Raju Karpada Resigns: ગુજરાતમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનારી છે. તમામ પક્ષ દ્વારા તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે આમ આદમી પાર્ટીને આ ચૂંટણીમાં પોતાને એક મજબૂત પક્ષ તરીકે પ્રસ્થાપિત કરતા પૂર્વે એક મોટો ઝટકો લાગ્યો છે. બોટાદના હડદડમાં કડદા પ્રથાના વિરોધ બાદ ચર્ચામાં આવેલા અને ખેડૂત નેતા તરીકે જાણીતા રાજુ કરપડાએ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. તેઓ પક્ષના કેટલાક નેતાઓથી નારાજ હોવાની ચર્ચા ચાલી રહી છે.
બોટાદના હડદડમાં હિંસા અને કડદા પ્રથાના વિરોધ બાદ આવ્યા હતા ચર્ચામાં
મળતી વિગતો અનુસાર, થોડા સમય પહેલા બોટાદના હડદડમાં હિંસા ફાટી નીકળી હતી. કડદા પ્રથાનો આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો તેને હિંસક રૂપ લીધું હતું. આ વિવાદ દરમિયાન ખેડૂત નેતા તરીકે રાજુ કરપડા ઉભરી આવ્યા હતા. તેમણે જેલવાસ પણ ભોગવવો પડ્યો હતો અને તાજેતરમાં જ તેઓ જેલમાંથી બહાર આવ્યા હતા. જેલમાંથી બહાર આવ્યા બાદ તેમણે એક પત્રકાર પરિષદ યોજી હતી. જે દરમિયાન પણ પક્ષમાં વિખવાદ હોવાની રાજકીય ચર્ચાએ જોર પકડ્યું હતું. ત્યારે આ ચર્ચા થોડા અંશે સાચી હોય તેમ રાજુ કરપડાએ પક્ષ સાથે છેડો ફાડવાનો નિર્ણય લીધો છે.

અરવિંદ કેજરીવાલને પત્ર લખી રાજીનામું આપ્યું
તેમણે પક્ષમાંથી રાજીનામું આપ્યું છે અને આ અંગેનો પત્ર આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વિનર અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લખ્યો છે. અરવિંદ કેજરીવાલને સંબોધીને લખવામાં આવેલા પત્રમાં તેમણે લખ્યું છેકે, હું રાજુ કરપડા આમ આદમી પાર્ટીના તમામ પદો અને જવાબદારીઓમાંથી આજે 11 ફેબ્રુઆરી 2026ના રોજ રાજીનામું આપી રહ્યો છે. વ્યક્તિગત કારણોસર હાલની જવાબદારીને નિભાવી શકવી શક્ય નથી. પાર્ટીએ મને જે તક અને સન્માન તથા સહયોગ આપ્યો તેના માટે હું હૃદયથી આભારી છું.
રાજીનામાનો પત્ર સોશિયલ મીડિયામાં કર્યો શેર
સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને રાજુ કરપડાએ લખ્યું છેકે, જય કિસાન સાથીઓ… દોસ્તો આજે આમ આદમી પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપી રહ્યો છું..! મારો નિર્ણય જરૂર તમને ચોંકાવશે.! પાર્ટીને મજબૂત બનાવવા માટે મેં પરિવાર થી વિશેષ મહત્વ અને સમય આપ્યો છે પરંતુ કુદરતે અહીંયા સુધીનો જ સાથ લખેલો છે. મારા દ્વારા ક્યારેય કોઈની લાગણીને ઠેશ પહોંચી હોય તો ક્ષમા ચાહું છું. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વ તેમજ પ્રદેશ નેતૃત્વ સાથે જ મારા તમામ સાથીઓ અને ખેડૂતો નો મને પ્રેમ આપવા બદલ હૃદય થી આભાર માનું છું…!
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પાર્ટીને મોટો ફટકો
નોંધનીય છેકે રાજુ કરપડાના રાજીનામાથી ખેડૂતોમાં પોતાની પકડ મજબૂત બનાવવાના આમ આદમી પાર્ટીના મનસૂબા પર પાણી ફેરવાયું છે. તેઓ પક્ષના કેટલાક નેતાઓથી નારાજ હોવાની ચર્ચા પણ આ રાજીનામા બાદ રાજકીય વર્તૂળોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
