Ahmedabad: સાબરમતી નદી થશે ખાલીખમ, 9 કરોડના ખર્ચે કરાશે વાસણા બેરેજનું રિપેરિંગ

વાસણા બેરેજના 18 દરવાજાની રિપેરિંગ કામગીરી કરવામાં આવશે.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Wed 15 Apr 2026 08:44 AM (IST)Updated: Wed 15 Apr 2026 08:44 AM (IST)
ahmedabad-news-sabarmati-river-emptied-for-vasna-barrage-repair-728181
HIGHLIGHTS
  • સાબરમતી નદી કરાશે ખાલી
  • 14 એપ્રિલથી કામગીરી શરૂ
  • વાસણા બેરેજનું સમારકામ થશે

Ahmedabad Sabarmati River: અમદાવાદની મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદી આગામી દિવસોમાં ખાલીખમ જોવા મળે તો નવાઈ નહીં. વાસણા બેરેજનું સમારકામ કરવાનું હોવાથી વહીવટી તંત્ર દ્વારા 14 એપ્રિલથી સાબરમતી નદી ખાલી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

9 કરોડના ખર્ચે વાસણા બેરેજનું રીપેરીંગ

મળતી માહિતી મુજબ, વાસણા ડેમના કુલ 30 દરવાજાઓમાંથી 18 દરવાજાના રિપેરિંગ માટે 9 કરોડ રૂપિયાનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. આ સમારકામની પ્રક્રિયા ખૂબ જ જટિલ અને તબક્કાવાર રીતે થશે. સાબરમતી નદી ખાલી થતા સુભાષ બ્રિજના વર્તમાન માળખાને હટાવીને નવા સ્પાનની કામગીરી પણ શરૂ કરવામાં આવશે.

સાબરમતી નદી ખાલી કરવામાં આવશે

આ કામગીરીને પગલે બુધવાર સાંજ સુધીમાં સાબરમતી નદી ખાલી કરવામાં આવશે. હાલમાં નદીમાં આશરે 2 મિલિયન ક્યુબિક મીટર પાણીનો જથ્થો સંગ્રહિત છે. આ જથ્થાના નિકાલ માટે ડેમના આઠ દરવાજા ખોલવામાં આવ્યા છે, જેમાંથી પ્રતિ સેકન્ડ 3000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેથી ટૂંક સમયમાં જ રિવરફ્રન્ટ જળવિહોણો થશે.

ખેડૂતોના હિતમાં આયોજનમાં કર્યો ફેરફાર

તંત્રના અગાઉના આયોજન મુજબ પહેલી એપ્રિલથી નદી ખાલી કરવાની હતી, જેના ભાગરૂપે 26 મી માર્ચે ઉપરવાસમાંથી આવતું પાણી બંધ કરી દેવાયું હતું. જોકે, ફતેહવાડી કેનાલ આધારિત ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાનું હોવાથી તારીખમાં ફેરફાર કરીને હવે 14 એપ્રિલથી નદી ખાલી કરવાનું શરૂ કરવામાં આવ્યું છે.

સફાઈ ઝુંબેશ અને ચોમાસા પૂર્વે લક્ષ્યાંક

તંત્ર દ્વારા ચોમાસા પૂર્વે કામગીરી પૂર્ણ કરવા માટે 60 દિવસનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. પરંતુ કામગીરીમાં આનાથી પણ વધુ સમય જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દરવાજાના રિપેરિંગની સાથોસાથ, નદી ખાલી થતાં તેના પટમાંથી કચરાના નિકાલ માટેની સફાઈ કામગીરી પણ વહીવટી તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.