Ahmedabad News: અમદાવાદ અને ભાવનગર વચ્ચે એક હાઇ-સ્પીડ કોરીડોર તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેમાં અમદાવાદ-ધોલેરા વચ્ચેનો 109 કિ.મી.નો એક્સપ્રેસ વે બનીને તૈયાર થઇ ગયો છે અને તેનું નિર્માણ કાર્ય અંતિમ તબક્કામાં છે. અમદાવાદ-ધોલેરા વચ્ચે બનેલા આ એક્સપ્રેસવેનો વીડિયો નેશનલ હાઇવે ઓથિરિટી ઓફ ઇન્ડિયા દ્વારા શેર કરવામાં આવ્યો છે. જે ડ્રોન વીડિયો શેર કરવામાં આવ્યો છે તેમાં હાઇ-સ્પીડ કોરિડોરને અદભૂત નજારો જોવા મળી રહ્યો છે. આ એક્સપ્રેસ વેથી 45 મિનિટમાં મુસાફરી શક્ય બનશે. એવા પણ અહેવાલ સામે આવી રહ્યાં છેકે આ એક્સપ્રેસ વેને ટૂંક સમયમાં નાગરિકો માટે ખુલ્લો મુકવામાં આવી શકે છે.
109 કિલોમીટરનો હાઈ-સ્પીડ કોરિડોર સુવિધાઓથી સજ્જ
આ મહત્ત્વપૂર્ણ એક્સપ્રેસ-વેનો 109 કિલોમીટર લાંબો અમદાવાદ-ધોલેરા ભાગ બનીને તૈયાર છે, જે સરખેજને ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (SIR) મારફતે અઢેલાઈ સાથે જોડે છે. આ હાઈ-સ્પીડ કોરિડોર માત્ર 45 મિનિટથી ઓછા સમયમાં મુસાફરી શક્ય બનશે. ફ્લાયઓવર, ઇન્ટરચેન્જ, અંડરપાસ અને લીલાછમ ગ્રીન બેલ્ટથી સજ્જ આ માર્ગ મુસાફરોને સુરક્ષિત અને સુવિધાજનક અનુભવ પ્રદાન કરશે.
અમદાવાદમાં ધોલેરા એક્સપ્રેસ વેની સ્થિતિ શું છે?
અમદાવાદ- ધોલેરા એક્સપ્રેસ વેની સ્થિતિ શું છે? અંગે વાત કરીએ તો હાઈવે ઓથોરિટી દ્વારા આ ભગીરથ કાર્યને સમયસર પૂર્ણ કરવા માટે યુદ્ધના ધોરણે અંતિમ તબક્કાનું ફિનિશિંગ કાર્ય ચાલી રહ્યું છે. હાલમાં, હાઈવેના તમામ વિભાગોમાં ‘ફૂલ ફિનિશિંગ રાઉન્ડ’ ચાલી રહ્યો છે, જેમાં રસ્તાની સપાટીનું અંતિમ સ્તર (વેરિંગ કોટ), લાઇન માર્કિંગ, રિફ્લેક્ટર્સનું ઇન્સ્ટોલેશન, સાઇનબોર્ડ્સ અને દિશા દર્શાવતા બોર્ડ્સ લગાવવા, ગરિલ અને સેફ્ટી બેરિયર્સની સ્થાપના, ટોલ લેન સેટઅપ અને તેની ટેકનોલોજીનું પરીક્ષણ તેમજ સુરક્ષા તપાસ અને સફાઈ જેવા કાર્યોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.
The 109 km long Ahmedabad–Dholera Expressway is reshaping connectivity in #Gujarat. Connecting Sarkhej to Adhelai via Dholera Special Investment Region, this high-speed corridor cuts travel time to under 45 minutes while offering world-class infrastructure—flyovers, interchanges,… pic.twitter.com/GwqI6iOdjp
— NHAI (@NHAI_Official) December 1, 2025
સમય અને ઇંધણમાં નોંધપાત્ર બચત થશે
આ નવા એક્સપ્રેસ-વે દ્વારા મુસાફરોને પ્રતિ ટ્રિપ આશરે 20% થી 30% જેટલા ઇંધણ ખર્ચની બચત શક્ય બનશે. ઓછા અંતર અને સતત ગતિ જાળવી રાખવાની ક્ષમતાને કારણે વાહનોના ઇંધણના વપરાશમાં નોંધપાત્ર ઘટાડો થશે. આર્થિક નિષ્ણાતોના મતે, આ બચત વારંવાર મુસાફરી કરનારાઓ અને લોજિસ્ટિક્સ કંપનીઓ માટે મોટી રાહતરૂપ બનશે. આ સાથે, મુસાફરીનો સમય ઘટવાથી શારીરિક શ્રમ અને માનસિક તાણમાંથી પણ મોટી મુક્તિ મળશે.
