Protest: અમદાવાદ બન્યું મિની જંતરમંતર, બપોરે કોંગ્રેસ તો સાંજે વિદ્યાર્થીઓએ નોંધાવ્યો વિરોધ; પોલીસે કરી પ્રદર્શનકારીઓની અટકાયત

ગુજરાત યુનિવર્સિટી પાસે વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કરતા પોલીસે કડક કાર્યવાહી કરતા પ્રદર્શનકારીઓની અટકાયત કરી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 23 Jul 2026 08:03 AM (IST)Updated: Thu, 23 Jul 2026 09:30 AM (IST)
ahmedabad-student-protest-gujarat-university-neet-paper-leak-congress-bjp
Ahmedabad Student Protest

Ahmedabad Student Protest: દિલ્હીમાં વડાપ્રધાન આવાસ બહાર NEET પેપર લીક વિવાદમાં થયેલા વિરોધ બાદ, હવે આ વિવાદની આગ અમદાવાદ સુધી પહોંચી ગઈ છે. 22 જુલાઈના રોજ અમદાવાદ શહેર રાજકીય અને વિદ્યાર્થી આંદોલનનું મેદાન બની ગયું હતું. સવારથી લઈને સાંજ સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં રાજકીય પક્ષો અને વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શનો નોંધાવવામાં આવ્યાહતા.

રાજકીય જંગ: કોંગ્રેસ અને ભાજપ સામસામે 

આ ઘટનાક્રમની શરૂઆત સવારે રાજીવ ભવન પાસે કોંગ્રેસના નેતાઓના વિરોધ પ્રદર્શનથી થઈ હતી. બપોરે 2 વાગ્યે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા મોટી સંખ્યામાં કાર્યકરો સાથે કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે ધરણા કરવા પહોંચ્યા હતા.

બીજી તરફ, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કાર્યકરો સાથે કાર્યાલયની સીડી પર જ મોરચો સંભાળ્યો હતો. તેમણે ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, "મોદી અને અમિત શાહનો દેશવાસીઓ જવાબ માંગશે." કોંગ્રેસના આ ધરણા કાર્યક્રમમાં NEET પરીક્ષાના અગાઉ આત્મહત્યા કરનાર વિદ્યાર્થી કહાનના પિતા પ્રશાંત પટેલ પણ જોડાયા હતા.

ગુજરાત યુનિવર્સિટીવિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન

સાંજના સમયે ગુજરાત યુનિવર્સિટી પાસે વિદ્યાર્થીઓએ મોરચો માંડ્યો હતો, જેમાં પ્રદર્શનકારીઓએ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ કરી હતી. સ્થિતિને કાબૂમાં લેવા માટે ગુજરાત યુનિવર્સિટીના ગેટ પાસે સેક્ટર-1 JCP અને ત્રણ PI સહિતનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજથી લઈને વિજય ચાર રસ્તા સુધીનો રોડ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો. વધુમાં, ગુજરાત યુનિવર્સિટીથી IIM રોડ તરફ જવાના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા વિરોધ કરવા આવતા યુવાનોને અટકાવવા માટે કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

માસ્ક પહેરીને આવતા યુવક-યુવતીઓના આઈ કાર્ડ ચેક કરવામાં આવ્યા અને દેખાવે શંકાસ્પદ લાગતા વિદ્યાર્થીઓની સીધી જ અટકાયત કરવામાં આવી હતી. યુવાનો 'રિઝાઇન આપી દો ભાઈ'ના પોસ્ટર સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. પોલીસે ધક્કા મારી-મારીને પ્રદર્શનકારીઓને બસોમાં ભર્યા અને 50થી વધુ વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી.

વિરોધની અનોખી રીત, યુવનોઓએ રાષ્ટ્રગીત ગાયું

આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ અનોખી રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. વિક્રમ સારાભાઈ સાયન્સ સેન્ટરમાં યુવક-યુવતીઓએ રાષ્ટ્રગીત ગાયું હતું, જ્યારે કેટલાક યુવકો મેલોડી ચોકલેટ ખાઈને અને પોસ્ટર દ્વારા પોતાનો સંદેશ આપી રહ્યા હતા. મોટી સંખ્યામાં યુવાનોએ સેન્ટ ઝેવિયર્સ કૉલેજથી એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ સુધી રેલી પણ યોજી હતી.

પ્રદર્શનકારીઓની અટકાયતને લઈને પણ આક્રોશ જોવા મળ્યો હતો. અનેક વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે ઉમટી પડ્યા હતા. અંતમાં, ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ભેગા થયેલા તમામ પ્રદર્શનકારીઓને વકીલ આનંદ યાજ્ઞિકની દરમિયાનગીરી બાદ પોલીસ સ્ટેશનમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.