Gujarat Vidyasahayak Bharti 2026: ગુજરાતમાં પ્રાથમિક શાળામાં શિક્ષક બનવાની રાહ જોઈ રહેલા ઉમેદવારોની આતુરતાનો આખરે અંત આવી શકે છે. હકીકતમાં ગુજરાત સરકારે TET-1 વિદ્યાસહાયક ભરતી અંગે રજૂ કરેલા પ્રસ્તાવને હાઈકોર્ટ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. આ સાથે જ હવે TET-1 વિદ્યાસહાયક ભરતી પ્રક્રિયા શરૂ થવાનો માર્ગ મોકળો થઈ ગયો છે.
શું છે સમગ્ર મામલો?
હકીકતમાં વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયા દરમિયાન ગેરલાયક ઠેરવવામાં આવેલા કેટલાક ઉમેદવારોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં પોતાને ગેરલાયક ઠેરવીને ઉમેદવારી રદ્દ કરવાનો નિર્ણય યોગ્ય ના હોવાની રજૂઆત કરવામાં આવી હતી. બીજી તરફ સરકાર દ્વારા ભરતીના નિયમો અને લાયકાતના માપદંડ મુજબ ઉમેદવારો સામે કાર્યવાહી કરવામાં આવી હોવાની સ્પષ્ટતા કરવામાં આવી હતી.
આ સમગ્ર કાનૂની વિવાદના પગલે ભરતી પ્રક્રિયા ખોરંભે ચડી ગઈ હતી. આખરે સરકાર દ્વારા વચગાળાના રસ્તાનું સૂચન કરવામાં આવ્યું હતુ. જેથી હાઈકોર્ટમાં અરજી કરનારા ઉમેદવારોના હિત જળવાઈ રહી અને નવી ભરતી પ્રક્રિયા પણ ના અટકે.
આ સંદર્ભે સરકારે હાઈકોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે, ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓમાં મોટી સંખ્યામાં વિદ્યાસહાયકોની જગ્યા ખાલી છે. એવામાં કાનૂની વિવાદના કારણે ભરતી પ્રક્રિયામાં વિલંબ થવાથી શિક્ષણ વ્યવસ્થા પર અસર પડી રહી છે.
આટલું જ નહીં, લાંબા સમયથી નિમણૂંકની રાહ જોઈ રહેલા હજારો ઉમેદવારો પણ પોતાના ભાવિને લઈને ચિંતિત છે. આથી ભરતી પ્રક્રિયાને અટકાવવાના બદલે વિવાદિત ઉમેદવારોની જગ્યા અલગ રાખ્યા બાદ બાકીની બેઠકો પર ભરતી કરવી યોગ્ય રહેશે.
આશરે 10 હજાર ઉમેદવારોની નિમણૂંક થઈ શકશે
આજે ગુજરાત હાઈકોર્ટમાં દ્વારા ગુજરાત સરકારના આ પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી છે. જેથી ટૂંક સમયમાં ભરતી પ્રક્રિયા ગતિ પકડશે. જે અંતર્ગત 11 હજાર વિદ્યાસહાયકોની જાહેર કરવામાં આવેલી ભરતી પૈકી હાલ 10 હજાર જેટલી જગ્યાઓ પર ભરતી થશે.
જ્યારે હાઈકોર્ટમાં અરજી કરનારા ઉમેદવારોને લગતી 700થી વધુ જગ્યાઓ ખાલી રાખવામાં આવશે. આ જગ્યાઓ પર હાઈકોર્ટમાં પેન્ડિંગ અરજીઓનો અંતિમ નિર્ણય આવ્યા બાદ આગળનો નિર્ણય લેવાઈ શકે છે.
