મામલો છે. આ કેસમાં ચેક બાઉન્સ થતા કોર્ટે તેમને જેલની સજા ફટકારી હતી. જામીન મેળવવા માટે રાજપાલ યાદવે ₹2.5 કરોડ જમા કરાવ્યા છે. કોર્ટે તેમને બાકીની રકમ ચૂકવવા માટે માર્ચ સુધીનો સમય આપ્યો છે, જે બાદ તેમને મુક્ત કરવામાં આવ્યા છે.

જેલમાં કેદી અને આદરણીય વ્યક્તિ વચ્ચેના ભેદભાવ પર સવાલ

જેલમાંથી બહાર આવ્યા બાદ રાજપાલ યાદવે પીટીઆઈ (PTI) ને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે, "આપણા દેશમાં જેલની વ્યવસ્થામાં બદલાવ લાવવાની તાતી જરૂર છે. આપણે કેદી અને આદરણીય વ્યક્તિ વચ્ચેનો તફાવત ભૂલી જઈએ છીએ. જેલોને આજના આધુનિક સમયને અનુરૂપ અપગ્રેડ કરવી જોઈએ જેથી ત્યાંના કેદીઓને પણ સુધરવાની તક મળે."

કેદીઓ માટે માંગી 'લાઈફલાઈન'

રાજપાલ યાદવે જેલની અંદરના અનુભવો પરથી એક નવી રજૂઆત કરી છે. તેમણે લોકપ્રિય શો 'કૌન બનેગા કરોડપતિ'નું ઉદાહરણ આપતા કહ્યું, "જેમ KBC માં ખેલાડીઓને 'લાઈફલાઈન' મળે છે, તેમ જેલમાં રહેલા ઓછામાં ઓછા 10% કેદીઓ પણ એક લાઈફલાઈનને પાત્ર છે. જે લોકો પોતાની ભૂલો સુધારવા માંગે છે અને વર્ષોથી સારા વર્તનનું પ્રદર્શન કરી રહ્યા છે, તેમને ફરીથી સમાજમાં મોકલવા જોઈએ."

તેમણે ઉમેર્યું કે જે કેદીઓ 10-10 વર્ષથી કોર્ટના ધક્કા ખાઈ રહ્યા છે અને જેમના વર્તનમાં પરિવર્તન આવ્યું છે, જો સરકાર તેમાંથી 10% કેદીઓને મુક્ત કરીને તેમના પુનર્વસન પર ધ્યાન આપે, તો તેઓ દેશ માટે એક મોટી કાર્યશક્તિ બની શકે છે. અલબત્ત, જો કોઈ સુધરવા તૈયાર ન હોય તો કાયદો કડક હોવો જ જોઈએ.

કેદીઓની માનસિક સ્થિતિ પર ભાર

રાજપાલે વધુમાં જણાવ્યું કે જેલમાં ઘણા એવા કેદીઓ છે જેઓ ગુનેગાર ન હોવા છતાં સંજોગોના કારણે ત્યાં છે. જો તેમને યોગ્ય માર્ગદર્શન અને તક મળે તો તેઓ નવું જીવન શરૂ કરી શકે છે. જેલની ચાર દીવાલોની અંદર વ્યક્તિ માત્ર કેદી બનીને ન રહી જાય, પરંતુ એક જવાબદાર નાગરિક બનીને બહાર આવે તેવો માહોલ હોવો જોઈએ. રાજપાલ યાદવના આ નિવેદને જેલ સુધારા અંગે નવી ચર્ચા છેડી છે. હાલમાં તો અભિનેતા માર્ચ સુધીમાં બાકીની રકમની વ્યવસ્થા કરવામાં વ્યસ્ત છે, જેથી તેઓ આ કાયદાકીય કવાયતમાંથી કાયમી મુક્તિ મેળવી શકે.