Ahmedabad: 2 લાખની સામે રૂપિયા 11 લાખ વસૂલ્યા છતાં વ્યાજખોરનો ત્રાસ યથાવત્, પત્નીની કિડનીની સારવાર કરાવવા 10 ટાકા વ્યાજે રૂપિયા લીધા હતા

પત્નીની સારવારના ખર્ચને પહોંચી વળવા માટે તેમણે લીધેલા માત્ર રૂપિયા 2,00,000 સામે, વ્યાજખોરે નવ મહિનામાં જ રૂપિયા 11,00,000 વસૂલ્યા હોવા છતાં વધુ પૈસા માટે ધમકીઓ આપી છે.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Sun 16 Nov 2025 02:45 PM (IST)Updated: Sun 16 Nov 2025 02:45 PM (IST)
ahmedabad-man-still-tortured-by-usurer-after-repaying-rupee-11-lakh-on-rupee-2-lakh-loan-for-wifes-treatment-639115
HIGHLIGHTS
  • વર્ષ 2024માં દર્શનભાઈની બંને કિડની ડેમેજ થતા ઝાયડસ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલુ હતી.
  • ફેબ્રુઆરી 2025માં, પરેશભાઈ પાસેથી માસિક 10%ના ઊંચા વ્યાજ દરે રૂપિયા 2,00,000 લીધા.

Ahmedabad News: સોલા વિસ્તારમાં રહેતા અને કિડનીની ગંભીર બીમારીથી પીડિત દર્શનભાઈ ભરતકુમાર પટેલ (ઉં.વ. 37) વ્યાજખોરની ક્રૂરતાનો ભોગ બન્યા છે. પોતાની પત્નીની સારવારના ખર્ચને પહોંચી વળવા માટે તેમણે લીધેલા માત્ર રૂપિયા 2,00,000 સામે, પરેશભાઈ ભુરાભાઇ ગોસ્વામી નામના વ્યાજખોરે નવ મહિનામાં જ રૂપિયા 11,00,000 વસૂલ્યા હોવા છતાં વધુ પૈસા માટે ધમકીઓ આપી છે.

સારવારની લાચારી અને વ્યાજની જાળ

વર્ષ 2024માં દર્શનભાઈની બંને કિડની ડેમેજ થતા ઝાયડસ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલુ હતી. ખર્ચને પહોંચી વળવા માટે તેમણે પાડોશી પાર્થ પટેલ મારફતે પરેશભાઈ ગોસ્વામીનો સંપર્ક કર્યો. ફેબ્રુઆરી 2025માં, પરેશભાઈ પાસેથી માસિક 10%ના ઊંચા વ્યાજ દરે રૂપિયા 2,00,000 લીધા. નાણાં આપતી વખતે વ્યાજખોરે પ્રથમ મહિનાનું વ્યાજ રૂપિયા 20,000 કાપીને બાકીની રકમ આપી હતી અને સિક્યોરિટી પેટે બે કોરા ચેક પણ લીધા હતા.

ચક્રવૃદ્ધિ વ્યાજની માંગ અને 11 લાખની વસૂલાત

ફેબ્રુઆરી 2025થી ઓક્ટોમ્બર 2025 સુધીના નવ મહિનામાં દર્શનભાઈએ Google Pay, બેંક ટ્રાન્સફર અને રોકડ દ્વારા કુલ રૂપિયા 11,00,000 વ્યાજ પેટે ચૂકવી દીધા હતા. આમાં રૂપિયા 4 લાખ બેંકિંગ માધ્યમથી અને રૂપિયા 7 લાખ રોકડેથી ચૂકવાયા હતા. આટલી મોટી રકમ ચૂકવવા છતાં, પરેશભાઈએ દર્શનભાઈને ધમકાવવાનું ચાલુ રાખ્યું અને અઠવાડિયાના 10% વ્યાજ સાથે ચક્રવૃદ્ધિ વ્યાજ ગણીને બાકીની મૂડી સાથે બીજા રૂપિયા 13,00,000ની માંગણી કરી.

ચેક બાઉન્સ કરાવી ત્રાસ આપ્યો

જ્યારે દર્શનભાઈએ હપ્તેથી મૂડી ચૂકવવાની વાત કરી, ત્યારે પરેશભાઈએ બદઈરાદે સિક્યોરિટી પેટે લીધેલા ચેકમાંથી એક ચેક તેમના ઓળખીતા મારફતે તારીખ 14/10/2025ના રોજ બેન્ક ઓફ બરોડામાં બાઉન્સ કરાવ્યો. ચેક બાઉન્સ થયા બાદ પરેશભાઈએ દર્શનભાઈને સોલા ભાગવત ખાતે મળીને "તુ વ્યાજ તથા મુડી નહી આપે તો તને છોડીશ નહીં" તેવી ખુલ્લી ધમકી આપી. સતત ધમકીઓ અને માનસિક સતામણીથી કંટાળીને દર્શનભાઈ પટેલે આ લાયસન્સ વગર ઊંચા વ્યાજે નાણાં ધીરનાર પરેશભાઈ ભુરાભાઇ ગોસ્વામી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.