Ahmedabad News: અમદાવાદમાં નિવૃત્ત સિનિયર સિટીઝન સાથે ‘ડિજિટલ એરેસ્ટ’ના બહાને મોટા પાયે ઓનલાઈન છેતરપિંડીનો ગંભીર કેસ સામે આવ્યો છે. થલતેજ-બોડકદેવ વિસ્તારમાં રહેતા 77 વર્ષીય ઘનશ્યામભાઈ કાળીડાસ પટેલ સાથે સાયબર ઠગોએ કુલ રૂ. 17.10 લાખની છેતરપીંડી કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. 03 સપ્ટેમ્બરથી 13 સપ્ટેમ્બર 2025 દરમિયાન ઠગોએ બનાવટી પોલીસ-સીબીઆઈ અધિકારીઓ તરીકે પોતે ઓળખ આપી, સતત વીડિયો કોલમાં રાખ્યા અને મની લોન્ડરિંગ કેસના નામે પૈસા પડાવ્યા હતા.
ઠગાઈની શરૂઆત 03 સપ્ટેમ્બરના રોજ અજાણ્યા નંબર પરથી આવેલા વોટ્સએપ કોલથી થઈ હતી. કોલ કરનારાએ પોતાને કોલાબા પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર વિજય ખન્ના તરીકે ઓળખાવ્યો. તેણે ફરિયાદીને જણાવ્યું કે તેમના આધારકાર્ડનો ઉપયોગ કરીને મુંબઈમાં કેનેરા બેંકમાં એકાઉન્ટ ખોલવામાં આવ્યું છે અને આ એકાઉન્ટનો ઉપયોગ સંજય રાઉતના મની લોન્ડરિંગ માટે થયો છે. ખન્નાએ ધમકી આપી કે ફરિયાદીનું નામ કેસમાં ખુલ્યું છે અને તેઓ પુછપરછ માટે નહીં આવે તો ધરપકડ થઈ શકે છે.
ઉંમર અને આરોગ્ય જોતા, ખન્નાએ ફરિયાદીને શારીરિક બદલે ‘ડિજિટલ એરેસ્ટ’માં રાખવાની વાત કરી. ત્યારબાદ ફરિયાદી અને તેમની પત્નીને સતત વોટ્સએપ વીડિયો કોલમાં રહેવાની ફરજ પાડવામાં આવી. કોલ દરમિયાન ખન્નાએ પોલીસ યુનિફોર્મ પહેરેલું હતું અને પાછળ મહારાષ્ટ્ર પોલીસનો લોગો મૂકેલો હતો. પત્નીને પણ અલગ નંબર પરથી ફોન કરીને ડરાવાયા હતા અને ઘરની બહાર ન નીકળવાની, કોઈને ફોન ન કરવાની કડક ચેતવણી આપવામાં આવી હતી.
ઠગોએ પોતાના દાવાને સાચો દેખાડવા માટે અનેક બનાવટી દસ્તાવેજો મોકલ્યા હતા. તેમાં કેનેરા બેંકનું ખોટું સ્ટેટમેન્ટ, સંજય રાઉતનો ફોટો, CBI અને સુપ્રીમ કોર્ટના લેટરહેડવાળા કાગળો અને ‘Justice Sanjiv Khanna Vs Ghanshyam Patel’ નામની બનાવટી નોટિસનો સમાવેશ હતો. 06 સપ્ટેમ્બરના રોજ ફાઈનાન્સ મંત્રાલય અને સુપ્રીમ કોર્ટના નામે ‘Submitting Assets for Law Enforcement Inspection’ લેટર મોકલી રૂ. 14 લાખ ટ્રાન્સફર કરવા દબાણ કરાયું.
ફરિયાદીએ ડર અને દબાણમાં આવી 14 લાખ રૂપિયા ICICI બેંકના એકાઉન્ટમાં RTGS કર્યા. ત્યારબાદ 08 સપ્ટેમ્બરે તેમની પત્નીના ખાતામાંથી 3.10 લાખ પણ બાંધકામના બહાને બંધન બેંકના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવવામાં આવ્યા. આ રીતે કુલ 17.10 લાખની છેતરપીંડી થઈ. પછી વધુ પૈસા માંગતા, ઠગોએ બનાવટી જામીન પત્ર મોકલ્યો અને રૂ. 6.50 લાખ ભરવાની ધમકી આપી. અંતે ફરિયાદીએ મિત્રની સલાહ લઈ વધુ પૈસા ન આપવા નક્કી કર્યું અને પોલીસને જાણ કરી. બોડકદેવ પોલીસ સ્ટેશન તેમજ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 પર ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ હવે કોલ રેકોર્ડ, એકાઉન્ટ ડિટેલ્સ અને ચેટ પુરાવાના આધારે તપાસ શરૂ કરી છે.
