Ahmedabad: અમદાવાદમાં માત્ર 3 લાખમાં 1BHK મકાન ખરીદવાનો સુંદર મોકો, જાણો સમગ્ર પ્રોસેસ

અમદાવાદમાં EWS આવાસ યોજના હેઠળ રૂ. 3 લાખમાં 1BHK મકાનો ફરીથી ફાળવવામાં આવશે. લાભાર્થીઓ દ્વારા ચુકવણી ન થવા અથવા દસ્તાવેજોના અભાવે ખાલી પડેલા 434 મકાનો માટે AMC દ્વારા ફરીથી ડ્રો સિસ્ટમ શરૂ કરાઈ છે.

By: Nilesh JethvaEdited By:Nilesh JethvaPublish Date: Mon, 23 Nov 2026 08:58 AM (IST)Updated: Mon, 23 Nov 2026 08:58 AM (IST)
a-draw-will-be-held-for-434-houses-under-the-ews-housing-scheme-in-ahmedabad
પ્રતિકાત્મક તસવીર

Ahmedabad News: EWS આવાસ યોજના (Economically Weaker Section Housing Scheme) અંતર્ગત આર્થિક રીતે નબળા વર્ગના નાગરિકોને સબસિડી સાથે રાહત દરે 1BHK ઘર ફાળવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, અમદાવાદમાં આ યોજનાનું સંચાલન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA) દ્વારા કરવામાં આવે છે. સસ્તા ભાવે મકાનો આપવા માટે ડ્રો સિસ્ટમ હોય છે. જો કે ઘણીવાર લાભાર્થી કોઈ કારણસર પૈસા ન ચૂકવી શકે તો તે ઘરને ફરી ડ્રો માટે મુકવામાં આવે છે.

434 મકાનોને ફરી ડ્રો સિસ્ટમ દ્વારા વેચવામાં આવશે

અમદાવાદમાં હાલમાં કેટલાક મકાનોને ફરી ડ્રો માટે મુકવામાં આવ્યા છે. EWS આવાસ યોજનાનામાં કેટલાક લાભાર્થીઓએ જરુરી ન ભરતા અથવા તો તેમની પાસે માન્ય પુરાવા ન હોવાને કારણે મકાનો પરત લેવામાં આવ્યા છે. આવા ખાલી પડેલા 434 મકાનોને ફરી ડ્રો સિસ્ટમ દ્વારા વેચવામાં આવશે. આ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોકેરેશને તૈયારી શરુ કરી દીધી છે. આ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. નોંધનિય છે કે, મકાનની કિંમત માત્ર 3 લાખ હોવાથી મોટી સંખ્યામાં અરજીઓ એએમસીને મળે છે.

7500 રુપિયાની ડિપોઝીટ પેટે ફી ભરવાની રહેશે

ખાલી પડેલા મકાનોમાં અમદાવાદના પૂર્વ ઝોનમાં સૌથી વધુ 216 મકાનો ખાલી છે જ્યારે ઉત્તર ઝોનના 168 મકાન ખાલી છે. અમદાવાદના થલતેજ, સોલા, ગોતા, ચાંદખેડા સહિત 18 આવાસ યોજનામાં મકાનો ખાલી પડ્યા છે. ફોર્મ ભરવા માટે તમારે અરજી સાથે એક નિશ્ચિત ફી ભરવાની રહે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અરજી કરતા સમયે 7500 રુપિયાની ડિપોઝીટ પેટે ફી ભરવાની રહે છે.

મકાન મળ્યા બાદ કેવી રીતે કરવાની હોય છે પૈસાની ચૂકવણી

તમને જણાવી દઈએ કે, જો તમને ડ્રોમાં મકાન લાગે છે તો આ મકાનનો ડ્રો થયાના 3 મહિનામાં લાભાર્થીએ 20 ટકા રકમ ભરવાની હોય છે. જ્યારે બાકીની 80 ટકા રકમ 10 હપ્તામાં 1 વર્ષના સમયગાળામાં ભરવાની રહેતી હોય છે. તમને જણાવી દઈએ કે, આ મકાન લેવા માટે કેટલીક પાત્રતા પણ હોવી જોઈએ. જેમકે મિલકત ધારક કે તેના પરિવારના મુખ્ય સભ્ય પાસે ક્યાંય પાકુ મકાન કે જમીનનો પ્લોટ ન હોવો જોઈએ.

અમદાવાદમાં EWS મકાનો ખાલી પડવાનું કારણ

  1. આપણે આ ખાલી પડેલા મકાનો અંગે વાત કરી તો જ્યારે આ આવાસો ફાળવવામાં આવે છે ત્યારે કેટલાક જરુરી દસ્તાવેજો આપવાના હોય છે. જો આ જરુરી કાગળો આપવામાં ન આવે છે તો તમને મકાન મળશે નહીં.
  2. બીજા કારણ અંગે વાત કરીએ તો જ્યારે તમને ડ્રોના માધ્યમથી આવાસ લાગે છે ત્યારે એક નક્કી કરેવા સમયગાળામાં આ મકાનની રકમ ભરવાની હોય છે. જો તમે આ રકમ નિયમ મુજબ ન ભરો મકાન પરત કરવું છે. અમદાવાદમાં પણ કેટલાક લાભાર્થી રકમ ન ભરી શકતા તેમણે આવાસ પરત કરવા પડ્યા છે.
  3. આમ રહેઠાણથી લઈને અલગ અલગ પુરાવા આપવામાં અને પુરતી રકમ ન ચુકવી શકતા લાભાર્થીઓના મકાન હાલમાં ખાલી પડ્યા છે. જેને હવે ડ્રોના માધ્યમથી ફરી વેચવામાં આવશે.