SIM card scam: અમદાવાદ શહેર સાયબર ક્રાઈમ બ્રાન્ચે એક મોટા સીમકાર્ડ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ગ્રાહકોની જાણ બહાર તેમના આધારપુરાવાનો દુરુપયોગ કરીને સીમકાર્ડ કઢાવી, તેને કંબોડિયા અને દુબઈ જેવા વિદેશી સ્થળોએ મોકલી સાયબર ફ્રોડ આચરતી એક ગેંગના ત્રણ સભ્યોને ઝડપી પાડ્યા છે. આ ગેંગ ભારતીય નાગરિકોને 'ડિજિટલ એરેસ્ટ' જેવા ગંભીર સાયબર ગુનાનો ભોગ બનાવવામાં મદદ કરતી હતી. ક્રાઇમ બ્રાન્ચે આ ગેંગ પાસેથી 1,24,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સમગ્ર કૌભાંડ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
સીમકાર્ડ દુબઈ અને કમ્બોડિયા મોકલતા હતા
પોલીસ કમિશનર જી.એસ. મલિકની સૂચના અને સંયુક્ત પોલીસ કમિશનર, ક્રાઈમ બ્રાંચના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ બ્રાન્ચે આ ઓપરેશન પાર પાડ્યું હતું. તપાસમાં સામે આવ્યું કે, આરોપીઓ ગ્રાહકોના આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ જેવા ઓળખપત્રો તેમજ ફિંગરપ્રિન્ટનો દુરુપયોગ કરીને તેમની જાણ બહાર સીમકાર્ડ મેળવતા હતા. આ માટે, ટેલિકોમ્યુનિકેશન એજન્ટો સર્વર ડાઉન હોવાનું ખોટું બહાનું કાઢીને ગ્રાહકો પાસેથી તેમના દસ્તાવેજો મેળવી લેતા હતા અને પછી છેતરપિંડીપૂર્વક સીમકાર્ડ ઇસ્યુ કરતા હતા. ઇસ્યુ કરાયેલા આ સીમકાર્ડને તેઓ કમિશનના બદલામાં દુબઈ અને કમ્બોડિયા મોકલતા હતા, જ્યાં તેનો ઉપયોગ મોટા પાયે સાયબર ફ્રોડ આચરવા માટે થતો હતો.
સીમકાર્ડનો દુરુપયોગ કરાયાની નોંધાઈ હતી ફરિયાદ
આ મામલે, એક ફરિયાદીએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી કે તેમના સીમકાર્ડનો દુરુપયોગ કરીને કોઈ વ્યક્તિને 'ડિજિટલ એરેસ્ટ' (સાયબર છેતરપિંડીનો એક પ્રકાર)નો ભોગ બનાવવામાં આવ્યો છે. તપાસ દરમિયાન, પોલીસને જાણવા મળ્યું કે 14 માર્ચ 2024 અને 16 માર્ચ 2024ના રોજ ચાંદલોડિયા તળાવ પાસે એક અજાણ્યા એરટેલ એજન્ટે ફરિયાદીના આધાર કાર્ડનો ઉપયોગ કરીને એક સીમકાર્ડ ઇસ્યુ કર્યું હતું. પાછળથી આ સીમકાર્ડનો ઉપયોગ ગંભીર સાયબર ફ્રોડ આચરવા માટે કરવામાં આવ્યો હતો. એરટેલ એજન્ટે ફરિયાદીના પિતાના નામના સીમકાર્ડને ફરિયાદીના નામે ટ્રાન્સફર કરવાની ખાતરી આપી હતી અને આ બહાને દસ્તાવેજો મેળવીને તેમની સાથે છેતરપિંડી આચરી હતી. આ ઘટના અંગે અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.
ઝીણવટભરી તપાસ કરી આરોપીઓની ધરપકડ
પોલીસે અત્યાધુનિક ટેકનિકલ એનાલિસિસ અને માનવીય ગુપ્ત માહિતી (હ્યુમન ઇન્ટેલિજન્સ)નો સુભગ સમન્વય કરીને આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓની ચોક્કસ ઓળખ કરી હતી. ત્યારબાદ, પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને અમદાવાદ શહેર, રાધનપુર, પાટણ અને રાજસ્થાન જેવા વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરી હતી અને ત્રણ મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ. 1,24,000/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
કોલ સેન્ટરો ઓપરેટ કરીને ભારતીય નાગરિકોને નિશાન બનાવતા
આરોપીઓની કાર્યપ્રણાલી (મોડસ ઓપરેન્ડી) અત્યંત ભેદી હતી; તેઓ સીમકાર્ડ લેવા આવતા ગ્રાહકોના આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ જેવા દસ્તાવેજો અને ફિંગરપ્રિન્ટનો દુરુપયોગ કરીને તેમની જાણ વિના સીમકાર્ડ મેળવી લેતા હતા. મેળવેલા આ સીમકાર્ડને તેઓ કમિશનના બદલામાં દુબઈ અને કમ્બોડિયા સ્થિત સાયબર ફ્રોડ કોલ સેન્ટરોને મોકલતા હતા, જ્યાં તેનો ઉપયોગ 'ડિજિટલ એરેસ્ટ' જેવા ગંભીર સાયબર ક્રાઈમના ગુનાઓ આચરવામાં થતો હતો. આ ગેંગ ભારતભરમાંથી જુદા જુદા ટેલિકોમ એજન્ટોને શોધી કાઢતી હતી અને તેમની મદદથી મેળવેલા સીમકાર્ડને વિદેશી ગેંગ સુધી પહોંચાડતી હતી, જેઓ કમ્બોડિયા જેવા દેશોમાં કોલ સેન્ટરો ઓપરેટ કરીને ભારતીય નાગરિકોને નિશાન બનાવતા હતા.
ઝડપાયેલા આરોપીઓમાં વિજય રાવળ, શુભમ ઉર્ફે સેબી પરાડીયા અને કિરણ ઉર્ફે કેટી ઠક્કરનો સમાવેશ થાય છે. પોલીસે તેમની પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલા અનેક મોબાઈલ ફોન અને સીમકાર્ડ જપ્ત કર્યા છે. આ મોટા કૌભાંડમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે વધુ સઘન તપાસ અને શોધખોળ હાથ ધરી છે.
