Ahmedabad Rain, Rescue Video: અમદાવાદમાં સતત વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં કેટલાક રહેણાંક વિસ્તારોમાં લોકો ફસાઈ જવાના બનાવો સામે આવ્યા હતા.
પાલડી સ્થિત મોન્સૂન કંટ્રોલ રૂમને મળેલી માહિતીના આધારે સાબરમતી વિસ્તારના છારાનગર સ્થિત રબારીવાસમાં મકાનો તથા ધાબા ઉપર કેટલાક લોકો ફસાયેલા હોવાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી.
આ કોલ મળતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પાણીથી ઘેરાયેલા વિસ્તારમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તમામ લોકોને સલામત રીતે બહાર કાઢ્યા હતા.
ભારે વરસાદના કારણે નીચાણવાળા આ વિસ્તારમાં પાણીનું સ્તર ઝડપથી વધી જતાં લોકો પોતાના જીવ બચાવવા માટે મકાનના ધાબા ઉપર આશરો લેવા મજબૂર બન્યા હતા. આવા સમયે ફાયર વિભાગે રેસ્ક્યુ કામગીરી હાથ ધરી અને કુલ 11 નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.
રેસ્ક્યુ કરાયેલા લોકોમાં વૃદ્ધોનો પણ સમાવેશ થતો હોવાથી ટીમે વિશેષ સાવચેતી રાખીને કામગીરી પૂર્ણ કરી હતી. બચાવાયેલા તમામ લોકોને પ્રાથમિક સુરક્ષા આપ્યા બાદ તેમના સંબંધીઓ તથા સ્થાનિક સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા.
ફાયર વિભાગ દ્વારા બચાવવામાં આવેલા નાગરિકોમાં દરિયાબેન દેવીસિંહ રાજપૂત (65 વર્ષ), દેવીસિંહ રાજપૂત (72 વર્ષ), જેબીબા દેવજીભાઈ નાઈ (75 વર્ષ), કુલસિંહ રાજપૂત (21 વર્ષ), તનિષાબેન ઠાકોર (35 વર્ષ), માનવભાઈ નાઈ (35 વર્ષ), પ્રિયાંનસિંહ નાઈ (18 વર્ષ), મનિષાબેન નાઈ (37 વર્ષ), ઠાકોર ગોમતીબેન (55 વર્ષ), કમળાબેન નાઈ (65 વર્ષ) અને બચુભાઈ નાઈ (58 વર્ષ)નો સમાવેશ થાય છે.
ફાયર વિભાગના જણાવ્યા મુજબ, સમયસર મળેલી જાણ અને ત્વરિત પ્રતિસાદના કારણે તમામ 11 લોકોને કોઈ જાનહાનિ વિના સુરક્ષિત રીતે બચાવી શકાયા હતા. ભારે વરસાદ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં આવી રહેલી કટોકટીની પરિસ્થિતિમાં અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ દ્વારા સતત રેસ્ક્યુ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
