Ahmedabad News: મોટર વાહન વ્યવહાર વિભાગ દ્વારા વાહન ઇન્શ્યોરન્સ અને ડ્રાઈવિંગ લાઈસન્સ માટે નવા નિયમો જારી કર્યા છે. ડ્રાઈવિંગ લાઈસન્સ એક્સપાયર થઈ ગયા બાદ તેની મુદતમાં એક મહિનાનો વધારો કર્યો છે. જોકે, અગાઉ લાઈસન્સની મુદત પૂર્ણ થયા બાદ રદ થઈ જતું હતું.
RTOના નિયમોમાં ફેરફાર કરાયો
વાહનનું રજિસ્ટ્રેશન રદ કરવાનો સમયગાળો હવે 14 દિવસથી વધારીને 30 દિવસ સુધી કરવામાં આવ્યો છે. વ્હિકલમાં નામ ટ્રાન્સફર કેસમાં ઈન્શ્યોરન્સમાં નામ ટ્રાન્સફર 1 મહિના સુધી કરી શકાશે. જેને પગલે કેન્દ્ર સરકાર મોટર વ્હિકલ એક્ટમાં સુધારો કરીને જનવિશ્વાસ બિલ મૂક્યું છે.
અકસ્માતમાં વળતરની અરજીમાં વધારો
એક્સિડન્ટ થાય ત્યારથી માંડીને 1 વર્ષ સુધી વળતર માટે અરજી કરી શકાશે. જે અગાઉ 6 મહિના સુધી થતી હતી. નવા સુધારા અંગે RTO અધિકારીને ખ્યાલ નથી. પરિવહન પોર્ટલમાં સુધારો થઈ ગયા પછી જ તેમને નવા સુધારાની જાણ થશે.
ભૂતપૂર્વ RTO જે.એન. બારેવાડિયા દ્વારા જણાવ્યા મુજબ, નવા સુધારો લાવવા પાછળનો મુખ્ય હેતુ ટ્રાફિકના નિયમો પ્રત્યે લોકોને જાગૃત કરવાનો છે. સજાના કડક વલણને બદલે વહીવટી પ્રક્રિયાને વધુ સરળ બનાવી લોકોને નિયમ પાલન માટે સમય અને તક આપવાનો પ્રયાસ કરાયો છે
વાહનનું રજિસ્ટ્રેશન સહિતના નિયમમાં સુધારો કરાયો
વીમા વગરનું વાહન: પેલી વાર પકડાવા પર રુ. 5,000 અને બીજી વાર રુ. 10,000 સુધીનો દંડ થઈ શકે.
રજિસ્ટ્રેશન રદ: વાહનની નોંધણી કેન્સલ કરાવવા 30 દિવસની મુદતમાં વધારો.
ઇન્શ્યોરન્સ ટ્રાન્સફર: વીમો ટ્રાન્સફર કરવા માટે 30 દિવસ મળશે.
ડ્રાઈવિંગ લાઈસન્સ: એક્સપાયરી ડેટ પછી હવે 1 મહિના સુધી માન્ય ગણાશે.
