Ahmedabad News: કૈલાસ માનસરોવર યાત્રાનો ખર્ચ આ વર્ષે નોંધપાત્ર રીતે વધ્યો હોવા છતાં ભક્તોમાં ઉત્સાહ યથાવત્ રહ્યો છે. વધેલા ખર્ચ છતાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ યાત્રા માટે બુકિંગ કરાવી રહ્યા છે.
કૈલાશ માનસરોવર યાત્રામાં ખર્ચ વધ્યો
ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે યાત્રાનો ખર્ચ અંદાજે 20થી 25 ટકા જેટલો વધી ગયો છે. જ્યાં અગાઉ ગયા વર્ષે યાત્રા રૂ. 2 લાખમાં પૂર્ણ થતી હતી, ત્યાં હવે યાત્રાળુઓને આશરે રૂ. 2.50 લાખ ખર્ચવા પડી રહ્યા છે. એટલે કે, પ્રતિ વ્યક્તિ લગભગ રૂ. 50 હજાર જેટલો વધારાનો ખર્ચ આવ્યો છે. યાત્રા 15 મેથી 20 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર છે. તેની અવધિ 14થી 21 દિવસ રહેશે.
ચીન તરફથી 250 ડોલરનો વધારો
ખર્ચમાં વધારાના મુખ્ય કારણોમાં નેપાળના ટૂર ઓપરેટર દ્વારા પ્રતિ વ્યક્તિ રૂ. 10 હજારનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે ચીન તરફથી વિઝા અને રહેઠાણ ખર્ચમાં લગભગ 250 ડોલરનો વધારો કરવામાં આવ્યો છે. તેમજ તેમાં ફ્લાઈટ ભાડાનો વધારો પણ શામેલ છે. ઉડાનનો ખર્ચ ગયા વર્ષે 20 હજાર રુપિયા હતો જે વધીને 25 હજાર સુધીનો થઈ ગયો છે.
25 હજાર લોકોએ કરાવ્યું બુકિંગ
ઉલ્લેખનીય છે કે ચીને 2019માં ભારતીય યાત્રાળુઓ માટે આ યાત્રા બંધ કરી હતી, પરંતુ 2025માં ફરી શરૂ થતાં યાત્રાળુઓમાં નવા ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં લગભગ 25 હજાર લોકોએ યાત્રા માટે બુકિંગ કરાવી દીધું છે.
એક યાત્રાળુ પ્રકાશ પટેલના જણાવ્યા અનુસાર, “કૈલાસ માનસરોવર યાત્રા દરેક હિંદુ માટે સપના સમાન છે. ખર્ચ વધ્યો હોવા છતાં અમે 24 મે 2026 માટે બુકિંગ કરાવ્યું છે. આ યાત્રાથી દરેક જ્યોતિર્લિંગના દર્શન કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે.” સમગ્ર રીતે જોવામાં આવે તો વધતા ખર્ચ છતાં ભક્તોની આસ્થા અને ઉત્સાહમાં કોઈ ઘટાડો નોંધાયો નથી.
