Ahmedabad: કેન્દ્રીય કેબિનેટની નિમણૂંક સમિતિ (ACC) દ્વારા ભારત સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં સંયુક્ત સચિવ અને તેને સમકક્ષ વિવિધ સેવાઓ સાથે સંકળાયેલા 48 અધિકારીઓની બદલી અને નિમણૂંકને મંજૂરી આપી દેવામાં આવી છે. જેમાં ગુજરાત કેડરના 4 અધિકારીઓની નિયુક્તિ થતાં રાજ્ય માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે.
સૌથી નોંધપાત્ર નિમણૂંક જોઈએ તો, ગુજરાત કેડરના 2010ની બેચના IAS અધિકારી હાર્દિક શાહને વડાપ્રધાનના અંગત સચિવ તરીકે એપોઈન્ટ કરવામાં આવ્યા છે. અન્ય અધિકારીઓની નિમણૂંક પર નજર નાંખીએ તો, 2001ની બેંચના IPS અધિકારી વિપુલ અગ્રવાલને પૂર્વોતર ક્ષેત્ર વિકાસ મંત્રાલયલમાં સંયુક્ત સચિવ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
2005ની કેડરના IFS પ્રદિપસિંહને નીતિ આયોગમાં સલાહકાર તરીકે નિમવામાં આવ્યા છે. તેમજ 2008ની બેચના IAS ઉદિત અગ્રવાલને માર્ગ-પરિવહન મંત્રાલયમાં સંયુક્ત સચિવ તરીકે નિમણૂંક આપવામાં આવી છે. રાજ્યના વહીવટી તંત્રની પ્રતિભાને રાષ્ટ્રીય સ્તરે સ્વીકારએ ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે.
આ અંગે કાર્મિક અને તાલીમ વિભાગ (DoPT) એ જણાવ્યું કે, હાર્દિક શાહને PMOમાં વડાપ્રધાનના અંગત સચિવ (સંયુક્ત સચિવ સ્તર) તરીકે પદભાર ગ્રહણ કર્યાની તારીખથી સહ-અવધિના આધારે અથવા આગામી આદેશ સુધી, જે પણ વહેલું હોય, ત્યાં સુધી નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ તમામ નિમણૂંકો પે-મેટ્રિક્સના લેવલ 14 પર કરવામાં આવી છે, જેનાથી વિવિધ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ વહીવટી પદો મજબૂત બનશે. આ પગલું સંરક્ષણ, નાણાં, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સામાજિક ક્ષેત્ર અને નીતિ વિષયક સંસ્થાઓ સહિત વિવિધ મંત્રાલયોમાં વ્યૂહાત્મક ભૂમિકાઓમાં અનુભવી અધિકારીઓની નિમણૂંક કરીને શાસનને મજબૂત કરવાના કેન્દ્રના સતત પ્રયાસોને દર્શાવે છે.
અન્ય મહત્વપૂર્ણ અને નોંધપાત્ર ફેરફારોમાં ઉત્તર પ્રદેશ કેડરના IAS અધિકારી પંકજ કુમારની ઊર્જા મંત્રાલયમાં સંયુક્ત સચિવ તરીકે નિમણૂંક, ઉત્તર પ્રદેશ કેડરના IAS અધિકારી કાજલની ટેલિકોમ વિભાગમાં સંયુક્ત સચિવ તરીકે તેમજ અન્ય એક IAS અધિકારી કે. બાલાજીની ટેલિકોમ વિભાગમાં સંયુક્ત સચિવ તરીકેની નિમણૂંક સામેલ છે. જ્યારે મણિપુર કેડરના IAS અધિકારી હરમીત સિંહ પાહુજાની DoPT માં સંયુક્ત સચિવ તરીકે બદલી કરવામાં આવી છે.
સૌથી ખાસ વાત એ છે કે, સંરક્ષણ મંત્રાલયમાં સંયુક્ત સચિવ સ્તરે સૌથી વધુ ફેરફારો થયા છે, કારણ કે તેલંગાણા કેડરના IAS પ્રીતિ મીના, મણિપુર કેડરના IAS શૈલેષ કુમાર ચૌરસિયા અને રેલવે સેવાના અધિકારી વિનોદ કુમાર અજીત કુમાર શ્રીવાસ્તવને સંરક્ષણ મંત્રાલયમાં નિમણૂંક મળી છે.
આવી જ રીતે કેન્દ્રીય ગૃહ મંત્રાલયમાં બે IAS અધિકારીઓ અને એક IPS અધિકારીને સંયુક્ત સચિવ સ્તરે તૈનાત કરવામાં આવ્યા છે. ત્રિપુરા અને સિક્કિમ કેડરના IAS અધિકારીઓ મહાત્મા સંદીપ નામદેવ અને કર્મા આર. બોનપોને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે, જ્યારે બિહાર કેડરના IPS અધિકારી રાકેશ રાઠીને પણ મંત્રાલયમાં સંયુક્ત સચિવ બનાવવામાં આવ્યા છે.