નવો 4-લેન એક્સપ્રેસ હાઈવે ખુલ્લો મુકાવાથી મુસાફરીના સમયમાં પણ ક્રાંતિકારી ઘટાડો થશે. અમદાવાદથી ધોલેરા SIR સુધી પહોંચવામાં હાલ જે લગભગ 2 થી 2.5 કલાક લાગે છે, તે ઘટીને માત્ર 55-60 મિનિટ થઈ જશે, જે 50% થી વધુ સમયની બચત સૂચવે છે. તેવી જ રીતે, અમદાવાદથી ભાવનગર સુધીની 4 થી 5 કલાકની સફર માત્ર 2 થી 2.5 કલાકમાં પૂર્ણ થઈ શકશે, એટલે કે 50% સુધીનો સમય બચશે.
એક્સપ્રેસ હાઈવે ગુજરાતના ત્રણ મુખ્ય કેન્દ્રોને જોડવાનું કામ કરશે
આ એક્સપ્રેસ હાઈવે ગુજરાતના ત્રણ મુખ્ય કેન્દ્રોને જોડવાનું કામ કરશે, જેમાં પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન (SIR) છે. આ માર્ગ ધોલેરા SIR, તેના ઉદ્યોગો, સ્માર્ટ-સિટી વિસ્તાર અને ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે પ્રથમ અને સૌથી લાંબું હાઈ-સ્પીડ કનેક્ટિવિટી પૂરું પાડશે. અમદાવાદથી ધોલેરા સુધીની રોડ કનેક્ટિવિટી અત્યંત સરળ અને ઝડપી બનવાથી SIRના સર્વાંગી વિકાસને ભારે વેગ મળશે.
ગ્રામ્ય વિસ્તારો માટે પણ ફાયદારૂપ રહેશે
બીજું મુખ્ય કેન્દ્ર ભાવનગર છે. ભાવનગર પોર્ટ, જહાજ ભંગાણના ઉદ્યોગનું કેન્દ્ર અને શિપયાર્ડને આસપાસના પીપાવાવ પોર્ટ અને અન્ય લોજિસ્ટિક્સ હબ સાથે જોડવા માટે આ માર્ગ 'ફાસ્ટ લોજિસ્ટિક્સ રૂટ' તરીકે સાબિત થશે. જેના પરિણામે માલસામાનની હેરફેરનો સમય અને ખર્ચ ઘટશે, જે ભાવનગર અને તેની આસપાસના વિસ્તારોમાં આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપશે. આ મેગા પ્રોજેક્ટના લાભો માત્ર શહેરી કે ઔદ્યોગિક વિસ્તારો પૂરતા સીમિત નથી. સિંધ્રેજ, વેજલકા, વિસલપુર અને ફેદરા જેવા ગ્રામીણ વિસ્તારોને પણ ફાયદો થશે. ખેડૂતો અને નાના વેપારીઓ માટે તેમના ઉત્પાદનોને બજાર સુધી પહોંચાડવાનું સરળ બનશે, જેના પરિણામે તેમની આર્થિક સ્થિતિમાં પણ સુધારો જોવા મળશે.
એક્સપ્રેસ-વે ધોલેરા SIR માટે નિર્ણાયક ભૂમિકા ભજવશે
આ એક્સપ્રેસ-વે માત્ર બે શહેરોને જોડતો માર્ગ નથી, પરંતુ તે સમગ્ર પ્રદેશના ઉત્કર્ષમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપશે. ઔદ્યોગિક વિકાસને વેગ આપીને, લોજિસ્ટિક્સ ક્ષેત્રને બુસ્ટ કરીને અને દિલ્હી-મુંબઈ ઔદ્યોગિક કોરિડોર (DMIC) સાથે સ્માર્ટ-સિટી તથા આર્થિક વિકાસને ટેકો આપીને, તે ગુજરાત માટે પ્રગતિનું મુખ્ય ચાલક બળ બનવા જઈ રહ્યો છે. નિષ્ણાતો માને છે કે આ એક્સપ્રેસ-વે ધોલેરા SIR ને એક વૈશ્વિક ઔદ્યોગિક અને વ્યાપારી કેન્દ્ર તરીકે સ્થાપિત કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે, જ્યાં ઉચ્ચ તકનીકી ઉદ્યોગો અને વૈશ્વિક રોકાણો આકર્ષિત થશે.
