Ahmedabad News: ગુજરાત હાઈકોર્ટે રાજ્યભરમાં રખડતા ઢોરોના ત્રાસ, બિસ્માર રસ્તાઓ અને જાહેર માર્ગો પરના અનઅધિકૃત દબાણો તેમજ ટ્રાફિકની સમસ્યા મુદ્દે દાખલ થયેલી કન્ટેમ્પ્ટ પિટિશનની સુનાવણીમાં આજે રાજ્ય સરકાર અને AMC સત્તાવાળાઓને કડક નિર્દેશો આપ્યા છે. જસ્ટિસ એ.એસ. સુપહીયા અને જસ્ટિસ એલ.એસ. પીરઝાદાની ખંડપીઠે જણાવ્યું છે કે, દિવાળીના તહેવારો દરમિયાન પણ શહેરમાં ગેરકાયદે દબાણો, રોંગસાઈડ ડ્રાઇવિંગ, અનઅધિકૃત અતિક્રમણ અને ટ્રાફિકના મામલે અસરકારક કામગીરી ચાલુ રાખવી પડશે.
6 મુખ્ય રસ્તાઓ પર સર્વેનો હુકમ
હાઈકોર્ટે ગેરકાયદે દબાણો અને ટ્રાફિક કાયદાના ઉલ્લંઘન મુદ્દે ગંભીર નોંધ લઈને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળને શહેરના 6 મુખ્ય માર્ગો પર સર્વે કરવા આદેશ આપ્યો છે. આ માર્ગોમાં એસ. જી. હાઇવે, સી. જી. રોડ, જજીસ બંગલો રોડ, નવરંગપુરા ક્રોસ રોડથી હાઇકોર્ટ સંકુલ તરફનો રોડ, અને વાડજ સર્કલથી દિલ્હી દરવાજા તરફનો રોડનો સમાવેશ થાય છે. સત્તામંડળને આ રસ્તાઓ પર ગેરકાયદે દબાણો, અનઅધિકૃત પાર્કિંગ, શોપિંગ સેન્ટરો અને પાર્ટી પ્લોટની બાજુમાં થતા આડેધડ પાર્કિંગ, તેમજ ખોટી લેન ડ્રાઇવિંગ સહિતના મામલે વિગતવાર અહેવાલ તૈયાર કરીને દિવાળી બાદ અદાલત સમક્ષ રજૂ કરવાનો નિર્દેશ અપાયો છે.
ટુ-વ્હીલર ચાલકો સામે ગંભીર ટકોર
સુનાવણી દરમિયાન હાઈકોર્ટે રોંગસાઈડ ડ્રાઇવિંગ મુદ્દે ગંભીર ટકોર કરી હતી. જસ્ટિસ એ.એસ. સુપહીયાએ પોતાનો વ્યક્તિગત અનુભવ વર્ણવતા કહ્યું કે, તેમણે ગણતરી કરીને નોંધ લીધી છે કે, એક ટ્રાફિક સિગ્નલ પર ત્રણ મિનિટમાં સાત જેટલા ટુ-વ્હીલર ચાલકોએ સિગ્નલનો ભંગ કર્યો હતો. કોર્ટે કહ્યું કે, જો એક સિગ્નલની આ સ્થિતિ હોય, તો વિચારો કે શહેરમાં શું હાલત હશે. હાઈકોર્ટે નોંધ્યું કે, ફોર વ્હીલરમાં રોંગસાઈડ ડ્રાઇવિંગમાં ઘટાડો નોંધાયો છે, પરંતુ ટુ-વ્હીલરમાં સિગ્નલ ભંગ અને રોંગસાઈડ ડ્રાઇવિંગ હજુ ચાલુ છે.
આ સાથે જ, હાઈકોર્ટે ખાણી-પીણીની જગ્યાઓ, ફૂડ સ્ટોલ્સ અને લારી-ગલ્લા સામે કે પાસે જાહેર રસ્તા અને ફૂટપાથ પર થતાં ગેરકાયદે પાર્કિંગ મામલે નીતિ બનાવવાની જરૂરિયાત પણ વ્યક્ત કરી છે, જેથી ટ્રાફિક પ્રવાહમાં અવરોધ ન થાય.
