Ahmedabad News: અમદાવાદ શહેરને 'નશા મુક્ત' બનાવવાની ઝુંબેશના ભાગરૂપે ક્રાઇમ બ્રાન્ચે ગેરકાયદેસર રીતે ચાલતા હુક્કાબાર પર તવાઈ બોલાવી છે. ગુપ્ત બાતમીના આધારે પોલીસે શહેરના પોશ વિસ્તારો સહિત જુદા-જુદા કેફે અને રેસ્ટોરન્ટમાં અણધારી રેડ કરીને હુક્કાના ગેરકાયદેસર ધંધાનો પર્દાફાશ કર્યો છે, જેના કારણે સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે.
કેફેની આડમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિ
ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે શહેરના અનેક વિસ્તારોમાં કેફે અને રેસ્ટોરન્ટના નામે યુવાનોને નિકોટીનયુક્ત ફ્લેવર પીરસવામાં આવી રહી છે. આ બાતમીના આધારે, તારીખ 15/11/2025ના રોજ પોલીસની ટીમોએ એકસાથે અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. ગુજરાત કોલેજ પાસે આકાશગંગા કોમ્પ્લેક્સમાં આવેલ "Old TC's LOUNGE & RESTAURANT" માં રેડ કરીને ત્રણ ઇસમોને હુક્કો પીતા ઝડપી લેવાયા હતા. તાજ હોટલની ગલીમાં આવેલ "લોન્જ કાસાનોવા" નામના કેફેમાં પણ હુક્કાબાર ચાલતું હોવાનું માલૂમ પડ્યું હતું.
લાખોનો મુદ્દામાલ કબજે, FSLમાં મોકલાયા સેમ્પલ
પોલીસે દરોડા દરમિયાન સ્થળ પરથી હુક્કા પીતા યુવક-યુવતીઓને ઝડપી પાડ્યા હતા. આ સાથે હુક્કાબારના માલિકો અને મેનેજરો સામે પણ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. રેડ કરાયેલા સ્થળો પરથી મોટી સંખ્યામાં હુક્કાના પોટ, અલગ-અલગ પ્રતિબંધિત નિકોટીનયુક્ત ફ્લેવરના પેકેટ્સ, ચીલમ, તમાકુ અને હુક્કાને લગતા અન્ય સાધનો જપ્ત કરવામાં આવ્યા છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત લાખોમાં હોવાનું પ્રાથમિક અનુમાન છે. પોલીસે જપ્ત કરેલા તમામ સેમ્પલને FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) માં મોકલી આપ્યા છે, જેથી પીરસાતી ફ્લેવરમાં નિકોટીન કે અન્ય કોઈ પ્રતિબંધિત દ્રવ્યની હાજરીની સત્તાવાર પુષ્ટિ થઈ શકે. ક્રાઇમ બ્રાન્ચે ખાતરી આપી છે કે યુવાધનના સ્વાસ્થ્યને જોખમમાં મૂકતી આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને જડમૂળમાંથી દૂર કરવા માટે આગામી દિવસોમાં પણ સઘન દરોડાની ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.
