Ahmedabad POCSO Court: અમદાવાદની સ્પેશિયલ પોક્સો કોર્ટે સગીર છોકરીઓની ગેરકાયદેસર માનવ તસ્કરી, જાતીય શોષણ અને તેમને વેશ્યાવૃત્તિમાં ધકેલવાના ગંભીર ગુનામાં બે વ્યક્તિઓને કડક સજા ફટકારી છે. ખાસ ન્યાયાધીશ નીતા વસાવેલીયાની અધ્યક્ષતામાં ચાલતા કેસમાં કોર્ટે મુખ્ય આરોપીને 20 વર્ષની જેલ અને તેના બાંગ્લાદેશી સાથીદારને આજીવન કેદની સજા સંભળાવી છે.
રોજગારીના નામે લાવવામાં આવતી હતી સગીરાઓ
આ સમગ્ર રેકેટમાં પશ્ચિમ બંગાળ અને સરહદ પાર બાંગ્લાદેશથી સગીર છોકરીઓને સારી નોકરી અને રોજગાર આપવાના બહાને અમદાવાદ લાવવામાં આવતી હતી. અહીં લાવ્યા બાદ તેમનું શારીરિક અને જાતીય શોષણ કરીને બળજબરીથી વેશ્યાવૃત્તિના દલદલમાં ધકેલી દેવામાં આવતી હતી.
ઓગસ્ટ 2024 માં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જે. જાડેજા અને આઈ.એન. ગોસારાની ટીમે કાર્યવાહી કરીને આ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે વસ્ત્રાલમાંથી મૂળ પશ્ચિમ બંગાળના સાગર મિલન મંડલ અને ઓઢવમાંથી મૂળ બાંગ્લાદેશના રહેવાસી મોહમ્મદ ફારુખ ઉર્ફે અબ્દુલ કરીમ મંડલની ધરપકડ કરી હતી.
પીડિતાઓની આપવીતી અને પોલીસ કાર્યવાહી
પોલીસે 15 વર્ષ અને 17 વર્ષની બે સગીર છોકરીઓ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, મુખ્ય આરોપી સાગર મંડલે બાંગ્લાદેશની એક પીડિતાને પોતાની પત્ની તરીકે રાખી હતી અને ત્યારબાદ તેને વેશ્યાવૃત્તિમાં ધકેલી દીધી હતી. સગીરાઓએ પોતાની આપવીતીમાં જણાવ્યું હતું કે તેમની મજબૂરીનો લાભ ઉઠાવીને તેમનું સતત જાતીય શોષણ કરવામાં આવતું હતું.
કડક સજા અને દંડની જોગવાઈ
કોર્ટે તમામ પુરાવાઓ અને દલીલોને ધ્યાને રાખીને સાગર મંડલને મુખ્ય ગુનેગાર માન્યો હતો. સ્પેશિયલ પોક્સો કોર્ટે ભારતીય ન્યાય સંહિતા (BNS), પોક્સો એક્ટ (POCSO Act) અને અનૈતિક માનવ તસ્કરી નિવારણ કાયદાની વિવિધ કલમો હેઠળ:
- સાગર મિલન મંડલ: 20 વર્ષની સખત જેલની સજા અને 20,000 નો દંડ.
- મોહમ્મદ ફારુખ ઉર્ફે અબ્દુલ કરીમ મંડલ (બાંગ્લાદેશી નાગરિક): આજીવન કેદની સજા.
અમદાવાદના ચંડોળા તળાવ આસપાસની ગેરકાયદેસર બાંગ્લાદેશી વસાહતો પર વહીવટીતંત્રે કાર્યવાહી કરી છે, તેવામાં કોર્ટના આ કડક ચુકાદાથી મહિલા અને બાળ તસ્કરી કરતા અસામાજિક તત્વોમાં ભારે ફાફડાટ વ્યાપી ગયો છે.
